કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ કારને ગીરવે રાખી, પાંચ ટકા વ્યાજે દોઢ લાખ રૂપિયા આપ્યા બાદ વ્યાજખોરે ગાડી પરત આપવા માટે ૧ લાખ વ્યાજ અને દોઢ લાખ રૂપિયા મૂડી પેટે અઢી લાખની માંગણી કરતાં મામલો પોલીસ મથકે દર્જ થયો છે. ભચાઉના હિંમતપુરા વિસ્તારમાં રહી ડ્રાઈવીંગ કરી પેટિયું રળતા અકબર અયુબ મથડાએ અંજારના સિનુગ્રા ગામના વ્યાજખોર ઝુબેર મામદ સોઢા વિરુધ્ધ ભચાઉ પોલીસ મથકે ગેરકાયદે વ્યાજખોરી, પઠાણી ઉઘરાણી સબબ ફરિયાદ નોંધાવી છે. ગત ઓક્ટોબર માસમાં અચાનક માંદગીનો ખાટલો આવતાં અકબરને નાણાંની તાકીદે જરૂરિયાત ઊભી થયેલી. અકબરે કંડલા રહેતા તેના મિત્ર ઈબ્રાહિમ મથડાને આ અંગે વાત કરતાં ઈબ્રાહિમે સિનુગ્રા ગામે રહેતો ઝુબેર સોઢા તેનો મિત્ર હોવાનું અને તે વ્યાજે નાણાં ધીરતો હોવાનું કહેલું. ફરિયાદીએ ફોન પર ઝુબેર જોડે દોઢ લાખ રૂપિયાની જરૂર હોવાનું જણાવતાં ઝુબેરે પાંચ ટકા વ્યાજે દોઢ લાખ રૂપિયા આપવાનું જણાવી બદલામાં કોઈ કિંમતી વસ્તુ ગીરવે મૂકવી પડશે તેમ કહેલું.
ફરિયાદીએ ૩-૧૦-૨૦૨૪ના રોજ તેની ટોયોટા ગ્લેન્ઝા કાર ગીરવે મૂકીને દોઢ લાખ રૂપિયા મેળવ્યાં હતાં. ઝુબેરે એડવાન્સમાં પાંચ ટકા વ્યાજ લેખે સાડા ૭ હજાર રૂપિયા કાપીને બાકીની રકમ આપેલી.
ફરિયાદીએ વ્યાજે લીધેલાં દોઢ લાખ રૂપિયાની સગવડ થઈ જતાં તે પાછાં આપીને ગાડી છોડાવવા માટે ૨૩-૧૨-૨૦૨૪ના રોજ તેનો સંપર્ક કરેલો. ઝુબેરે ફોન ના ઉપાડતાં ફરિયાદીએ તેના મિત્ર ઈમરાનને જાણ કરેલી.
ઈમરાને ઝુબેર જોડે કોન્ટેક્ટ કરતાં ઝુબેરે ગાડી છોડાવવી હોય તો ૧ લાખ રૂપિયા વ્યાજ અને દોઢ લાખની મૂડી મળી અઢી લાખ રૂપિયા આપવા પડશે તેમ જણાવેલું.
ફરિયાદી સમજાવટ માટે ઈમરાન અને પીરસાહેબને લઈને ઝુબેરના ઘેર તેને મળવા ગયેલો. આરોપી ત્યારે ઘરે હાજર નહોતો. ઝુબેરના પિતાએ તેની જોડે ફોન પર વાત કરતાં તેણે ફરી એ જ માંગણી દોહરાવી હતી.
Share it on
|