click here to go to advertiser's link
Visitors :  
04-Apr-2026, Saturday
Home -> Bhachau -> Murderer awarded rigorous life term by Bhachau Session Court in 25 year old case
Tuesday, 17-Sep-2024 - Bhachau 58319 views
ભચાઉઃ યુવાનીમાં કરેલાં મર્ડરના ગુનામાં બુઢાપામાં જનમટીપ ભોગવવાનો વારો આવ્યો!
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ રાપર તાલુકાના ભીમાસર ગામે સરકારી પડતર જમીન પચાવવાના પ્રયાસમાં ગઢવીઓ અને દલિતોના બે જૂથો વચ્ચે થયેલાં ધિંગાણા અને ઘાતકી હત્યાના ૨૫ વર્ષ જૂના કેસમાં ભચાઉ સેશન્સ કૉર્ટે એક આરોપીને સખ્ત આજીવન કેદની સજા ફટકારી છે. ૪૨ વર્ષની ઉંમરે કરેલા મર્ડરના ગુનામાં ૨૫ વર્ષ બાદ ૬૭ વર્ષની વયે હત્યારાને જનમટીપની સજા ભોગવવાનો વારો આવ્યો છે. બે આરોપીને કૉર્ટે હુમલા બદલ દોષી ઠેરવી સજા ફટકાર્યાં બાદ પ્રોબેશનનો લાભ આપી મુક્ત કર્યાં છે. શેષ ૪ને નિર્દોષ છોડી મૂક્યાં છે.

હુમલા અને હત્યાનો બનાવ ૨૭-૦૯-૧૯૯૯ના રોજ સવારે આઠ વાગ્યાના અરસામાં બન્યો હતો. ભીમાસરમાં રહેતા હરદાન ભુરદાન ગઢવી પર મુરા માદેવા, રાજા માદેવા, ભીખા માદેવા, મનજી માના, માયા ગાભા, વીરા ગાભા, અંબા રવા એમ સાત આરોપીઓએ ધારિયા, પાઈપ અને લાકડીઓ વડે ઘાતક હુમલો કરેલો. હરદાનને બચાવવા જતાં તેના અન્ય છ સગાં સંબંધીઓ પર પણ આરોપીઓએ હુમલો કરી તેમને ઈજા પહોંચાડેલી. મુરા માદેવાએ તેના હાથમાં રહેલાં ધારિયાથી હરદાનની ગરદન પાછળ ઘા કરતાં ગંભીર ઈજાથી હરદાન જમીન પર ઢળી પડ્યો હતો. બાદમાં આરોપીઓ અંબા રવાના ટ્રેક્ટરમાં બેસીને નાસી ગયાં હતાં.

જમીન પચાવવા મુદ્દે હિંસક ધિંગાણું થયેલું

મરણ જનાર હરદાનના ભત્રીજા મઢદાન ગઢવીએ ભીમાસર પોલીસ મથકે સાત આરોપી વિરુધ્ધ ઈપીકો કલમ ૩૦૨, ૩૨૩, ૩૨૬, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ અને ગુજરાત પોલીસ એક્ટની કલમ ૧૩૫ ગુનો નોંધાવ્યો હતો. સામા પક્ષે આરોપીઓએ પણ હુમલાની વળતી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીના ઘર પાછળ આવેલી સરકારી પડતર જમીન કે જેનો ઉપયોગ શૌચ કરવા માટે થતો હતો તે જમીન આરોપીઓએ પચાવી પાડીને તેના પર વાડ બનાવી દીધી હતી. આ બાબતે મરણ જનાર હરદાન ગઢવીએ વાંધો લીધો હતો અને તેણે વાડ તોડી નાખી હતી. જેથી આરોપીઓએ ઘાતક હુમલો કર્યો હતો.

મુખ્ય આરોપીને સખ્ત આજીવન કારાવાસ

૨૫ વર્ષ જૂના આ કેસમાં આજે ભચાઉના ત્રીજા અધિક સેશન્સ જજ અંદલિપ તીવારીએ ૧૯ સાક્ષીઓ અને દસ્તાવેજી પૂરાવા તથા બંને પક્ષના વકીલોની દલીલો જોઈ સાંભળી હત્યા કેસના મુખ્ય આરોપી મુરા માદેવાને ઈપીકો કલમ ૩૦૨ હેઠળ સખ્ત આજીવન કારાવાસ સાથે ૫ હજાર રૂપિયા દંડ તથા ઈપીકો કલમ ૩૨૬ હેઠળ ૫ વર્ષની કેદ અને ૨૫૦૦ રૂપિયા દંડ ફટકાર્યો છે. કૉર્ટે સહઆરોપી માયા ગાભાને ઈપીકો કલમ ૩૨૫ હેઠળ ૩ વર્ષની કેદ સાથે ૨૫૦૦ દંડ અને ઈપીકો કલમ ૩૨૩ હેઠળ ૧ વર્ષની કેદ સાથે ૧૫૦૦ રૂપિયા દંડ ફટકાર્યો છે. એ જ રીતે, મનજી માનાને ઈપીકો કલમ ૩૨૩ હેઠળ ૧ વર્ષની કેદ સાથે ૧૫૦૦ રૂપિયા દંડ ફટકાર્યો છે. કૉર્ટે માયા ગાભા અને મનજી માનાને પ્રોબેશનનો લાભ આપી મુક્ત કરી બે વર્ષ દરમિયાન કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ના આચરવા તાકીદ કરી છે. અન્ય આરોપીઓને કૉર્ટે નિર્દોષ છોડી મૂક્યાં છે. દંડની રકમ ભરપાઈ થયા બાદ તે રકમ મૃતક હરદાનના પત્નીને વળતર તરીકે ચૂકવવા કૉર્ટે હુકમ કર્યો છે.

ત્રણ કૉર્ટમાં કેસ તબદીલ થયો

૨૫ વર્ષ જૂનો આ કેસ સૌપ્રથમ ગાંધીધામ સેશન્સ કૉર્ટમાં દાખલ થયેલો. ત્યારબાદ અંજાર સેશન્સ કૉર્ટ અને છેલ્લે ૨૦૨૦માં ભચાઉ સેશન્સ કૉર્ટમાં તબદીલ થયો હતો. આ કેસમાં સરકાર તરફે એડવોકેટ ધર્મેન્દ્રસિંહ એસ. જાડેજાએ હાજર રહીને દલીલો કરી હતી.

Share it on
   

Recent News  
દહીંસરામાં વાછરડાંના કતલ કેસમાં બેઉ ભાઈ જામીનમુક્તઃ હવે સત્ય શોધશે ગાંધીનગર FSL
 
સસરાંએ ભચાઉ પોલીસ સ્ટેશને જઈ ફરિયાદ નોંધાવી કે ઘરે આવેલી વહુ લૂંટેરી દુલ્હન છે!
 
દિનદયાલ પોર્ટ કંડલાએ ૧૬૦.૧૧ મિલિયન ટન કાર્ગો હેન્ડલ કરી ઐતિહાસિક સિધ્ધિ મેળવી