કચ્છખબરડૉટકોમ, ભુજઃ દુબઈથી ઈન્ડસ્ટ્રીયલ સોલ્ટના બહાને સોપારીની આયાત કરી, સરકારી ટેક્સની ચોરી કરીને યુક્તિપૂર્વક દેશમાં તેનું વેચાણ કરવાના ગુનાના મુખ્ય સૂત્રધાર પંકજ કરસનદાસ ઠક્કરની પાલનપુર પોલીસે ધરપકડ કરી છે. પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનની ટીમે પંકજની બનાસકાંઠા-રાજસ્થાનની બોર્ડર પરથી ધરપકડ કરી ગુનાની તપાસ કરતી સીટને સુપ્રત કર્યો છે. ઉલ્લેખનીય છે કે, દાણચોરીથી મુંદરામાં ઘૂસાડાયેલી સોપારીનો જથ્થો સીઝ નહીં કરવાના નામે ચાર પોલીસ કર્મચારી સહિત છ જણે સ્મગલર ટોળકીના સાગરીત અનિલ પંડિત પાસે પોણા ચાર કરોડનો તોડ કર્યો હતો. મામલો બહાર આવ્યાં બાદ પોલીસે ફરિયાદ નોંધી અનિલ પંડિતે રજૂ કરેલાં દસ્તાવેજોની ઊંડાણપૂર્વક તપાસ કરતાં પંડિત સહિતના આરોપીઓ લાંબા સમયથી આ મોડસ ઓપરેન્ડી મુજબ સોપારીનું સ્મગલિંગ કરતાં હોવાનો ઘટસ્ફોટ થયો હતો. જેથી અંજાર વિભાગના નાયબ પોલીસ અધીક્ષકે ૨૬-૧૦-૨૦૨૩ના રોજ અનિલ પંડિત અને પંકજ ઠક્કર સહિતના આરોપીઓ સામે મુંદરા પોલીસ મથકે બીજી ફરિયાદ નોંધાવી હતી.
આ ગુનાની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના થયેલી છે. અત્યારસુધીમાં આ કેસમાં પંકજ સહિત ૯ આરોપીની ધરપકડ થઈ ચૂકી છે.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે અગાઉ સોપારી અને કાળાં મરી સહિતની ચીજવસ્તુની દાણચોરીના ગુનામાં કસ્ટમના હાથે ઝડપાઈ ચૂકેલો ગાંધીધામનો પંકજ કરસનદાસ ઠક્કર જ માસ્ટર માઈન્ડ છે. ગુનો નોંધાયો ત્યારથી પંકજ ફરાર થઈ ગયો હતો. પોલીસે પંકજને રીમાન્ડ પર લઈ સોપારી સ્મગલિંગકાંડની એક એક કડી મેળવવા તજવીજ હાથ ધરી છે. નોંધનીય છે કે તોડકાંડ અને સ્મગલિંગકાંડમાં બનાસકાંઠા પોલીસે જ મોટાભાગના અને મહત્વના આરોપીઓની ધરપકડ કરી મહત્વના પૂરાવા એકઠાં કરેલાં છે.
Share it on
|