કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ભચાઉમાં પોલીસ સ્ટેશનથી એક કિલોમીટર દૂર આવેલી આશાપુરા હોટેલના રૂમ નંબર ૨૦૧માંથી ગત શનિવારે બપોરે ૧ વાગ્યે મોરબીના ૩૭ વર્ષિય કિશોરસિંહ મનુભા સોઢા નામના યુવકની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી હતી. મૃતકે ઝેરી જંતુનાશક દવા પીને આપઘાત કર્યાનું પ્રાથમિક તપાસમાં ખૂલેલું. લાશ પાસેથી મળેલી સ્યુસાઈડ નોટના આધારે મૃતકના પિતા મનુભા સામતસિંહ સોઢા (રહે. મૂળ વાયોર, કચ્છ રહે. મોરબી)એ મોરબીના અજાણ્યા વ્યાજખોર સામે ભચાઉમાં ફરિયાદ નોંધાવી છે. હોટેલના બંધ રૂમમાંથી કોહવાયેલી લાશ મળેલી
મનુભાએ પોલીસને જણાવ્યું કે તેમનો એકનો એક પુત્ર કિશોરસિંહ પરિણીત હતો. સંતાનમાં ૯ વર્ષની દીકરી અને ૧૩ વર્ષનો પુત્ર છે. તે છૂટક ટ્રક ડ્રાઈવીંગ કરતો હતો.
૨૭ ઑગસ્ટે સવારે સાત વાગ્યે ગાંધીધામમાં એક જગ્યાએ નોકરીની વાત ચાલે છે તેમ કહીને તે ગાંધીધામ આવવા નીકળેલો.
ત્રીજી સપ્ટેમ્બરે પુત્રવધૂએ સસરાંને જાણ કરેલી કે ગઈકાલે બીજી સપ્ટેમ્બરે છેલ્લે સાંજે સાડા પાંચ વાગ્યે પતિ જોડે વાત કરેલી ત્યારથી તેનો ફોન બંધ આવે છે. મનુભાએ આ અંગે મોરબી બી ડિવિઝન પોલીસ મથકે પણ જાણ કરેલી. દરમિયાન, ૬ઠ્ઠી સપ્ટેમ્બરે બપોરે ૧ વાગ્યાના અરસામાં અંદરથી બંધ રૂમમાંથી તેની લાશ મળી આવી હતી.
સ્યુસાઈડ નોટના આધારે ગુનો દાખલ કરાયો
રૂમમાંથી પોલીસને ઝેરી જંતુનાશક દવા, મૃતકનો થેલો, પર્સ, મોબાઈલ ફોન અને એક નોટબૂક મળી આવી હતી. મરતાં અગાઉ કિશોરસિંહે નોટબૂકમાં મોરબીના ગેંડા સર્કલ પાસે આવેલી પટેલ કન્સલ્ટન્સીની ઑફિસમાં રહેલા અજાણ્યા શખ્સની ધમકીનો ઉલ્લેખ કરતાં એ મતલબનું લખાણ લખ્યું હતું કે ધંધામાં ખોટ જતાં લોનના હપ્તા ચૂકવી શકતો નથી એટલે તે ભાઈ બે મહિનાથી ચેક બાઉન્સના ખોટાં કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રહ્યો છે,
બે વરસ અગાઉ આપેલા ચેકના ફોટો મોબાઈલમાં મોકલીને ધમકી માનસિક ત્રાસ આપી રહ્યો છે તે કારણે આજે મારે મરવું પડે છે.
લખાણમાં ધમકી આપનાર શખ્સના બે મોબાઈલ નંબર અને તેણે આપેલી ધમકી અંગેના સ્ક્રીનશોટના પુરાવા હોવાનું પણ લખ્યું છે. ભચાઉના પીએસઆઈ ડી.જે. ઝાલાએ મનુભા સોઢાએ આપેલી ફરિયાદના આધારે અજાણ્યા શખ્સ સામે આત્મહત્યાના દુષ્પ્રેરણ અંગે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Share it on
|