click here to go to advertiser's link
Visitors :  
02-May-2025, Friday
Home -> Bhachau -> Self proclaimed MD doctor of Bhuj booked for defrauding 15 Lakh in Bhachau
Friday, 28-Feb-2025 - Bhachau 42623 views
‘મહિને ૫ લાખનો નફો છે’ કહી કથિત MD ડૉક્ટર ભાગીદાર બનાવી ૧૫ લાખ હજમ કરી ગાયબ થયો
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ પોતાને એમ.ડી. ડૉક્ટર ગણાવીને ભુજમાં મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ ખોલનારો એક કહેવાતો ડૉક્ટર હોસ્પિટલમાં મહિને પાંચ લાખનો નફો થતો હોવાના આંબા આંબલી બતાવીને વિવિધ લોકોને ભાગીદાર બનાવી ફરાર થઈ ગયો છે. આવા જ એક છેતરાયેલાં ભાગીદારે કથિત ડૉક્ટર વિરુધ્ધ ૧૫ લાખ રૂપિયાની ઠગાઈ અંગે ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ભુજના ઘનશ્યામનગર પાસે પીપીસી ક્લબ સામે ‘કાજાણી હોસ્પિટલ’ના નામે દુકાન ખોલનારાં કહેવાતા ડૉક્ટર ઝૈનુલ અમીરઅલી કાજાણી (રહે. ધર્મનાથ એપાર્ટમેન્ટ, લોહાણા મહાજન વાડી પાસે છછ ફળિયું, ભુજ) સામે ભચાઉના દરબાર ગઢમાં રહેતા જાલમસિંહ બળવંતસિંહ જાડેજાએ ચીટીંગની ફરિયાદ નોંધાવી છે.

ભચાઉમાં બ્લોકનો ધંધો કરતા જાલમસિંહને પરિચિત મારફતે જાણવા મળ્યું હતું કે કાજાણી હોસ્પિટલનો ડૉક્ટર ઝૈનુલ પાર્ટનરની શોધમાં છે.

ફરિયાદી તેમના મિત્ર પ્રદીપસિંહ ગોહિલ સાથે ૧૭-૦૯-૨૦૨૪ના રોજ ઝૈનુલને મળવા ગયેલાં. ઝૈનુલે બેઉ જણને પોતે ઉત્તરાખંડમાંથી એમ.ડી. થયો હોવાનું કહીને તેની પાસે રહેલી QR કોડવાળી વિવિધ તબીબી ડિગ્રીઓના પ્રમાણપત્રો બતાડેલાં. પોતે જી.કે. જનરલમાં પ્રોફેસર હોવાનું જણાવી પત્ની નિરીશા સાથે મળીને હોસ્પિટલ ચલાવતો હોવાનું જણાવેલું.

મહિને પાંચ લાખનો નફો થતો હોવાનો દાવો કરેલો

હોસ્પિટલમાં મહિને પાંચ લાખનો નફો થતો હોવાના હિસાબ કિતાબના કાગળિયા બતાવી ઝૈનુલે કહેલું કે અગાઉના પાર્ટનરોને છૂટાં કર્યાં છે અને નવા પાર્ટનરોની શોધમાં છું. હોસ્પિટલમાં નવી મશીનરી ખરીદવા અને હોસ્પિટલ ચલાવવા ૫૦ લાખની જરૂર છે. ઝૈનુલની વાતોમાં આવી જઈને ફરિયાદી અને તેમના મિત્રે હોસ્પિટલમાં ભાગીદાર બનવાની તૈયારી દર્શાવીને તે જ દિવસે બાના પેટે એક લાખ રૂપિયા ગૂગલ પેથી ઝૈનુલના ખાતામાં ટ્રાન્સફર કર્યાં હતાં.

