click here to go to advertiser's link
Visitors :  
09-May-2025, Friday
Home -> Bhachau -> Three perosn booked under forgery and cheating in Bhachau
Friday, 27-Dec-2024 - Bhuj 49588 views
૫.૫૫ લાખની કાર બે વખત દારૂની ખેપમાં ઝડપાઈ, એકવાર છોડાવી પણ બીજીવાર ‘દાવ’ થઈ ગયો!
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ દારૂની ખેપ મારવા માટે ૫.૫૫ લાખમાં ખરીદેલી સેકન્ડ હેન્ડ મારૂતિ અર્ટીગા કારના લીધે મનફરાનો બૂટલેગર ભેખડે ભરાઈ ગયો છે! રૂપિયા લેવાઈ ગયા પરંતુ ગાડી પોતાના નામે ના થઈ, કારણ ગાડી ચોરીની નીકળી! મૂળ ભચાઉના મનફરા ગામના વતની અને હાલે ગાગોદર રહેતા ગોપાલ ખીમાભાઈ કોલીએ ભચાઉ પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો સામે છેતરપિંડી, વિશ્વાસઘાત અને ખોટાં દસ્તાવેજો બનાવવા સબબ ફરિયાદ નોંધાવી છે.

ગોપાલે જણાવ્યું કે જૂલાઈ ૨૦૨૨માં તેના ભાઈ ભવાન કોલીએ ચોબારીના વિષ્ણુ ભીખાભાઈ આહીર પાસે રહેલી વડોદરા પાસિંગની મારુતિ અર્ટીગા કાર ૫.૩૫ લાખમાં ખરીદવા સોદો નક્કી કરેલો.

સોદા પેટે વિષ્ણુને રોકડાં ૪.૭૫ લાખ આપી દીધાં હતા અને ગાડીના કાગળિયામાં નામ ચઢ્યાં બાદ બાકીના ૮૦ હજાર આપવાનું નક્કી કરીને સોદો ફાઈનલ કર્યો હતો.

દરમિયાન, ૦૪-૦૮-૨૦૨૨ના રોજ ભચાઉ પોલીસે મધરાત્રે મનફરા ગામના વાડી વિસ્તારમાં ભવાન કોલીના ઘર આગળ પાર્ક કારની તલાશી લઈ તેમાંથી ૫૪ હજાર ૫૦૦ના મૂલ્યનો શરાબ જપ્ત કરેલો. પોલીસે ગાડી જપ્ત કરેલી. જપ્ત ગાડી છોડાવવા માટે માલિકીના કાગળિયાની જરૂર ઊભી થતાં વિષ્ણુ આહીર અને માદેવા આહીરે ગોપાલનો ચોબારીના પ્રવિણ વશરામ રાજાણી (આહીર)ને સાથે મેળાપ કરાવી આપેલો.

પ્રવિણે પાવરનામું કરવા માટે ૮૦ હજાર રૂપિયા મેળવીને સાદિક દાઉદ પટેલ નામના શખ્સે ગોપાલના કૌટુંબિક ભાઈ રમેશ બાબુભાઈ કોલીને ગાડી આપી હોવાનું નવેમ્બર માસમાં પાવરનામું તૈયાર કરી આપ્યું હતું. જેના આધારે હાઈકૉર્ટમાં અરજી કરીને ગાડીને મુક્ત કરાવાઈ હતી.

૦૮-૦૧-૨૦૨૩ના રોજ રાપરના માંજુવાસ પાસેથી ફરી આ જ ગાડી દારૂની ખેપ મારતાં રાપર પોલીસના હાથે ઝડપાઈ હતી. તેમાંથી ૧.૪૬ લાખનો શરાબ જપ્ત થયેલો. કારમાં સવાર બે અજાણ્યા શખ્સો પોલીસને જોઈ અંધારામાં ફરાર થઈ ગયેલાં. ગાડી છોડાવવા માટે નવેસરથી માલિકીના કાગળિયાની જરૂર ઊભી થતાં ગોપાલે વિષ્ણુ અને માદેવા આહીરનો સંપર્ક કરેલો. તેમણે તેને ફરી પ્રવિણ રાજાણીનો સંપર્ક કરી લેવા જણાવેલું.

પ્રવિણે આ વખતે ફરિયાદી ગોપાલના નામે જ પાવરનામું તૈયાર કરાવ્યું હતું. ગોપાલે જરૂરી દસ્તાવેજો આપ્યાં હતા પરંતુ પાવરનામામાં સહીઓ કરી નહોતી.

જો કે, આરોપીઓ ભેગાં મળીને ગોપાલની બોગસ સહી કરી તેને હાઈકૉર્ટમાં રજૂ કરીને ગાડી છોડાવવાનો હુકમ લઈ આવ્યાં હતાં.

ગાડી ચોરીની હોવાનો થયો ઘટસ્ફોટ

ગોપાલ ગાડી છોડાવવા રાપર પોલીસ સ્ટેશને હાઈકૉર્ટનો હુકમ લઈને ગયો ત્યારે નવો વળાંક આવ્યો હતો. પોલીસે આ ગાડી ચોરીની હોવાનું જણાવીને ગાડીનો કબજો આપવાનો ઈન્કાર કરી દીધો હતો. સમગ્ર મામલે હાઈકૉર્ટે તપાસનો હુકમ કર્યાં બાદ પોલીસે ચોબારીના વિષ્ણુ આહીર, માદેવા આહીર અને પ્રવિણ રાજાણી વિરુધ્ધ ગોપાલની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Share it on
   

Recent News  
ભુજના ગામડાઓમાં કેબલ સહિત ચાર ચોરીઓ કરનારી કુકમાની ગેંગને પધ્ધર પોલીસે ઝડપી
 
ભચાઉના તોરણિયામાં ઘેરબેઠાં ગાંજાની ખેતી! ૪.૨૧ લાખનો ૪૨ કિલો ગાંજો જપ્ત
 
કચ્છ સહિત ૧૫ સૈન્ય થાણાં પર ડ્રોન/ મિસાઈલ્સથી પાક.નો હુમલાનો પ્રયાસ નિષ્ફળ