click here to go to advertiser's link
Visitors :  
10-Feb-2026, Tuesday
Home -> Bhuj -> Ahmedabad Youth Cheated of Rs 4.30 Lakh by Bhuj Trio in Fake Gold Deal
Monday, 09-Feb-2026 - Bhuj 1023 views
ભુજની ત્રિપુટીએ સસ્તાં સોનાના નામે અ’વાદના યુવક જોડે ૪.૩૦ લાખની ઠગાઈ આચરી
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજમાં બેઠાં બેઠાં સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર સસ્તાં સોનાના નામે જાળ બીછાવીને દેશભરના લોકો જોડે ઠગાઈ કરતી ગેંગે અમદાવાદના ટ્રાન્સપોર્ટર જોડે ૪.૩૦ લાખની ઠગાઈ કરી છે. બે વર્ષ બાદ કંટાળીને યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી છે. અમદાવાદના બોપલમાં રહેતા ૩૦ વર્ષિય ફરિયાદી જૈમિન પરેશ પટેલે પોલીસને જણાવ્યું કે ફેસબૂક પર મોહિત સોની નામના શખ્સે સોનાના બિસ્કીટ સાથે માર્કેટ કરતાં વીસથી પચ્ચીસ ટકા ઓછાં ભાવે સોનું મળશે તેવી પોસ્ટ મૂકેલી. તે જોઈને જાળમાં ફસાયેલો.

૬ઠ્ઠી માર્ચ ૨૦૨૪ના રોજ તે ભુજ આવેલો. ત્યાં નવાબ નામનો શખ્સ મળેલો અને નવાબે તેના બોસ મોહમ્મદ અલી જોડે મુલાકાત કરાવેલી. નવાબે અલીનો મુંબઈમાં ગોલ્ડ ઈમ્પોર્ટનો મોટો કારોબાર હોવાનું અને કસ્ટમ ઑફિસરો જોડે સારી ઓળખાણ હોવાનું કહેલું.

અલીએ ફરિયાદીને ૧૦૦ ગ્રામ સોનાનું બિસ્કીટ બતાડીને ૪.૫૦ લાખમાં સોદો નક્કી કરવા ઑફર કરેલી. બાદમાં ૪.૩૦ લાખમાં ડીલ ફાઈનલ થયેલી.

ડીલ નક્કી થયાં બાદ આરોપીઓએ સામખિયાળીમાં બિસ્કીટની ડિલિવરી આપવાનું કહેલું. ત્યાંથી બહાના કરીને તેને પરત અમદાવાદ મોકલી દીધેલો. આજ દિન સુધી આરોપીઓએ ના બિસ્કીટ આપ્યું છે કે ના પૈસા પરત આપ્યાં છે. તેમના મોબાઈલ ફોન પણ બંધ થઈ ગયાં છે.

નકલી નામ ધારણ કરીને ઠગાઈ કર્યાનો ઘટસ્ફોટ

ફરિયાદી પોલીસ પાસે ગયો ત્યારે પોલીસે રીઢા ચીટરોના ફોટો બતાડતાં તે ત્રણેને ઓળખી ગયેલો. મોહિત સોની નામ ધારણ કરનારો હકીકતે ભુજનો રીઝવાન રમજુ મોખા, નવાબ નામ ધારણ કરનારો અબ્બાસ જુસબ મોખા અને મોહમ્મદ અલી નામ ધારણ કરનારો જુસબ વલીમામદ કકલ (રહે. ઓધવવંદના સોસાયટી, ભુજ) હોવાનું બહાર આવ્યું છે. ત્રણે સામે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે.

સસ્તાં સોનાની લાલચ આપતો યુવક ઝડપાયો

સોશિયલ મીડિયા પર અમેરિકન ડોલર અને ભારતીય રૂપિયાની ચલણી નોટોની થપ્પીઓ અને સોનાના બિસ્કીટના ફોટો તથા વીડિયો પોસ્ટ કરીને લોકોને એક કા તીન તથા સસ્તાંમાં સોનું આપવાની લાલચ આપતાં ભુજના એક યુવકને લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. શહેરના શાંતિનગર, સરપટ નાકા બહાર ખાતે રહેતો ફારુક હુસેન સમા લોકો જોડે ઠગાઈ કરવા હેતુ વિવિધ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર નકલી આઈડી બનાવીને આવા મેસેજ પોસ્ટ કરતો હતો. તેના કબજામાંથી ઉપર નીચે સાચી નોટ રાખી હોય અને વચ્ચે નકલી નોટો હોય તેવા બંડલો કબજે કરાયાં છે.

Share it on
   

Recent News  
મુંદરાઃ તમંચાના નાળચે જવેલરી શોપમાં લૂંટનો પ્રયાસઃ સોનીએ હિંમત દાખવી એકને ઝડપ્યો
 
ભુજમાં કિશોરીની છેડતી અને તેના મોટા ભાઈ પર હુમલાના કેસમાં બે સગાં ભાઈને કારાવાસ
 
અબડાસાનો રીઢો શખ્સ લોકોમાં પ્રભાવ પાડવા ઈન્ડિયન આર્મી જેવી જીપ્સી વાપરતો હતો!