કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ભચાઉના વોન્ટેડ બૂટલેગર સાથે થાર જીપમાં દારૂની ખેપ મારતાં રંગેહાથે ઝડપાયેલી સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી અને બૂટલેગર બેઉના ભચાઉ કૉર્ટે બે દિવસના રીમાન્ડ મંજૂર કર્યાં છે. પોલીસને થાર જીપમાંથી વિદેશી દારૂ અને બિયરની ૧૮ બાટલીઓ મળી હતી. આ ગુનામાં બેઉની ધરપકડ કરી આજે એડિશનલ ચીફ જ્યુ. મેજિસ્ટ્રેટ દિપક ડાભીની કૉર્ટમાં રજૂ કરી પોલીસે ૭ દિવસના રીમાન્ડની માંગણી કરી હતી. પોલીસે મુખ્ય એ બાબત પર ભાર મૂકતાં દલીલ કરી હતી કે દારૂ સાથે પકડાયેલી નીતા ચૌધરી પોતે એક પોલીસ કોન્સ્ટેબલ છે, કાયદાની જાણકાર છે છતાં તે વૉન્ટેડ બૂટલેગર સાથે થાર જીપમાં દારૂની ખેપ મારતાં પકડાઈ છે. જીપમાંથી મળેલી કેટલીક બોટલો પર ‘ફોર સેલ ઈન ગુજરાત ઓન્લી’ તથા ‘ફોર સેલ ઈન રાજસ્થાન ઓન્લી’ પ્રિન્ટ થયેલું છે. તેથી નીતાની કબૂલાત મુજબ ખરેખર તેણે ક્યાંથી આ શરાબ મેળવ્યો છે તે જાણવું જરૂરી છે. તપાસ માટે તેને રાજસ્થાન પણ લઈ જવી જરૂરી છે. બૂટલેગર યુવરાજ ખરેખર તેને સામખિયાળી મળ્યો હતો કે કેમ તેની તપાસ અને પૂરાવાની કડીઓ મેળવવાની બાકી છે. બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ કૉર્ટે નીતા અને યુવરાજ બેઉના ૬ જૂલાઈની સાંજ સુધીના રીમાન્ડ મંજૂર કર્યાં છે.
નીતાને મળેલા જામીન સામે શુક્રવારે અપીલ કરાશે
દારૂની ખેપ મારતી વેળા પોલીસ પર જીપ ચઢાવી હત્યાનો પ્રયાસ કરવાના ગુનાની આરોપી નીતા ચૌધરીને બુધવારે અધિક CJM કૉર્ટે જામીન આપતાં પોલીસ અને વકીલ આલમમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. નીતાને મળેલાં જામીન રદ્દ કરાવવા માટે સેશન્સ કૉર્ટમાં અપીલ દાખલ કરવા માટે આજે ભચાઉથી વકીલો અને પોલીસ અધિકારીઓ ભુજ સુધી દોડતાં રહ્યાં હતાં. જિલ્લાના મુખ્ય સરકારી વકીલે આ મામલે અપીલ દાખલ કરવા જિલ્લા મેજિસ્ટ્રેટ અમિત અરોરાને લેખીત પ્રસ્તાવ મોકલી આપ્યો હતો. અરોરાએ તુરંત તેને મંજૂરી આપ્યાં બાદ રીવીઝન માટેની અરજી તૈયાર કરી દેવાઈ હતી. આવતીકાલે ઉઘડતી કૉર્ટે સેશન્સ કૉર્ટમાં રીવીઝન અરજી દાખલ કરાશે તેમ જિલ્લાના મુખ્ય સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ જણાવ્યું છે.
Share it on
|