કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ કોમર્સિયલ કો-ઓપરેટિવ બેન્કના ચેરમેન અને એમડીના રાજીનામા લેવાના બનાવટી પત્રો અને ઈ મેઈલથી રીઝર્વ બેન્ક સુધી રજૂ કરવાના પ્રકરણમાં કુલડીમાં ગોળ ભંગાઈ રહ્યો હોવાની ચોંકાવનારા સંકેત સાંપડી રહ્યાં છે. આઈપી એડ્રેસના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચના સાયબર ક્રાઈમની ટીમ વેરાવળથી આરોપીને પકડી લાવી, તેની પૂછપરછમાં કડાકા ભડાકા થવાની શક્યતા સેવાતી હતી પરંતુ આરોપી જામીન મુક્ત થઈ ગયો છે અને પોલીસે હવે ‘ટેકનિકલ’ તપાસ ચાલતી હોવાનું ગાણું ગાઈ રહી છે! બનાવ અંગે ૩૧ મેના રોજ બેન્કના જનરલ મેનેજરે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને સાયબર ક્રાઈમ પોલીસ બે દિવસમાં વેરાવળથી ૫૧ વર્ષિય ગિરીશ કનૈયાલાલ ઠક્કરને પકડી લાવેલી અને તેને ભુજ એ ડિવિઝન પોલીસના હવાલે કરાયેલો. ગિરીશ ઠક્કર ૨૦૧૦માં વેરાવળની કોમર્સિયલ બેન્કમાં જોઈન્ટ એમડી રહી ચૂકેલો સહકારી બેન્કિંગ સેક્ટરનો ‘અનુભવી’ ખેલાડી છે.
સૂત્રોના દાવા મુજબ પ્રાથમિક પૂછપરછમાં ગિરીશે ભુજ બેન્કના એક ડાયરેક્ટરે ઘડેલા કાવતરામાં ભાગ લઈ આ ગુનો આચર્યો હોવાનું કબૂલ્યું હતું. તેણે જે નામ જણાવ્યું તે ગુનાહિત ભૂતકાળ અને પ્રવૃત્તિમાં રચ્યોપચ્યો રહેતો ભુજનો વિવાદાસ્પદ શખ્સ છે.
ભૂતકાળમાં પણ તે શખ્સ અનેક કારણોસર વિવાદોમાં આવી ચૂકેલો છે.
જે-તે સમયે વિવાદો વખતે તે એક રાજકીય મોટા બેનની સાડીના પાલવમાં સંતાઈ જતો હતો.
ઝડપાયેલો ગિરીશ જામીન પર છૂટી ગયો છે. પોલીસ હવે ટેકનિકલ તપાસ ચાલું હોવાનું કહી રહી છે. સૂત્રો દાવો કરે છે કે કુલડીમાં ગોળ ભંગાઈ ગયો છે. કચ્છને કમાવાનું સાધન માની, આવતાં વેંત સરવૈયા નામના નાવિકની હોડીમાં બેસી નવી નવી સેર કરતાં એક સાહેબે રાજકીય આભામાં આવી મોઢું મીઠું કરી લીધું હોવાનું ચર્ચાય છે!
Share it on
|