કચ્છખબરડૉટકોમ, સામખિયાળીઃ સામખિયાળીમાં સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)ની કંપાઉન્ડ વૉલ સાથે અંદર બનેલાં પાકાં બાંધકામ તોડી નાખીને રાતોરાત ચાર દુકાનો ચણી લેનારો રાજેશ હરધોર મણકા અંતે લેન્ડગ્રેબિંગમાં ફીટ થયો છે. રાજેશે ૨૫-૦૨-૨૦૨૩ના રોજ PHCના પીએમ રૂમ, પાણીના ટાંકા, ગેટ તથા આસપાસની દિવાલ અને બગીચામાં બુલડોઝર ફેરવી દીધું હતું. સરકારી જગ્યા સાફ કરીને રાજેશે રોડટચ જમીન પર ચાર પાકી દુકાનો ચણી હતી અને તેની પાછળ પણ પાકું બાંધકામ કરવાનું શરૂ કરેલું. તંત્રએ દુકાનો તોડી પાડતાં રાજેશ હાઈકૉર્ટ દોડ્યો હતો અને સ્ટે ઓર્ડર લઈ આવ્યો હતો.
સુનાવણી દરમિયાન માપણી શીટ મુજબ માલિકી હક્ક સાબિત ના કરી શકતાં રાજેશે હાઈકૉર્ટમાંથી અરજી પરત ખેંચી લીધી હતી. ત્યારબાદ તેણે ભચાઉ કૉર્ટમાં દિવાની દાવો દાખલ કરેલો.
ભચાઉ કૉર્ટે તંત્રને વધુ કાર્યવાહી સામે સ્ટે ફરમાવતાં જિલ્લા આરોગ્ય અધિકારીએ એડિશનલ ડિસ્ટ્રીક્ટ સેશન્સ જજની કૉર્ટમાં અપીલ કરેલી. સેશન્સ જજે ૨૫ ઓક્ટોબર સુધી યથાવત્ સ્થિતિ જાળવી રાખવા હુકમ કરેલો. પરંતુ, રાજેશ સેશન્સ જજના હુકમને ઘોળીને પી ગયો હતો અને પાછળની બાજુ બાંધકામ શરૂ કરી દીધું હતું. દરમિયાન, આ મામલે આરોગ્ય અધિકારીએ લેન્ડગ્રેબિંગ એક્ટ તળે કરેલી અરજીમાં બેઉ પક્ષની સુનાવણી અને તથ્યો ચકાસી કલેક્ટરની અધ્યક્ષતાવાળી સમિતિએ રાજેશ સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવા હુકમ કરતાં અધિક જિલ્લા આરોગ્ય અધિકારી રવીન્દ્ર ફૂલમાલીએ તેની સામે લેન્ડગ્રેબિંગ એક્ટ તળે સામખિયાળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
રાજેશના કરતૂતને કચ્છખબરે ઉઘાડું પાડેલું
રાજેશથી ફફડતાં તાલુકા આરોગ્ય અધિકારીએ ફેબ્રુઆરીમાં પ્રાંત અધિકારીને લખવા ખાતર પત્ર લખી, દબાણ થયું હોવાની રજૂઆત કરી સંતોષ માની લીધો હતો. રાજેશે લાખ્ખોના દામે દુકાનો વેચવાની હિલચાલ શરૂ કરતાં આ મામલો કચ્છખબરના ધ્યાને આવ્યો હતો અને ૨૩-૦૬-૨૦૨૩ના રોજ કચ્છખબરે આ અંગે અહેવાલ પ્રગટ કર્યો હતો. જેના પગલે જિલ્લા વિકાસ અધિકારી એસ.કે. પ્રજાપતિ અને જિલ્લા કલેક્ટર અમીત અરોરા તુરંત હરકતમાં આવ્યાં હતા અને તેમણે રાજેશ સામે કડક કાયદેસર કાર્યવાહી કરવા આદેશ છોડ્યાં હતાં.
કચ્છખબરના અહેવાલના ૨૪ કલાકની અંદર મેડિકલ ઑફિસરે રાજેશ વિરુધ્ધ સામખિયાળી પોલીસ મથકે સરકારી મિલકતમાં તોડફોડ કરી મેડિકલ ઑફિસરને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગેની ફોજદારી ફરિયાદ નોંધાવી હતી.
૧૭ જૂલાઈના રોજ પ્રાંત અધિકારીની હાજરીમાં ચારે દુકાનો પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. જો કે, રાજેશ હાઈકૉર્ટમાંથી મનાઈ હુકમ લઈ આવતાં દુકાનો પાછળ પાકું દબાણ કરવા હેતુ બનાવેલાં ફાઉન્ડેશન યથાવત્ રાખી દેવાયાં હતાં.
પોતાને સામાજિક અને રાજકીય આગેવાન ગણાવતા રાજેશ અને તેના પુત્રોએ અમદાવાદના કરિયાણાના વેપારી સાથે ૨૬.૨૩ લાખની ઠગાઈ કરી હોવાની ગત ૦૭-૧૦-૨૦૨૩ના રોજ સામખિયાળી પોલીસ મથકે અન્ય એક ફરિયાદ પણ નોંધાયેલી છે.
Share it on
|