કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ગત રવિવારે સાંજે રાજસ્થાનથી થાર જીપમાં દારૂની ખેપ મારતાં ઝડપાયેલી સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરીને આજે કૉર્ટે જામીન પર મુક્ત કરી દીધી છે. બુધવારે ભચાઉની લૉઅર કૉર્ટે હત્યાના પ્રયાસના ગુનામાં નીતા ચૌધરીને જામીન આપ્યા બાદ પોલીસે દારૂની ખેપ મારવાના ગુનામાં નીતાની ધરપકડ કરી બીજા દિવસે બે દિવસના રીમાન્ડ મેળવ્યાં હતાં. આજે રીમાન્ડ પૂર્ણ થયાં બાદ કૉર્ટે તેને જામીન પર છોડી દીધી છે. પોલીસને રાજસ્થાનનો ફેરો ફોગટ થયો
દારૂબંધીના ગુનામાં રીમાન્ડ પર રહેલી નીતાને લઈ ભચાઉ પોલીસની ટીમ રાજસ્થાન પહોંચી હતી. નીતાએ પોતે દારૂ રાજસ્થાનથી ખરીદયો હોવાનું કહેતાં નીતાએ જ્યાંથી શરાબ ખરીદેલો તે વિસ્તારમાં પોલીસ પહોંચી હતી. જો કે, ૩૦મી જૂને દારૂના ઠેકાઓનું લાયસન્સ પૂર્ણ થઈ જતાં મોટાભાગની લિકર શોપ બંધ હાલતમાં હતી. તેમાં’ય નીતાએ પોતે ચોક્કસ કઈ દુકાનમાંથી શરાબ ખરીદેલો તે અંગે અજાણતા દર્શાવતાં પોલીસને રાજસ્થાનનો ફેરો ફોગટ થયો છે. પોલીસે ઝડપાયેલી શરાબની બાટલીઓના બેચ અને સિરિયલ નંબરના આધારે આ દારૂનું કઈ જગ્યાએથી વેચાણ થયેલું તે અંગે વિગતો આપવા રાજસ્થાનના એક્સાઈઝ ડિપાર્ટમેન્ટને લેખીત અરજી કરી છે.
જામીન રદ્દ કરવા મુદ્દે સોમવારે સુનાવણી
બુધવારે હત્યાના પ્રયાસના ગુનામાં નીચલી કૉર્ટે નીતાને આપેલા જામીન રદ્દ કરવા પોલીસે ભચાઉ સેશન્સમાં અપીલ દાખલ કરી છે. જો કે, નીતાએ પોતાનો પક્ષ રાખવા સમય માંગતા કૉર્ટે વધુ સુનાવણી સોમવારે રાખી છે.
Share it on
|