કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ એકની સામે ચાર ગણાં રૂપિયા આપવાની લાલચ આપીને પૂર્વ કચ્છની ચીટર ટોળકીએ રાજસ્થાનના વેપારીને ભચાઉ બોલાવી, ગાડીમાં બેસાડીને છરીની અણીએ ૧.૭૦ લાખ રોકડાં રૂપિયા લૂંટી લીધા હોવાનો બનાવ બહાર આવ્યો છે.
Video :
પોલીસે ચાર અજાણ્યા લોકો સામે ગુનો નોંધીને બે શકમંદોને રાઉન્ડ અપ કરી લીધાં છે.
ઈન્સ્ટાગ્રામ પર વીડિયો જોઈને ફસાયેલો
રાજસ્થાનના નાગોરમાં રહીને સ્ટીલની રેલિંગ અને ફર્નિચરનો વ્યવસાય કરતા ૨૮ વર્ષિય માનસિંગ કુલદીપ શેખાવતે પોલીસને જણાવ્યું કે ગત ડિસેમ્બર માસમાં ઈન્સ્ટાગ્રામ પર એક એકાઉન્ટ જોયેલું. તેમાં ખોખાં અને થેલામાં પાંચસો અને સો-સો રૂપિયાની નોટોના બંડલો ભરેલાં વિવિધ વીડિયો પોસ્ટ થયેલાં. માનસિંગે મેસેજ કરી પૂછતાં સામેવાળાએ જવાબ આપેલો કે અમે ફક્ત ૧૫ મિનિટની અંદર રૂપિયા ચારગણાં કરી આપીએ છીએ. તે શખ્સે મોકલેલાં નંબર પર માનસિંગે વીડિયો કૉલ કરતાં તે શખ્સે ફરી તેને નોટોના બંડલો બતાડેલાં અને ગાંધીધામ આવવા જણાવેલું.
ખરાઈ કરવા માટે અગાઉ ભાઈ જોડે આંટો મારી ગયેલો
દાવાની ખરાઈ કરવા માટે ફરિયાદી બીજી જાન્યુઆરીના રોજ તેના ભાઈ કિશનને લઈ ગાંધીધામ આવેલો. આરોપીઓએ તેને અંજાર રેલવે સ્ટેશન બોલાવેલો. અહીં બે જણાં નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કાર લઈને આવેલાં. બેઉ જણે તેને કારમાં બેસાડી, પાંચસોના દરની નોટ ભરેલો થેલો બતાડીને નોટની ખરાઈ કરવા માટે આઠ નોટ આપેલી.
ફરિયાદીએ ચાર નોટ રાખેલી. નોટ સાચી હોવાની ખાતરી થયાં બાદ આરોપીઓએ તેને ભચાઉના મામાદેવના મંદિરે મળવા બોલાવેલો.
અહીં ચાર જણાં બલેનો કારમાં આવેલાં. તેમણે ફરી પાંચસો અને એકસો રૂપિયાની ચલણી નોટોના બંડલો ભરેલાં થેલાં બતાડીને સોદો નક્કી કરવા કહેલું. ફરિયાદી થોડાંક દિવસમાં જવાબ આપું કહીને ભાઈ જોડે પરત રાજસ્થાન જતો રહેલો.
ગાડીમાં બેસાડી ચીટરોએ છરીની અણીએ રોકડની લૂંટ કરી
‘એક કા ચાર’ની લાલચમાં આવીને માનસિંગ રાજસ્થાનથી ૧.૭૦ લાખ રોકડાં રૂપિયા લઈને ભાઈ કિશન અને વિક્રમસિંગને લઈને આજે સવારે ફરી ભચાઉ આવ્યો હતો. ચીટરોએ તેને સાડા દસના અરસામાં ગાંધીધામ રોડ પર ગોલ્ડન હોટેલથી થોડે આગળ આવેલા પુલિયા નીચે બોલાવેલો. બેઉ ભાઈ રોકડાં રૂપિયા ભરેલો થેલો લઈને પહોંચ્યા ત્યારે સફેદ રંગની બલેનો કારમાં આવેલા બે ચીટરે કોઈ એક જણને જ ગાડીમાં બેસવા કહીને બીજાને બહાર ઊભો રહીને રાહ જોવા સૂચના આપેલી. માનસિંગ રૂપિયા ભરેલો થેલો લઈને ગાડીમાં બેસી ગયા બાદ ચીટરોએ ગાડી હંકારી મૂકી હતી.
ગાડીમાં ચીટરોએ તેને રૂપિયા ભરેલો થેલો આપેલો પરંતુ પાંચસોની નોટના બંડલામાં ઉપર નીચે એક બે સાચી નોટ અને વચ્ચે સફેદ કાગળો હતાં.
પોતાની સાથે છેતરપિંડી થતી હોવાનું પામી ગયેલાં માનસિંગે સોદો ફોક કરવા જણાવતાં જ ચીટરોએ છરી કાઢીને મારી નાખવાની ધમકી આપીને તેની પાસે રહેલો રૂપિયા ભરેલો થેલો લૂંટી લીધો હતો. બાદમાં ચાલતી ગાડીએ માનસિંગને ધક્કો મારી બહાર પડતો મૂકીને નાસી ગયાં હતાં. ગુનો નોંધીને ભચાઉ પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે બે શકમંદોને દબોચી લીધાં છે. ડીવાયએસપી સાગર સાંબડાએ જણાવ્યું કે આખી ગેંગને ઝડપી પાડવાની તજવીજ ચાલી રહી છે.