કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ભચાઉના નેર અમરસર ગામે આવેલી અંદાજે સાડા નવ એકર જમીન સગો નાનો ભાઈ બોગસ દસ્તાવેજો મારફતે હડપ કરી જતાં વયોવૃધ્ધ મોટાં ભાઈએ ફોજદારી ફરિયાદ નોંધાવી છે. સ્થાનિક સિવિલ કૉર્ટના ચુકાદા બાદ પણ પોલીસે ફરિયાદ ના નોંધતા ફરિયાદીને ગુજરાત હાઈકૉર્ટના દ્વાર ખટખટાવવા પડેલાં. હાઈકૉર્ટના હુકમના આધારે છેવટે પોલીસે ફરિયાદ દાખલ કરવી પડી છે. મોટાભાઈને ૨૦૧૯માં મામલો ધ્યાને આવેલો
નવી મુંબઈના બેલાપુરમાં રહેતા ૭૮ વર્ષિય કરસનભાઈ લખમણભાઈ અનાવાડિયા (પટેલ)એ પોલીસને જણાવ્યું કે તેઓ મૂળ શિકરા ગામના વતની છે. પિતાને ચાર પુત્ર અને બે પુત્રી મળી છ સંતાન છે. પોતે બીજા નંબરનો પુત્ર છે. ૧૯૭૪માં પિતાએ નેર અમરસર ગામે રેવન્યૂ સર્વે નંબર ૪૧૮નું ૧૯ એકર ૦૨ ગુંઠા ખેતર ખરીદયું હતું અને તેમાં ખેતી કરતાં હતાં.
માતા અને પિતાના મૃત્યુ બાદ છએ સંતાનોના નામે વારસાઈ નોંધ પડાવાઈ હતી.
૨૦૧૫ના વર્ષમાં બે બહેનો અને ૨૦૧૬ના વર્ષમાં બે ભાઈઓએ ફરિયાદીના નાના ભાઈ ભચુની તરફેણમાં પોતાનો હક્ક હિસ્સો જતો કરતાં હોવાના કાગળિયા લખી આપ્યાં હતાં. જેના આધારે રેવન્યૂ રેકર્ડમાં નોંધો પડેલી. ૨૦૧૯માં પોતે વતનમાં આવ્યા અને જમીનના રેકર્ડ કઢાવ્યા ત્યારે જમીનમાંથી તેમનું નામ પણ નીકળી ગયું હોવાની ખબર પડેલી.
ભચુએ આ રીતે ખેલ પાડી નામ કમી કરાવી દીધેલું
તપાસ કરતાં બહાર આવ્યું હતું કે નાના ભાઈ ભચુએ મુંબઈના બે વકીલના નામે ફરિયાદીના નામનું બોગસ સોગંદનામું અને સહીઓ કરાવીને પોતે ભચુની ફેવરમાં તમામ હક્ક હિસ્સો જતો કરતાં હોવાના દસ્તાવેજો બનાવડાવી, ૨૦૨૧માં મામલતદાર કચેરીમાં રજૂ કરીને દસ્તાવેજમાંથી તેમનું નામ કમી કરાવી દીધેલું. વક્રતા તો એ છે કે ૨૦૧૫ના વર્ષમાં બે બહેનોએ ફરિયાદીના નામે હક્ક હિસ્સો જતો કરેલો પરંતુ ફરિયાદીનું જ નામ કમી કરાવીને બહેનોનાો હક્ક હિસ્સો પણ ભચુએ પોતાના નામે કરાવી દીધેલો.
લાંબા કાનૂની જંગ બાદ આખરે ફોજદારી દાખલ
આ મામલે ફરિયાદીએ કાયદેસર કાર્યવાહી હાથ ધરતાં ભચુએ ફરિયાદીને રૂબરૂ મળીને બોગસ દસ્તાવેજો ભચુથી નાના ભાઈ દામજીએ તૈયાર કરાવીને બધો ખેલ કર્યો હોવાનું બહાનું કરેલું.
ફરિયાદીએ નાયબ કલેક્ટરને અપીલ કરેલી પરંતુ અપીલ ફગાવી દેવાયેલી. જેથી તેમણે ભચાઉ સિવિલ કૉર્ટમાં દાવો કરેલો. કૉર્ટે હેન્ડરાઈટીંગ નિષ્ણાત પાસે ખરાઈ કરવતાં બોગસ દસ્તાવેજ હોવાનું સ્પષ્ટ થયેલું.
જો કે, પોલીસે ફરિયાદ દાખલ નહોતી કરી. છેવટે હાઈકૉર્ટનું શરણ લેતાં હાઈકૉર્ટના હુકમના આધારે આજે ભચુ વિરુધ્ધ ફોર્જરીની વિવિધ કલમો તળે પોલીસે ફરિયાદ નોંધવી પડી છે. ભચુ પણ વર્ષોથી મુંબઈમાં સ્થાયી થયેલો છે.
Share it on
|