કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ પોતાના બોર પરથી પાણીનું ટેન્કર નહીં ભરવાની અદાવતમાં ચિત્રોડમાં દલિત યુવકને જાતિ અપમાનિત કરીને ધોકાથી માર મારવાના ગુનામાં કૉર્ટે આરોપીને દોષી ઠેરવી બે વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. હુમલાનો બનાવ ૦૬- ૦૧-૨૦૧૯ના રોજ બન્યો હતો. ફરિયાદી મહેશ અંબાલાલ રાઠોડ ચિત્રોડ બસ સ્ટેન્ડ પાસે આવેલા ગેરેજ પર હાજર હતો અને તેના પિતા તથા ભાઈ જમવા માટે ઘેર ગયેલાં. બપોરે બે વાગ્યે આરોપી લગધીર કાના ખોડ (રાજપૂત) અને તેનો પુત્ર રામો ઊર્ફે રામજી બેઉ જણ સફેદ બોલેરોમાં મહેશના ગેરેજ પર આવેલાં. બેઉ જણે મહેશને તારા પિતા ક્યાં છે? તેમ પૂછીને ‘તમે મારા બોરથી પાણી કેમ નથી ભરતાં?’ કહીને જાતિ અપમાનિત કરતી ગાળો ભાંડી ધોકાથી માર માર્યો હતો. મહેશને ઈજાઓ થતાં તેને ભુજની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. બનાવ અંગે આડેસર પોલીસે બેઉ આરોપી વિરુધ્ધ ઈપીકો અને એટ્રોસીટી એક્ટની વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી ધરપકડ કરેલી.
ટ્રાયલ દરમિયાન લગધીર ખોડનું નિધન થતાં તેની સામેનો કેસ પડતો મૂકાયો હતો. આ કેસમાં આજે ભચાઉના ત્રીજા અધિક સેશન્સ અને સ્પે. એટ્રોસીટી કૉર્ટના જજ અંદલિપ તીવારીએ રામજીને ઈપીકો કલમ ૩૨૪ હેઠળ ૨ વર્ષની સખ્ત કેદ અને ૨ હજારનો દંડ, ઈપીકો કલમ ૩૨૩ હેઠળ ૧ વર્ષની કેદ સખ્ત કેદ અને ૧ હજાર દંડ તથા ઈપીકો કલમ ૫૦૬ (૨) હેઠળ ૬ માસની કેદ અને ૧ હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે. કૉર્ટે રામજીને પ્રોબેશનનો લાભ આપી હાલતુરંત ૧૦ હજારના પર્સનલ બોન્ડ પર મુક્ત કરવા સાથે ૬ માસ સુધી તેની ચાલચલગત કેવી છે તે અંગે રીપોર્ટ આપવા પ્રોબેશન ઑફિસરને હુકમ કર્યો છે. દંડની રકમ ફરિયાદીને વળતર તરીકે ચૂકવવા હુકમમાં જણાવાયું છે. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ ધર્મેન્દ્રસિંહ એસ. જાડેજાએ હાજર રહીને ટ્રાયલ ચલાવી હતી.
Share it on
|