કચ્છખબરડૉટકોમ, ભુજઃ માધાપરમાં પોલીસ સ્ટેશનની અંદર જ બે જૂથ વચ્ચે થયેલી હિંસક અથડામણ મુદ્દે બેઉ જૂથે પાંચ અજાણ્યા શખ્સો સહિત ૧૩ લોકો વિરુધ્ધ સામસામી ફરિયાદો નોંધાવી છે. ગ્રામ પંચાયતની એક મહિલા સદસ્ય અને તેના પતિ વિરુધ્ધ એટ્રોસીટી તળે ફરિયાદ નોંધાવવાના વિરોધ અને સમર્થનમાં સરપંચના પરિવાર અને સામેના જૂથ વચ્ચેના મતભેદમાં બબાલ થયેલી. મતિયા કોલોનીમાં રહેતા શામજી ઊર્ફે જીતુ માલશી મહેશ્વરીએ ફરિયાદમાં જણાવ્યું કે ઑગસ્ટ માસમાં માધાપર મહેશ્વરી સમાજના વર્તમાન પ્રમુખ ધનસુખ મહેશ્વરીએ જૂનાવાસ પંચાયતના વૉર્ડ નંબર ૧૨ના સદસ્યા રીનાબેન જોશી અને તેમના પતિ મયૂર જોશી વિરુધ્ધ એટ્રોસીટી એક્ટ તળે ફરિયાદ નોંધવા એસપીને અરજી આપેલી.
આ અરજી સામે ફરિયાદી સહિતના સમાજ સંગઠનના પૂર્વ હોદ્દેદારો અને પૂર્વ સદસ્યોએ ફરિયાદ ના નોંધવા વળતી અરજી કરેલી.
આ બાબતે ઉશ્કેરાઈને રાત્રે પોણા દસના અરસામાં રાજવી ફર્નિચર પાસે ફરિયાદી તેના કુટુંબી કાકા વીરજીભાઈ, ભત્રીજા જીતુ જોડે ઉભો હતો ત્યારે સરપંચ ગંગાબેન નારાણ મહેશ્વરીના પુત્ર નીતિને તેમને ગાળો ભાંડી હતી. તે સમયે ગંગાબેન તેમના પતિ સાથે ત્યાંથી નીકળતાં તેમણે ‘તમે સમાજની સાથે રહેતા નથી’ કહીને ઝઘડો કરેલો. ઝઘડા સમયે નીતિન, ખીમજી કાનજી મહેશ્વરી અને હિરેન ખીમજી મહેશ્વરી ધોકા પાઈપ લઈને આવેલાં અને પાંચેય જણે તેમના પર હુમલો કરેલો.
ઘટના બાદ ફરિયાદી તેના પિતા, પિતરાઈ ભાઈઓ સાથે ગંગાબેન અને તેમના પરિવાર સામે ફરિયાદ નોંધાવવા પોલીસ મથકે પહોંચ્યો ત્યારે પોલીસ મથકના પ્રાંગણમાં નીતિન અને અન્ય આરોપીઓએ ધોકા પાઈપ સાથે હુમલો કરેલો.
જેમાં ફરિયાદી, તેના પિતા માલશીભાઈ, પિતરાઈ ભાઈ મુકેશ અને વિનોદને ઈજાઓ થતાં તેમણે જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર મેળવી હતી. બીજી તરફ, સરપંચ ગંગાબેને શામજી, મુકેશ ડાયા મહેશ્વરી, આતુ પાંચા મહેશ્વરી અને તેમના સાથે રહેલા અન્ય પાંચ અજાણ્યા શખ્સો સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ પૌત્રીઓને તેડીને પતિ સાથે નજીકમાં રહેતી બહેનના ઘેર પગપાળા જતા હતા ત્યારે શામજી જાહેરમાં ગાળો બોલતો હતો. તેને જાહેરમાં ગાળાગાળી ના કરવા ઠપકો આપતાં ઉશ્કેરાઈને તે ફરિયાદીને ધક્કો મારીને નીચે પાડી નાસી ગયેલો.
આ મામલે ફરિયાદ નોંધાવવા પોલીસ મથકે પહોંચતા શામજી, મુકેશ અને આતુ ધોકા અને કુહાડી સાથે ત્યાં આવ્યાં હતા અને પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં ફરિયાદીના ભત્રીજા હરેશ, ભાણેજ હિરેન, મુકેશ અને પુત્ર દિનેશ પર હુમલો કર્યો હતો.
જેમાં હિરેન અને હરેશને જી.કે. જનરલમાં સારવાર મેળવવી પડી હતી. મધરાત્રે બંને પક્ષે આપેલી સામસામી ફરિયાદો અંતર્ગત પોલીસે ગેરકાયદે મંડળી રચીને, ઘાતક હથિયારો ધારણ કરી હુમલો કરીને હુલ્લડ મચાવવા સહિતની કલમો તળે સામસામી ફરિયાદો નોંધી છે.
Share it on
|