કચ્છખબરડૉટકોમ, ભુજઃ એન્ટી ડમ્પિંગ ડ્યુટીથી બચવા માટે ચાઈનામાં ઉત્પાદિત માલને ચોપડે મલેશિયાનો બતાવીને હાઈડ્રોલિક રૉક બ્રેકર્સ આયાત કરવાના કૌભાંડમાં ઝડપાયેલા બેંગાલુરુના ઈમ્પોર્ટર રાજીવ જૈનની નિયમિત જામીન અરજી સેશન્સ કૉર્ટે ફગાવી દીધી છે. ૪૯ વર્ષિય રાજીવ જૈનની ડીઆરઆઈએ ધરપકડ કરી હતી. રાજીવ જૈનની પેઢી મહાવીર ડિસ્ટ્રીબ્યુટર્સ અને અમદાવાદની માનસી ઈક્વિપમેન્ટસ નામની પેઢીએ પાર્ટનરશીપમાં મુંદરા અને ચેન્નાઈ પોર્ટ પર માલ આયાત કરેલો. ચાઈના અને કોરિયાથી આવતા હાઈડ્રોલિક રૉક બ્રેકર્સ (કઠણ પથરાળ જમીન કે સીસી રોડને તોડવા માટે વપરાતું મશિન) પર ભારત સરકારે ૨૭-૦૬-૨૦૨૪થી ૧૬૨.૫૦ ટકા એન્ટિ ડમ્પિંગ ડ્યુટી લાદેલી છે.
ડીઆરઆઈના આરોપ મુજબ આયાતકાર પેઢીઓએ ભરવાપાત્ર થતી ૨૮.૨૪ કરોડની ડ્યુટીની ચોરી કરવા માટે કસ્ટમ ચોપડે ‘કન્ટ્રી ઑફ ઓરિજીન’ તરીકે મલેશિયા નામનો દેશ દર્શાવ્યો હતો.
આ માટે તેમણે ખોટાં દસ્તાવેજો પ્રમાણપત્રો વગેરે બનાવ્યા હતા. ભુજના સાતમા અધિક સેશન્સ જજ એન.પી. રાડિઆએ ગુનાની ગંભીરતા, ગુનામાં આરોપીની પ્રથમદ્રષ્ટયા જણાઈ આવતી સંડોવણી વગેરે મુદ્દાને ધ્યાને રાખી જામીન અરજી ફગાવી દીધી છે. કેસમાં કસ્ટમ્સ અને ડીઆરઆઈ વતી વિશેષ સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ દલીલો કરી હતી.
Share it on
|