કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભારતીય સેના પ્રમુખ (ચીફ ઑફ ધ આર્મી સ્ટાફ COAS) દ્વારા દર વર્ષે સેનામાં સારી કામગીરી કે વિશિષ્ટ સેવા બદલ પ્રશસ્તિ પત્ર એનાયત કરાય છે. આ વખતે સેના પ્રમુખ દ્વારા ૭૫૩ અધિકારીઓને આ પ્રશસ્તિ પત્ર એનાયત કરાયા છે. જો કે, ખાસ બાબત એ છે કે ‘ઓપરેશન સિંદૂર’ સમયે સેનાના નિર્દેશ હેઠળ કામગીરી કરનાર દેશના અન્ય ૪૪૭ લોકોને પણ ખાસ પ્રશસ્તિ પત્ર જાહેર કરાઈ તેમની હોંશ વધારવામાં આવી છે. આ પ્રશસ્તિ પત્ર મેળવનારાઓમાં સમાવિષ્ઠ ૪૪૭ લોકોમાં સેના તથા અન્ય સુરક્ષા દળના અધિકારીઓ, કર્મચારીઓથી લઈ નાગરિક સેવાઓ સાથે સંકળાયેલા આઈએએસ, આઈપીએસ વગેરેનો સમાવેશ થાય છે.
સેના પ્રમુખે પશ્ચિમ કચ્છના એસપી સાથે દિલ્હી, બાડમેર, જલંધર, જમ્મુ અને કાશ્મિરના વિવિધ ૧૧ એસપી અને એસીપીને આ પ્રશસ્તિ પત્ર જાહેર કર્યાં છે.
યાદીમાં નાગરિક અને સંરક્ષણ દળની વિવિધ પાંખમાં કામ કરનારાં હવાલદાર, કોન્સ્ટેબલ, ફોરમેન, ઈલેક્ટ્રિશિયન, મિકેનીકનો પણ સમાવેશ કરાઈ તેમનો ઉત્સાહ વધારવાનો અનોખો પ્રયાસ કરાયો છે. એક ગામના સરપંચને પણ COAS કમેન્ડેશન કાર્ડ ( પ્રશસ્તિ પત્ર) જાહેર કરાયો છે. ઉલ્લેખનીય છે કે સારી કામગીરી બદલ COAS કમેન્ડેશન કાર્ડ જારી કરાય છે.
સેનાના ડૉગ યુનિટ અને ટ્રાન્સપોર્ટ યુનિટના ખચ્ચરો કે ગધેડાઓ જેવા મૂંગા પ્રાણીઓની અમૂલ્ય સેવાઓની પણ આર્મી દ્વારા ઘણીવાર આ પ્રશસ્તિ પત્ર આપી કદર કરવામાં આવે છે.
ઓપરેશન સિંદૂરમાં સેનાના નિર્દેશ હેઠળ થયેલાં સહભાગી થયેલા દેશના નાનાં મોટાં તમામ ૪૪૭ કર્મચારી અધિકારીઓ આ પ્રશસ્તિ પત્ર મળતાં ગૌરવ અનુભવી રહ્યાં છે.
Share it on
|