કચ્છખબરડૉટકોમ, ભુજઃ પશ્ચિમ કચ્છમાં વાહન ચોરીના ગુનાઓ અને તેની સામે નજીવા ડિટેક્શન વચ્ચે લોકોના ઘર ઑફિસમાં થતી ચોરીઓના કિસ્સાઓમાં વધારો થયો છે. જો આરોપી રીઢો હોય અને પોલીસના રડારમાં આવે તો તરત ઝડપાઈ જાય બાકી તો જાણે હરી હરી. ઘણી વખત ફરિયાદ પણ તત્કાળ નોંધાતી નથી કે ફરિયાદના વિલંબ માટેનું કારણ પણ ધરાર જણાવાતું નથી! જૂઓ આજનો દાખલો. સંસ્કારનગરના કતીરા કોમ્પ્લેક્સની ઑફિસમાં ચોરી
ભુજના સંસ્કારનગરમાં કતીરા કોમ્પ્લેક્સના ઉપલા માળે આવેલી ખાનગી ફાઈનાન્સ કંપની SIF PVT LTD.માં ગત મંગળવાર અને બુધવારની રાત્રે ત્રાટકેલાં તસ્કરોએ શટર ખોલીને, ઑફિસની તિજોરીમાં રાખેલાં ૪.૨૦ લાખ રોકડાં, ઑફિસમાં રહેલું પાંચ હજારનું લેપટોપ, સીસીટીવી કેમેરાના ફૂટેજ રેકોર્ડ કરતું બે હજારનું ડીવીઆર, પંદરસો રૂપિયાનું વાય ફાઈ મળી ૪.૨૯ લાખ રૂપિયાની ચીજવસ્તુ ચોરી ગયાં હતા. ચોરીના આ બનાવની બુધવારે સવારે જ કેશિયરે બ્રાન્ચ મેનેજરને જાણ કરેલી પરંતુ અગમ્ય કારણોસર આ બનાવની ફરિયાદ છેક આજે શનિવારે સાંજે પોણા સાત વાગ્યે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે દાખલ થઈ છે.
ફરિયાદમાં વિલંબનું કારણ જ દર્શાવાયું નથી
ફરિયાદ દાખલ કરવામાં વિલંબ થયો હોય તો આ વિલંબનું કારણ શું છે તેની વિગત કૉલમ નંબર આઠમાં દર્શાવવી પણ ફરજિયાત છે. જો કે, ઓનલાઈન ફરિયાદની કોપીમાં વિલંબ અંગેનું કોઈ જ કારણ દર્શાવાયું નથી!
કોગ્નિઝેબલ ઓફેન્સ બન્યો હોય તો તેની બનતી ઝડપે ફરિયાદ દાખલ કરવી પડે તેવું કાયદો કહે છે. ઘણીવાર ફરિયાદ દાખલ કરવાના વિલંબનો મુદ્દો કૉર્ટોમાં આરોપીની તરફેણમાં જતો હોય છે.
આશા રાખીએ કે જેમ ઘણીવાર સત્તાવાર ફરિયાદ દાખલ કર્યા પહેલાં પોલીસ ગુનાની તપાસ કરી, આરોપીને પકડીને વિધિવત્ ફરિયાદ દાખલ કરાવે છે અને પછી ગણતરીના કલાકોમાં ડિટેક્શનનો જશ ખાટે છે તેવું આ કેસમાં પણ થાય! દરમિયાન, માધાપર પોલીસે ગત બુધ-ગુરુની રાત્રે ઢોરી ગામે મંદિરમાં થયેલી ચોરી કે જેની વિધિવત્ ફરિયાદ શુક્રવારે દાખલ કરેલી તે ગુનામાં એલસીબીએ ગામના જ રીઢા ચોર અસલમ રમજાન સમેજાની આજે ધરપકડ કરી હોવાની પ્રેસનોટ જારી કરી છે.
Share it on
|