|
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ પોતાની સ્કુલ રીક્ષામાં જતી આવતી ૪.૧૦ વર્ષની બાળકી સાથે શારીરિક અડપલાં કરવા બદલ પોક્સો સહિતની ધારાઓમાં કેદ થયેલાં ભચાઉના ૫૮ વર્ષિય રીક્ષાચાલકની જામીન અરજી ભચાઉ કૉર્ટે ફગાવી દીધી છે. આરોપી અરવિંદભાઈ ઊર્ફે સાધુરામ દ્વારકાદાસ રામાનંદી (રહે. ફૂલવાડી, ભચાઉ) વિરુધ્ધ ફેબ્રુઆરી ૨૦૨૫માં ભચાઉ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. છેલ્લાં પોણા બે વર્ષથી જેલમાં કેદ આરોપી વતી વકીલે રજૂઆત કરેલી કે પોલીસે કૉર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દીધી છે. ગુનામાં ભોગ બનનાર બાળકીએ કૉર્ટમાં જુબાની દરમિયાન ફરિયાદ પક્ષના આરોપને સમર્થન નથી કર્યું. જો કે, ગુનો ગંભીર હોવાનું અને આરોપીને જામીન આપવાથી સમાજમાં ખોટો સંદેશ જવાની ફરિયાદ પક્ષની દલીલને આધારે ભચાઉના અધિક સેશન્સ જજ બી.એલ. ચૌઈથાણીએ આરોપીની અરજી ફગાવી દીધી છે.
નીલપર રેપ કેસમાં આરોપીને પાંચ કલાકમાં જામીન
અરવિંદ રાપરના નીલપરના પોક્સો કેસના આરોપીઓ જેવો ‘નસીબદાર’ નથી. કારણ કે, નીલપરના કેસમાં સંડોવાયેલાં મુખ્ય આરોપી સિવાયના અન્ય ત્રણ આરોપી ગણતરીના સમયમાં જામીન પર મુક્ત થઈ ગયાં છે.
►નીલપરની ગાંધીવાદી સંસ્થા ‘ગ્રામ સ્વરાજ સંઘ’ની નિવાસી શાળામાં રહીને ભણતી ૧૩ વર્ષ ૩ મહિનાની સગીર દીકરીને ઓછાં માર્ક્સ આપવાની ધમકી આપીને શાળાના આચાર્ય વિપુલ ભાનુભાઈ ગોહિલે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ૨૫ સપ્ટેમ્બરના રોજ રાપર પોલીસ મથકે પોક્સો અને ભારતીય ન્યાય સંહિતાની કલમો તળે ફરિયાદ નોંધાયેલી.
►આચાર્યના ખિસ્સામાંથી પ્રેગનન્સી કીટ બહાર પડી ગયેલી, સીસીટીવીમાં તે દ્રશ્ય કેપ્ચર થઈ ગયાં બાદ સંસ્થાની તપાસમાં દુષ્કર્મનો કિસ્સો બહાર આવેલો. સંસ્થાની ગૃહમાતા પૂજા ગોહિલ, મંત્રી દિનેશ મણિલાલ સંઘવી અને મેનેજર અનિરુધ્ધસિંહ જાડેજાએ બનાવ અંગે ફરિયાદ ના નોંધાવવા પીડિતાને ધમકાવી હતી. એટલું જ નહીં, પોલીસ કે જવાબદાર સરકારી સંસ્થાઓને પણ ઘટના અંગે જાણ ના કરી ઘટના પર ઢાંકપિછોડો કર્યો હોવાનું ફરિયાદમાં લખાવાયું હતું.
►પોલીસે મુખ્ય આરોપી વિપુલ ગોહિલ સહિત ચારે સામે ગુનો નોંધેલો. આ ગુનામાં આરોપી દિનેશ સંઘવીએ આગોતરા જામીન અરજી કરી ત્યારે ગુનામાં તેમની સંડોવણી, ભૂમિકાને લઈ જામીનલાયક કલમો હેઠળ ગુનો હોવાનું જણાવી કૉર્ટે સંઘવીની અરજી ફગાવી દીધી હતી.
►૧૩ ઓક્ટોબરે રાપર પોલીસે દિનેશ સંઘવીની બપોરે ૧૨.૧૫ કલાકે અટક કરેલી. તે જ દિવસે સંઘવીએ ફાઈલ કરેલી જામીન અરજીને પોક્સો કૉર્ટના વિશેષ જજ ચૌઈથાણીએ સાંભળીને ૭ વર્ષથી નીચેની સજાને પાત્ર ગુનો હોવાનું જણાવી જામીન પર છોડી મૂકવા સાંજે પાંચ વાગ્યે હુકમ કરેલો.
►દિનેશ સંઘવીની ગણતરીના કલાકોમાં જામીન મુક્તિ થયાં બાદ ૧૯ ઓક્ટોબર સોમવારે રાપર પોલીસ મથકે હાજર થયેલાં અન્ય બે સહ આરોપી પૂજા ગોહિલ અને અનિરુધ્ધસિંહ જાડેજાને પોલીસે પોલીસ સ્ટેશનમાંથી જામીન આપી દીધાં છે.
નોંધનીય છે કે સહ આરોપીઓને પોલીસ છાવરી રહી હોવાનું ‘બેધડક’ લખનાર એક છાપું અચાનક મૌન થઈ ગયું છે! કેમ? રામ જાણે..!!
Share it on
|