ભુજઃ કોલેજગર્લ પર યુવકનો હુમલો જીવલેણ બન્યોઃ મધરાતે સારવાર દરમિયાન યુવતીનું મોત
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજની ભાગોળે એરપોર્ટ રોડ પર સંસ્કાર કૉલેજમાં બીસીએના પ્રથમ વર્ષમાં ભણતી ૧૯ વર્ષિય સાક્ષી જેઠાલાલ ખાનિયા (ભાનુશાલી) પર તેના પડોશી મિત્રએ કરેલો ઘાતક હુમલો જીવલેણ પુરવાર થયો છે.
Video :
ગંભીર હાલતમાં રહેલી સાક્ષીએ મધરાત્રે બે વાગ્યાના અરસામાં ભુજની ખાનગી મેડીસ્ટાર હોસ્પિટલમાં દમ તોડી દેતાં બનાવ હત્યામાં પલટાયો છે. ગંભીર રીતે ઘાયલ સાક્ષીને બચાવવા માટે તબીબોએ અથાક મહેનત કરી હતી પરંતુ સાક્ષીને બચાવી શક્યા નહોતા.
પડોશી મિત્ર છરી વડે તૂટી પડ્યો હતો
ગાંધીધામના ભારતનગરમાં સોનલનગર પ્લોટ ખાતે સિધ્ધેશ્વર મંદિર પાસે રહેતી સાક્ષી ભુજની ભાનુશાલી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી.
એકાદ માસ અગાઉ જ સાક્ષીએ ભુજની સંસ્કાર કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો.
ગુરુવારે સાંજે પોણા છ વાગ્યે તે કોલેજથી હોસ્ટેલ તરફ જઈ રહી હતી ત્યારે કોલેજના ગેટ બહાર મુખ્ય માર્ગને જોડતાં એપ્રોચ રોડ પર મોહિત મૂળજીભાઈ સિધ્ધપુરા તેના મિત્ર જયેશ જેન્તીજી ઠાકોર (રહે. પરસોત્તમનગર, મેઘપર બોરીચી, અંજાર)ને લઈ, જયેશની બાઈક પર સાક્ષીને મળવા દોડી ગયો હતો. પોલીસે જણાવ્યું કે મોહિત ગાંધીધામના ભારતનગરમાં સાક્ષીના ઘરની નજીક રહે છે. બંને વચ્ચે મિત્રતા હતી પરંતુ કોઈ કારણોસર સંબંધોમાં તીરાડ પડતાં સાક્ષીએ મોહિત સાથે બોલવાનું બંધ કરી હતું.
સાક્ષીનો ભણવાનું છોડી ગાંધીધામ પાછાં ફરવા ઈન્કાર
હોસ્ટેલ તરફ જતી સાક્ષીને અટકાવીને મોહિતે તેની સાથે બ્રેકઅપ મુદ્દે ઉગ્ર ચર્ચા છેડીને સાક્ષીને ભણવાનું છોડીને ગાંધીધામ પરત આવી જવા માટે માંગણી કરી દબાણ કર્યું હતું. જો કે, સાક્ષીએ તેની વાત માનવાનો ઈન્કાર કરી દેતાં મોહિત ઉશ્કેરાયો હતો અને પોતાની સાથે લાવેલી છરી વડે તેણે સાક્ષી પર આડેધડ ઘા મારવાનું શરૂ કર્યું હતું.
મોહિત જોડે આવેલા તેના મિત્ર જયેશ ઠાકોરે તેને અટકાવવા પ્રયાસ કરતા આવેશમાં અંધ બની ગયેલા મોહિતે તેને પણ છરી મારી દીધી હતી.
હુમલામાં સાક્ષીના ગળા પર છરીનો ઊંડો ઘા વાગ્યો હતો. ગંભીર ઈજાથી સાક્ષી ગળું પકડીને નીચે બેસી ગઈ હતી. હુમલા બાદ મોહિત સ્થળ પરથી નાસી ગયો હતો. બનાવ અંગે જાણ થતાં કોલેજ સંચાલકો સાક્ષી અને જયેશને જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતા.
મોહિત અને જયેશ પર હત્યાની કલમ તળે ગુનો
કોલેજ ગર્લ પર થયેલા ખૂની હુમલાના પગલે પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાના પગલે સાક્ષીના પરિવારજનો ભુજ દોડી આવ્યા હતા. પોલીસે સીસીટીવી સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે મોડી રાત્રે મોહિતને ઝડપી પાડ્યો હતો. બીજી તરફ, રાત્રે સાક્ષીના પિતા જેઠાલાલ હેમરાજભાઈ ખાનિયાએ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે પોતાની દીકરી પર હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવા સબબ મોહિત અને જયેશ સામે ફરિયાદ નોંધાવી હતી. સારવાર હેઠળ રહેલી સાક્ષીની હાલત ગંભીર થતાં તેને ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી જ્યાં તેણે દમ તોડી દીધો હતો.
સુરતના ગ્રિષ્મા વેકરીયા હત્યાકાંડ જેવી ઘટના
ભુજની આ ઘટનાએ સૌને ૨૦૨૨માં સુરતમાં બનેલા ગ્રિષ્મા હત્યાકાંડની યાદ અપાવી દીધી છે. જેમાં ૨૧ વર્ષિય ગ્રિષ્મા વેકરીયા નામની કોલેજ કન્યાની બ્રેક અપ કરવા બદલ તેના પૂર્વ પ્રેમી ફેનિલ ગોયાણીએ સરાજાહેર ચાકુથી ગળું વેતરી ઘાતકી હત્યા કરી નાખી હતી. આ ગુનામાં સુરત કૉર્ટે ફેનિલને મૃત્યુ દંડની સજા ફટકારી હતી.