કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ભચાઉના શિકરા ગામે આવેલું ૨૫ એકરનું ખેતર મૃતક જમીન માલિકના બે પ્રપૌત્રએ કાવતરું રચી બોગસ દસ્તાવેજોથી ૨૮ વારસદારોના હક્ક કમી કરાવીને ૫૫.૩૦ લાખમાં બારોબાર વેચી માર્યું હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. ભચાઉ પોલીસે મુંબઈ રહેતા પ્રપૌત્ર દિનેશ વાઘજી કારીયા (શાહ) અને અરવિંદ મુળજી કારીયા વિરુધ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૬ (૨), ૩૩૬ (૨), (૩), ૩૩૮, ૩૪૦ (૨), ૬૧ (૨) હેઠળ ગુનો દાખલ કર્યો છે. ૫૨ વર્ષિય ફરિયાદી નવીન કેશવજી નીસર (રહે. મુંબઈ) પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે પેઢી ધરાવે છે. નવીને જણાવ્યું કે તેમના નાના પોપટલાલ હિરજીભાઈ કારીયા (શાહ)ના નામે શિકરા ગામે સીમ સર્વે નંબર ૩૭૧વાળી ખેતીની જમીન આવેલી છે.
ભરોસાની ભેંસ પાડો જણે તેવો ઘાટ સર્જાયો
પોપટલાલનું નિધન થતાં ઓક્ટોબર ૨૦૨૩માં તેમના પુત્ર અને પુત્રીઓ, પ્રપૌત્રો, પ્રપૌત્રીઓ, દોહિત્રાઓ અને દોહિત્રીઓ વગેરે સહિત ૩૦ જણના નામ વારસાઈમાં નાખવા માટે સૌ વારસદારોએ સર્વસંમતિથી પોપટલાલના પ્રપૌત્ર દિનેશ વાઘજી કારીયા અને અરવિંદ મુરજી કારીયા (બંને રહે. મુંબઈ)ને આધાર કાર્ડ અને સોગંદનામા સાથેની અરજી આપેલી. જેના આધારે બેઉ પ્રપૌત્રએ ડિસેમ્બર ૨૦૨૩માં તમામના નામની વારસાઈમાં નોંધ કરાવીને તે નોંધ પ્રમાણિત કરાવી હતી.
એક વર્ષ બાદ નવેમ્બર ૨૦૨૪માં ફરિયાદી નવીન નીસર માતાજીના દર્શનાર્થે વતનમાં આવેલા ત્યારે તેમને દિનેશ અને અરવિંદે ખેતર વેચી માર્યું હોવાની જાણ થયેલી.
તપાસ કરતા જાણવા મળેલું કે દિનેશ અને અરવિંદે અન્ય ૨૮ વારસદારોના હક્ક કમીના બોગસ સોગંદનામા રજૂ કરીને આ ગોરખધંધો આચરેલો. મુંબઈના ત્રિભુવન શર્મા નામના નોટરી પાસે વારસદારોએ સોગંદનામા કરાવ્યાં હોવાના દસ્તાવેજો રજૂ થયેલાં.
વારસદારો સાથે નોટરીના પણ ખોટાં સહી સિક્કા કર્યાં
જેમના નામ કમી થયેલા તે વારસદારોની પૂછપરછ અને નોટરીને ત્યાં કરેલી તપાસમાં બહાર આવેલું કે નોટરીને ત્યાં કોઈએ સોગંદનામા કે તેમાં સહીઓ કર્યા જ નહોતા. નોટરીના નામના પણ ખોટાં સહી સિક્કા થયેલાં.
દિનેશ અને અરવિંદે આ ખેતર ભુજના નરશી ગોપાલ ચાડ, રમેશ લખણા ચાડ અને કાનજી ધના ચાડને વેચાણ કરેલું.
નોંધ પ્રમાણિત થવામાં થોડાંક દિવસો બાકી હોઈ ફરિયાદીએ સૌના સોગંદનામા જોડીને ભચાઉ પ્રાંત અધિકારીને વેચાણ નોંધ રદ્દ કરવા રજૂઆત કરેલી. જેના આધારે પ્રાંત અધિકારીએ વેચાણ નોંધને રદ્દ કરેલી. ભચાઉ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Share it on
|