કચ્છખબરડૉટકોમ, ભુજઃ મુંદરામાં આદર્શ ટાવર પાછળ કોલીવાસ નજીક જાહેરમાં પેશાબ કરતા યુવકો પર નજીકમાં રહેતી મહિલા સહિતના સાતેક જણે લાકડીઓ અને પાઈપથી હુમલો કર્યો હોવાનો બનાવ બન્યો છે. બનાવ અંગે દીપક ભીમજી કટુવાએ કોલીવાસમાં રહેતા અનીસ ધનજી કોલી અને તેના ભાઈ આકાશ, તેમની માતા તથા અન્ય ચારેક અજાણ્યા લોકો વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. આરોપીઓએ પોતાને તથા મિત્ર જગદીશ ફફલને માર્યો હોવાનું જણાવાયું છે. દરમિયાન, બેઉ જણે અહીં રહેતી એક મહિલાની છેડતી કરતાં લોકોએ ઉશ્કેરાઈને બેઉને કૂટી નાખ્યા હોવાની વળતી ફરિયાદ નોંધાઈ છે. મુંદરા પીઆઈ જે.વી. ધોળાએ સામસામી ફરિયાદો નોંધી તપાસ હાથ ધરી છે.
માધાપરમાં ઘરનોકરે ૧.૮૦ લાખના દાગીના ચોર્યાં
માધાપરમાં સર્વોદય ગ્રાઉન્ડ સામે પ્રેમનગરમાં રહેતાં અને ઈન્ડિયન આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલ તરીકે ફરજ બજાવતાં ૪૭ વર્ષિય વિનીત શેરાવતે પોતાના ઘર નોકરે શેટી પલંગમાં રાખેલાં ૧.૮૦ લાખના સોનાના ઘરેણાં-ઘડિયાળની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ જણાવ્યું કે તેઓ ૨૨થી ૨૬ મે દરમિયાન સપરિવાર અમદાવાદ સગાં-સંબંધીના ઘેર ગયેલાં. ઘરની ચાવી ઘરઘાટી પાર્થિવનને આપેલી. પરત ફર્યાં ત્યારે ઘરમાં બધું બરાબર હોઈ તેમને ચોરી થયા અંગે કશી ખબર પડી નહોતી. જો કે પાછળથી આર્મીમાં કામ કરતાં સહકર્મી મારફતે પાર્થિવન ચોરી કરવાની ટેવ ધરાવતો હોવાનું જાણવા મળતાં તેમણે શેટી પલંગ ખોલી ચેક કરતાં દાગીના ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું.
Share it on
|