પચ્ચીસ લાખ આપીને પચાસ ટકાની પાર્ટનરશીપ  

૨૦-૦૯-૨૦૨૪ના રોજ ભચાઉમાં ઝૈનુલને સાડા બાર લાખ રોકડાં અને સાડા બાર લાખ બેન્ક મારફતે ટ્રાન્સફર કરી આપી કુલ ૨૫ લાખ આપીને નોટરી વકીલની ઑફિસમાં હોસ્પિટલમાં પચાસ ટકાની પાર્ટનરશીપ અંગેનું લખાણ કરેલું. જેમાં છ મહિના બાદ ડૉક્ટરને બાકીના ૨૫ લાખ ચૂકવવાનું અને ડૉક્ટરે દર મહિને ફરિયાદીને બે લાખ રૂપિયા આપવાનું લખાણ લખાયેલું. ડૉક્ટરે ડિપોઝીટ પેટે ત્રણ જુદી જુદી બેન્કના ચેક લખી આપ્યાં હતાં. પાર્ટનરશીપ થયાં બાદ ઓક્ટોબર અને નવેમ્બર મહિનાના બે-બે લાખ રૂપિયા પેટે થતાં ચાર લાખ રૂપિયા ઝૈનુલે આપ્યાં નહોતાં.

આ બાબતે ફરિયાદીએ ઝૈનુલને વાત કરતાં ડિસેમ્બરમાં તેણે ફરિયાદીના ખાતામાં પાંચ લાખ જમા કરાવેલાં.

ત્યારબાદ ફરિયાદીને જાણવા મળેલું કે ઝૈનુલે તેની જેમ અન્ય ઘણાં લોકોને પણ હોસ્પિટલમાં પાર્ટનર બનાવ્યાં છે. ભુજના અર્જુન અજાણી અને મિરજાપરના અંકિત અનુપગીરી ગોસ્વામીને હોસ્પિટલ ચલાવવા આપી છે. આ બાબતો જાણીને ફરિયાદીએ ઝૈનુલને ફોન કરી ભાગીદારી રદ્દ કરી ૨૫ લાખ રૂપિયા પાછાં આપવા જણાવેલું. અંકિત ગોસ્વામીએ તેના બેન્ક ખાતા મારફતે ફરિયાદીના ખાતામાં ૧૦ લાખ જમા કરાવેલાં. જો કે, ઝૈનુલે બાકીના ૧૫ લાખ રૂપિયા પરત આપ્યાં નથી. તે હોસ્પિટલ અને તેનો ફોન બંધ કરીને ક્યાંક ભાગી ગયો છે.

અન્ય પીડિતો પણ ફરિયાદ નોંધાવે તેવી શક્યતા

સૂત્રોના મતે ઝૈનુલ ખરેખર MD થયેલો છે કે કેમ તે પણ સવાલ છે. MBBS, FICCM, CTCC જેવી ડિગ્રીઓના લટકણિયાં સાથે પોતાને કન્સલ્ટન્ટ ઈન્વેન્સીવિસ્ટ અને પેઈન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ગણાવતા ઝૈનુલે ‘કાજાણી હોસ્પિટલ’ના નામે ભુજ, ખાવડા, નલિયા, ધાણેટી સહિત વિવિધ ગામોમાં ફ્રી મેડિકલ કેમ્પ અને ઓપીડી પણ યોજેલી છે. ફેસબૂક પરની એક પોસ્ટમાં ઝૈનુલે પોતાનો ભારતના મોખરાના ૧૦૦ ક્રિટિકલ કેર ડૉક્ટરમાં સમાવેશ કરાયો હોવાનો એક સંદેશ પોસ્ટ કરેલો છે. જાલમસિંહની જેમ ઝૈનુલની ઠગાઈનો ભોગ બનેલાં અન્ય લોકો પણ આગામી દિવસોમાં ફરિયાદ નોંધાવવા આગળ તેવી શક્યતા છે.

Share it on
   

Recent News  
ભચાઉમાં શિક્ષક પર છરીથી હુમલો કરી બાઈકસવાર ત્રિપુટી મોબાઈલ ફોન લૂંટીને ફરાર
 
અંજારની વેલસ્પન કંપનીમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયોઃ સગો મોટો ભાઈ નીકળ્યો હત્યારો
 
નલિયામાં ‘પીધેલો’ હેડ કોન્સ્ટેબલ અને માંડવીમાં ‘ચકચુર’ હોમગાર્ડ અધિકારી ઝડપાયાં