કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ તાલુકાના સુખપર ગામે ૧૫.૭ વર્ષની કિશોરીનો એક્ટિવાથી પીછો કરી, રસ્તામાં તેને આંતરી છેડતી કરવાના ગુનામાં ભુજની પોક્સો કૉર્ટે એક આરોપીને દોષી ઠેરવી ૧ વર્ષની સખ્ત કેદ સાથે ૩૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ૧૯-૧૨-૨૦૨૪ના રોજ સુખપર ગામે છેડતીનો બનાવ બનેલો. ભોગ બનનાર કિશોરી માનકૂવા શાળાએથી પગપાળા ઘરે પરત જતી હતી ત્યારે આરોપી રઘુવીરસિંહ વિજયસિંહ રાઠોડ (ઉ.વ. ૧૮, સુખપર) અને તેના કિશોર વયના મિત્રએ એક્ટિવાથી પીછો કરેલો. કિશોર વયનો મિત્ર એક્ટિવા હંકારતો હતો અને રઘુવીર તેની પાછળ બેઠો હતો. વાહનચાલકે કિશોરીને રસ્તામાં આંતરી ઊભી રાખેલી અને ‘તારે મારા આ મિત્ર સાથે મેળ કરવો છે?’ તેવું પૂછેલું. કિશોરી ઉશ્કેરાઈ જતા બેઉ જણ ત્યાંથી નાસી ગયેલાં. ઘટના અંગે માનકૂવા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
આ કેસમાં ૬ દસ્તાવેજી આધારો અને ૮ સાક્ષીઓની જુબાની તપાસીને પૉક્સો કૉર્ટના વિશેષ જજ જે.એ. ઠક્કરે રઘુવીર રાઠોડને દોષી ઠેરવી સજા ફટકારી છે.
કૉર્ટે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૭૫ (૧) (૨) હેઠળ ૧ વર્ષની સખ્ત કેદ અને ૧ હજાર રૂપિયા દંડ, કલમ ૭૮ (૧), (૧) હેઠળ ૧ વર્ષની સખ્ત કેદ અને ૧ હજાર રૂપિયા દંડ અને પોક્સો એક્ટની કલમ ૧૨ મુજબ ૧ વર્ષની સખ્ત કેદ અને ૧ હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે. દંડની રકમ વસૂલ થયે ભોગ બનનારને વળતર પેટે ચૂકવી આપવા હુકમ કરવા સાથે કૉર્ટે ભોગ બનનાર કિશોરીને પચાસ હજાર રૂપિયાનું વળતર ચૂકવવા જિલ્લા કાનૂની સત્તા મંડળને સૂચના આપી છે.
ગુનાની તપાસ અને ચાર્જશીટ પીઆઈ ડી.એન. વસાવાએ કરેલી અને કેસમાં ફરિયાદ પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ દલીલો કરી હતી.
Share it on
|