click here to go to advertiser's link
Visitors :  
06-Jun-2025, Friday
Home -> Bhachau -> Sarpanch of Halara Village Bhachau booked under abetment of suicide
Tuesday, 03-Jun-2025 - Samkhiyali 16271 views
‘તારો સાળો ૪૦ હજાર ના આપે તો તારી પત્ની મારી પાસે મૂકી દેજે’ ડરેલી પત્નીનો આપઘાત
કચ્છખબરડૉટકોમ, સામખિયાળીઃ ૪૦ હજાર રૂપિયાની બાકી ઉઘરાણીની વસૂલાત માટે ધાક-ધમકી કરી રહેલા ભચાઉના હલરા ગામના સરપંચની ધમકીથી ડરી જઈને ૧૯ વર્ષની પરિણીત યુવતીએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. સામખિયાળી પોલીસે બનાવ અંગે સરપંચ પ્રકાશ જશાભાઈ મણકા સામે આત્મહત્યાના દુષ્પ્રેરણની કલમ તળે ગુનો દાખલ તપાસ હાથ ધરી છે.

ફરિયાદી ૨૩ વર્ષિય હરેશ અમરતભાઈ ચાવડા (ઠાકોર) મૂળ રાધનપુરના મઘાપુરા ગામનો વતની છે અને હલરા ગામે કાનજી મણકાની વાડી ભાગવે રાખી, ૧૯ વર્ષની પત્ની શીતલ જોડે વાડીએ જ રહીને ખેતમજૂરી કરે છે.

હરેશના સાળા દિપુભાઈ રામાભાઈ અખિયાણી (ઠાકોર)એ આઠ માસ અગાઉ હલરાની સીમમાં આવેલી ગામના સરપંચ પ્રકાશ મણકાની વાડી ત્રીજા ભાગે વાવવા માટે ભાગવે રાખેલી.

વાડીમાં દિપુ અને તેની પત્ની, માતા વગેરે રહીને ખેતમજૂરી કરતાં હતાં. વાડીમાં તેમણે જીરું વાવેલું. વાવેતર વગેરેનો કુલ ખર્ચો ૮૭ હજાર ૫૦૦ રૂપિયા થયેલો જેનો હિસાબ કરતા દિપુએ વાડીમાલિક પ્રકાશને ૫૧ હજાર રૂપિયા આપવાના નીકળતાં હતાં. દિપુ સમયસર નાણાં ચૂકવી શક્યો નહોતો અને કાકાની દીકરીના લગ્ન હોઈ તે રાધનપુર જતો રહ્યો હતો.

૨૪ મેના ઓનલાઈન દસ હજાર રૂપિયા આપેલા

પ્રકાશ મણકા અવારનવાર દિપુ અને વાડી ભાગવે અપાવનાર ફરિયાદીના પિતાને ફોન કરી બાકી રૂપિયાની માંગણી કર્યાં કરતો હતો. બાકી નાણાં પેટે ૨૪ મેના રોજ દિપુના ભાઈએ ફોન પેથી તેને દસ હજાર રૂપિયા મોકલી આપ્યાં હતાં.

‘જો રૂપિયા ના થાય તો તારી પત્નીને મારી પાસે મૂકી દેજે’

૨૭ મેની સાંજે છ વાગ્યાના અરસામાં પ્રકાશે બાકી રહેલા ૪૦ હજાર રૂપિયાની ઉઘરાણી માટે ફરિયાદી હરેશને ફોન કરીને ધમકી આપવાનું શરૂ કરેલું. પ્રકાશે હરેશને ધમકી આપેલી કે ‘જો રૂપિયા ના થાય તો તારી પત્નીને મારી પાસે મૂકી દેજે’

વાતચીત સમયે હરેશની પત્ની શીતલ બાજુમાં ઉભેલી અને તે બધું સાંભળતી હતી. પ્રકાશની ધમકીથી શીતલ ડરી ગઈ હતી. કપાસમાં છાંટવાની મોનોક્રોટો નામની ઝેરી જંતુનાશક દવાની બાટલી મોંઢે માંડીને ગટગટાવી ગઈ હતી.

પત્નીને ઝેરી દવા પીતી જોઈને હરેશ તેની પાસે દોડી ગયો હતો અને તેના હાથમાંથી બાટલી ખેંચીને ફેંકી દીધી હતી. હરેશ તત્કાળ તેને ભચાઉ સરકારી હોસ્પિટલ લઈ ગયો હતો. પત્નીએ તેને જણાવેલું કે ‘સરપંચ મારા ભાઈ પાસે વારંવાર રૂપિયા માંગતો હોઈ અને હવે આપણને પણ ધમકાવતો હોઈ મેં દવા પીધી છે’

હતભાગી શીતલને સામખિયાળી, રાધનપુર અને મહેસાણાની ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે લઈ જવાઈ હતી. પરંતુ, રવિવારે સાંજે શીતલે કાયમ માટે હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો.

હરેશના લગ્ન એક વર્ષ અગાઉ જ થયા હતા અને છેલ્લા નવ માસથી તે પત્ની શીતલને હલરાની વાડીએ લઈ આવ્યો હતો. ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધીક્ષક સાગર સાંબડા સમક્ષ આજે હરેશે ફરિયાદ લખાવી છે, સામખિયાળી પીઆઈ વી.કે. ગઢવીએ તપાસ હાથ ધરી છે.

Share it on
   

Recent News  
માંડવીમાં શેઠના ઘરમાં હાથ મારનાર નોકરને LCBએ ભુજમાંથી ૪.૭૦ લાખ સાથે ઝડપ્યો
 
પાણીની મોટર બંધ કરવા મુદ્દે પડાણાના બેન્સૉમાં બે મજૂરોની મારામારીમાં એકની હત્યા
 
અંજારઃ બે સ્પાની ધંધાકીય અદાવતમાં સ્પાની મેનેજર યુવતી પર ઍસિડ અટેક સાથે છેડતી