click here to go to advertiser's link
Visitors :  
24-Jun-2026, Wednesday
Home -> Bhachau -> Wild Criminal Latif convicted in another murder attempt case Receive 7 Years RI
Friday, 24-Apr-2026 - Bhachau 35020 views
ભચાઉના ખૂંખાર લતીફને હત્યાના પ્રયાસના ગુનામાં ૭ વર્ષનો સખ્ત કારાવાસ
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ સામખિયાળીમાં અંગત અદાવતમાં યુવક પર છરીથી ઘાતક હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવાના ગુનામાં ભચાઉ સેશન્સ કૉર્ટે ભચાઉના ખૂંખાર અપરાધી લતીફ ઊર્ફે લતીયો નૂરમામદ કક્કલને ૭ વર્ષની સખ્ત કેદ સાથે ૨૫ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ એ જ લતીફ છે જેના પર આ ઘટના બાદ ભચાઉ અને કોઠારામાં પોલીસ જવાનોની હત્યાના પ્રયાસના વધુ બે ગુના નોંધાયેલાં. ભચાઉના પોલીસ કર્મીની હત્યાના પ્રયાસમાં ગત મહિને જ આ જ કૉર્ટે તેને ત્રણ વર્ષની કેદની સજા ફટકારી હતી.
સામખિયાળીના યુવકને છરી વડે આડેધડ ૭ ઘા મારેલાં

સામખિયાળીના ભાવેશ બાબુભાઈ મારાજ સાથે ભચાઉના મદિનાનગરમાં રહેતા લતીફને અગાઉ ઝઘડો થયેલો. ભાવેશનો ખાસ મિત્ર અલ્તાફ ગુલમામદ ખલીફા હતો. ૭ નવેમ્બર ૨૦૧૬ના રોજ લતીફે અલ્તાફને ફોન કરીને તું ભાવેશ જોડે ફરે છે તે સારું નથી, તેની જોડે ફરવાનું બંધ કરી દેજે તેમ કહી ધમકી આપેલી. અલ્તાફે ભાવેશ તેનો મિત્ર હોવાનું અને તેની જોડે ફરું તેમાં તને શો વાંધો છે? તો જવાબ આપેલો.

બીજા દિવસે સાંજે અલ્તાફને બાઈક પર બેસાડીને ભાવેશ સામખિયાળીમાં જતો હતો ત્યારે લતીફ તેના સાગરીત અસગર ઓસમાણ કક્કલ સાથે બાઈક પર આવી તેમને આંતરેલા.

બાઈક પરથી નીચે ઉતરીને લતીફે ભાવેશના હાથ, પેટ, માથામાં છરીના ઉપરાછાપરી ૭ ઘા માર્યાં હતા. આ સમયે અસગરે ‘ભાવેશને જાનથી મારી નાખજે જીવતો રહેવો ના જોઈએ’ કહીને લતીફને ઉશ્કેર્યો હતો.

છરીના ૭ ઘાની સજા ૭ વર્ષની સખ્ત કેદ!

હુમલા બાદ સામખિયાળી પોલીસે લતીફ અને અસગર વિરુધ્ધ હત્યાનો પ્રયાસ, પૂરાવાનો નાશ, હથિયારબંધીના જાહેરનામાના ભંગની કલમો તળે ગુનો નોંધ્યો હતો. આ ગુનામાં મોટાભાગના સાક્ષીઓએ આપેલી સમર્થનકારી જુબાની, ઈજાની ગંભીરતા, આરોપીનો ગુનાહિત ભૂતકાળ સહિતના મુદ્દાને અનુલક્ષીને આજે ભચાઉના બીજા અધિક સેશન્સ જજ અંદલીપ તિવારીએ લતીફને ૭ વર્ષની સખ્ત કેદ સાથે ૨૫ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

સહઆરોપી અસગર ચાર્જશીટ થયાં બાદ ફરાર થઈ ગયો હોઈ કૉર્ટે તેને વોન્ટેડ જાહેર કરેલો છે.

આ કેસમાં પ્રોસિક્યુશન તરફે અધિક જિલ્લા સરકારી વકીલ ડી.એસ. જાડેજાએ દલીલો કરી હતી. 

ભચાઉમાં પોલીસ કર્મીની હત્યાનો પ્રયાસ કરેલો

સામખિયાળીના ગુનામાં લતીફ નાસતો ફરતો હતો. થોડાંક દિવસો બાદ ૨૨-૧૧-૨૦૧૬ના રોજ ભચાઉમાં તે જોવા મળતાં ભચાઉના પોલીસ હેડ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રસિંહ મંગલસિંહ જાડેજા અને અન્ય સ્ટાફે તેને ઘેરીને પકડવા પ્રયાસ કરેલો.

લતીફે પોલીસ પકડમાંથી નાસી છૂટવા ભૂપેન્દ્રસિંહ પર છરીથી ઘાતક હુમલો કરતાં તેની સામે ભચાઉમાં પોલીસ કર્મચારીની હત્યાના પ્રયાસની બીજી ફરિયાદ નોંધાયેલી.

આ ગુનામાં ગયા મહિનાની ૧૮ તારીખે ભચાઉ કૉર્ટે લતીફને દોષી ઠેરવીને ૩ વર્ષની કેદની સજા ફટકારી હતી.

કોઠારામાં પોલીસ પર હત્યાના પ્રયાસનો ત્રીજો ગુનો નોંધાયેલો

લતીફ પર પિતરાઈ ભાઈની હત્યાનો પણ ગુનો નોંધાયેલો છે. હત્યાના પ્રયાસના બબ્બે ગુનામાં પાછળથી પોલીસે ઝનૂની લતીફને પકડીને જેલહવાલે કરેલો. જેલમાં ગયા બાદ વચગાળાના જામીન પર છૂટીને તે ફરાર થઈ ગયેલો. પોલીસથી બચવા તે અબડાસાના આરીખાણા ગામની એક વાડીમાં પત્ની જોડે છૂપાયેલો.

૨૭-૦૮-૨૦૧૮ની રાત્રે કોઠારા પોલીસ તેને પકડવા જતાં તેણે પત્ની સાથે મળીને પોલીસ કર્મચારીઓ પર પિસ્તોલ અને કૂહાડીથી હુમલો કરી એક કોન્સ્ટેબલને ઘાયલ કરેલો. જેમાં તેના પર હત્યાના પ્રયાસનો ત્રીજો ગુનો નોંધાયેલો.

ત્યાંથી નાસેલો લતીફ ભુજ નજીક સણોસરા જદુરા ગામના જંગલ વિસ્તારમાં છૂપાયેલો. પોલીસે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરી તેને ઝડપી પાડેલો. કોઠારામાં પોલીસ કર્મીની હત્યાના પ્રયાસના ગુનામાં ભુજ કૉર્ટે લતીફ, તેની પત્ની ઝરીના સહિતના પાંચ જણને ઑગસ્ટ ૨૦૨૪માં નિર્દોષ ઠેરવ્યાં હતા.

Share it on
   

Recent News  
ગાંધીધામની માહેશ્વરી હેન્ડલિંગ સામે જામનગરમાં ૨૦.૫૬ કરોડના ચીટીંગની ફરિયાદ
 
દારૂ કેસમાં જપ્ત ડમ્પરથી પીછો છોડાવવા વાહન બારોબાર બીજાના નામે તબદીલ કરાવાયું!
 
કચ્છની હવાઈ સેવાની ક્ષિતિજ વિસ્તરીઃ મુંદરામાં આજથી અત્યાધુનિક એરપોર્ટનો શુભારંભ