|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભચાઉના અંબિકાનગરમાં રહેતા અને ચાંદીના દાગીનાનું લેબ ટેસ્ટીંગ કરતા ૪૯ વર્ષિય ચંદ્રકાન્ત ગાયકવાડ જોડે ભુજની ચીટર ટોળકીએ સસ્તાં સોનાના નામે ૧૨ લાખની ઠગાઈ કરી છે. પાંચેક માસ જૂનાં બનાવ અંગે ભુજ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ છે. ભુજ એ ડિવિઝન પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધી બે શખ્સોની ધરપકડ કરી લઈને બે દિવસના રીમાન્ડ મેળવ્યાં છે. ફરિયાદીએ જણાવ્યું કે તેમનો પુત્ર ઋષિકેશ ગાંધીધામમાં રેડીમેડ કપડાંની દુકાન ધરાવે છે. દુકાન આગળ આવેલી હોટેલ પર ચા પીવા આવતા ગોવિંદ મારવાડી નામના શખ્સ જોડે પુત્રની મૈત્રી થઈ હતી. વાત વાતમાં પુત્રએ પિતા દાગીનાનું કામ કરતાં હોવાનું જણાવતાં ગોવિંદ મારવાડીએ ભુજમાંથી સસ્તાંમાં સોનુ અપાવવાની વાત કરી ફરિયાદીનો નંબર મેળવીને તેમનો સંપર્ક કરેલો.
માલ આવી ગયો છે કહી ફરિયાદીને ભુજ બોલાવાયો
થોડાંક દિવસો બાદ ફરિયાદીને ભુજમાંથી અશોક પટેલ નામના શખ્સનો ફોન આવેલો અને ગોવિંદનો ઉલ્લેખ કરીને માલ આવી ગયો હોવાનું જણાવી ભુજ આવી જવા જણાવેલું.
૩૦ મેના રોજ ફરિયાદી તેમની કારથી ભુજ આવેલા. આરટીઓ સર્કલ ખાતે તેમને એક માણસ લેવા આવેલો અને તે માણસ ભુજના એરપોર્ટ રોડ પર ડી માર્ટ પાછળ આવેલા એક વાડામાં લઈ ગયેલો.
વાડામાં હાજર બે અજાણ્યા શખ્સોએ ફરિયાદીને અસલી સોનાનું બિસ્કીટ બતાડીને જણાવેલું કે ‘આ તો સેમ્પલ છે, અશોકભાઈ માલ લઈને પોર્ટ પરથી આવે જ છે, તમને મળી જશે’ બેઉ જણે ફરિયાદી પાસેથી સોદા મુજબ ૨૦૦ ગ્રામ સોના પેટે ૧૨ લાખ રૂપિયા રોકડાં મેળવી લીધા હતા. બે પૈકી એક જણે પોતે અશોકનો પાર્ટનર હોવાનું જણાવેલું.
કસ્ટમવાળા પાછળ પડ્યાં છે કહી ટોપી પહેરાવી
રૂપિયા મળ્યાં બાદ એ જ જૂની ઢબ મુજબ અશોકભાઈ પાછળ કસ્ટમવાળા પડ્યાં છે, આપણને શેખપીર બોલાવે છે, તમે આગળ નીકળો, અમે પાછળ આવીએ છીએ કહીને ફરિયાદીને શેખપીર નજીક લઈ ગયા હતા. ફરિયાદીએ રસ્તામાં અશોકનો સંપર્ક કરતા તેણે જણાવેલું કે તમે ગાડી ક્યાંય થોભાવતાં નહીં, હું પાછળ જ આવી રહ્યો છું. આ રીતે ચીટરોએ ફરિયાદીને પરત ભચાઉ મોકલી દીધો હતો. ત્યારબાદ ફરિયાદીએ પરત રૂપિયા આપી દેવા અશોક અને તેના સાગરીતોને વારંવાર ફોન કરેલાં. વારંવાર ભુજ રૂબરૂ આવીને ધક્કા ખાધેલા પરંતુ કેવળ વાયદા મળતાં રહેલાં.
ખોટાં નામ ધારણ કરનારાં બે ચીટરની ધરપકડ
ભુજમાં નાણાં માટે અવારનવાર રૂબરૂ આવતા ફરિયાદીને પાછળથી જાણવા મળેલું કે ગોવિંદ મારવાડી નામનો શખ્સનું સાચું નામ ગૌતમ કેશારામ રાવ (રહે. સુખપર, ભુજ) છે.
અશોક પટેલ નામ ધારણ કરનારો હકીકતમાં મામદ સિધિક ફકીર (સોઢા) (રહે. ખારોડ, લખપત) છે.
વાડામાં મળેલાં બે શખ્સોના નામ ઈજાજ ઊર્ફે લાખો સિધિક હિંગોરજા (રહે. મુસ્તફાનગર, સંજોગનગર, ભુજ) અને સોયેબ મામદ કકલ (મદિનાનગર-2, ભુજ) છે અને તેને આરટીઓ લેવા આવનાર શખ્સ સુખપરનો ઉરસ ઈલિયાસ સોઢા હતો. વાડો લાખાના કબજા ભોગવટાનો છે. ભુજ એ ડિવિઝન પોલીસે ઠગાઈ, વિશ્વાસઘાત સહિતની કલમો તળે ફરિયાદ નોંધી મામદ સોઢા અને ગૌતમ રાવ (રહે. મૂળ રાજસ્થાન)ની ધરપકડ કરી બે દિવસના રીમાન્ડ મેળવ્યાં હોવાનું તપાસકર્તા મહિલા પીએસઆઈ નીતાબેન ચૌધરીએ જણાવ્યું છે.
Share it on
|