click here to go to advertiser's link
Visitors :  
29-Jun-2026, Monday
Home -> Bhachau -> LCB East and Anjar Police strikes on bootleggers Read more
Sunday, 28-Jun-2026 - Bhachau 749 views
LCBએ ચોબારીમાં ફિલ્મી ઢબે રસ્તો બંધ કરી દારૂ ભરેલી ગાડી અને પાયલોટીંગ કાર પકડી
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ભચાઉના ચોબારી ગામે ફિલ્મી ઢબે રસ્તો બ્લોક કરીને ૩.૭૬ લાખનો ઈંગ્લિશ દારૂ ભરીને જતી ક્રેટા કાર તથા તેનું પાયલોટીંગ કરી રહેલી કિયા કાર સાથે ચાર બૂટલેગરોને ઝડપી પાડ્યાં છે. પકડાયેલાં ચાર ખેપિયાઓની પ્રાથમિક પૂછપરછમાં મુખ્ય ચાર બૂટલેગરોના નામ ખૂલ્યાં છે. સામખિયાળી રહેતા જીગર ઊર્ફે ઘાયલ તળશી કોલી (મૂળ રહે. આણંદપર)એ પરોઢે ત્રણ ચાર વાગ્યે રાપરના ફતેહગઢની કેનાલ પાસેથી દારૂનો જથ્થો મેળવ્યો હતો.

જીગર થાર ગાડી લઈને કેનાલ પાસે પહોંચેલો. જીગરના કહેવાથી કિયા કાર લઈને અકબર જુમાજી સમા (રહે. સામખિયાળી), દીપક ઊર્ફે ડાલો મોહન કોલી (રહે. ડાવરી ગામ, રાપર) અને ભાવેશ પ્રતાપ ઠાકોર (કોલી) (રહે. આણંદપર, રાપર) કેનાલ પાસે પહોંચેલાં. ત્યાં પાંથાવાડાનો જેઠો રબારી સ્કોર્પિયો કારમાં ઈંગ્લિશ દારૂ આપી ગયેલો.

શરાબનો આ જથ્થો રાપરના ભીમાસર (ભુટકીયા) ગામે હરદેવ ઊર્ફે વડી દિલુભા વાઘેલાની વાડીએ ઉતારાયો હતો.

સ્થળ પર હાજર હરદેવ, હરદેવના ભત્રીજા અજય નોંઘુભા વાઘેલા અને જીગરે દારૂનો જથ્થો બ્લેક ક્રેટામાં ભરેલો. હરદેવ અને જીગરે આ દારૂ ખોખરા (રાપર) ગામે રહેતા દશરથસિંહ પથુભા વાઘેલાને પહોંચતો કરવાની સૂચના આપતા અજય ક્રેટા કાર લઈને રાપર તરફ નીકળ્યો હતો.

જીગરની સૂચનાથી ક્રેટા કાર આગળ કિયા કાર લઈને ત્રિપુટી પાયલોટીંગ કરી રહી હતી. પરંતુ, ચોબારીમાં પોલીસે બેઉ કાર સહિત ચારે જણને દબોચી લીધા હતા.

પોલીસે ૩.૭૬ લાખના દારૂ, ચાર મોબાઈલ ફોન અને બે કાર મળી કુલ ૧૫.૭૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલાં અને નહીં પકડાયેલાં તમામ બૂટલેગરો સામે ભચાઉ પોલીસ મથકે પ્રોહિબિશનની ધારાઓ તળે ગુનો દાખલ કર્યો છે. કામગીરીમાં એલસીબી પીઆઈ જે.એમ. વાળા, પીએસઆઈ ડી.જી. પટેલ સહિતનો સ્ટાફ જોડાયો હતો.

અંજાર પોલીસે બે દરોડામાં ૨.૨૩ લાખનો શરાબ પકડ્યો

અંજાર પોલીસે બે જુદી જુદી રેઈડ કરીને ૨.૨૩ લાખના દારૂ સાથે ત્રણ બૂટલેગરોની ધરપકડ કરી છે. બાતમીના આધારે પોલીસે સૌપ્રથમ શહેરની જૂની કૉર્ટ પાછળ આવેલા વિજયનગરમાં રહેતા ધનરાજ સામરા ગઢવી નામના બૂટલેગરના ઘરમાં દરોડો પાડીને ૯૨ હજારનો શરાબ જપ્ત કર્યો હતો. બીજી તરફ, વરસામેડી સીમ વિસ્તારમાં વૉચ ગોઠવીને સ્વિફ્ટ કારમાં ૧.૩૧ લાખનો ઈંગ્લિશ દારૂ ભરીને જઈ રહેલા યુનિસ ઊર્ફે અપ્પુ અબ્દુલ રાઠોડ (ઉ.વ. ૧૯, રહે. મેઘપર કુંભારડી) અને ભગીરથ ભૂપેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ. ૨૭, રહે. વરસામેડી)ને ઝડપી પાડ્યાં હતા. આ ગુનામાં કિશન શામજી મહેશ્વરી (રહે. આદિપુર) નામના ત્રીજા બૂટલેગરનું નામ ખૂલ્યું છે. પીઆઈ એચ.એ. જાડેજાની સૂચનાથી પીએસઆઈ એસ.જી. વાળા સહિતનો સ્ટાફ બંને દરોડામાં જોડાયો હતો.

Share it on
   

Recent News  
ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાના બહાને માંડવીના ડૉક્ટરને ૧.૯૭ લાખનો ચૂનો ચોપડાયો
 
ભેદી સંજોગોમાં મૃત્યુ પામેલાં બરંદાના યુવકની દફન કરાયેલી લાશ તપાસ માટે બહાર કઢાઈ
 
જમીન વેચાણના બહાને ૧.૩૯ કરોડ રૂપિયા પડાવીને ભુજના યુવક સાથે વિશ્વાસઘાત ઠગાઈ