click here to go to advertiser's link
Visitors :  
21-Feb-2024, Wednesday
Home -> Bhachau -> How Bhachau trying to hush up 1.30 Lakh cheating case Must read
Wednesday, 07-Feb-2024 - Bhachau 17128 views
૧.૩૦ લાખની ઠગાઈની FIR ના નોંધી, ૨૫ હજાર પરત અપાવી ભચાઉ પોલીસે આવો ખેલ કર્યો!!
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ લગ્નના નામે કુંવારા યુવકો સાથે ઠગાઈ કરતી ટોળકી અને તેના સૂત્રધારોને છેલ્લાં બે મહિનાથી ભચાઉ પોલીસ કેવી રીતે છાવરી રહી છે તથા મામલાને રફેદફે કરવા માટે પોલીસે જ કેવો પેંતરો ઘડ્યો તે જાણીને આપ ચોંકી ઉઠશો.
જાણો, બે મહિના અગાઉની ઠગાઈની ઘટના  

ભુજ તાલુકાના સણોસરા ગામે રહેતાં અપરિણીત યુવકને પાટણના એક ગામની યુવતી સાથે લગ્ન કરાવી આપવાના બહાને ‘લૂંટેરી દુલ્હન ગેંગ’એ ૦૫-૧૨-૨૦૨૩ના રોજ ભચાઉ બોલાવી લગ્નના નામે ૧.૩૦ લાખ રૂપિયા મેળવી લીધાં હતાં. ભચાઉ કૉર્ટમાં લોકોના જામીનદાર તરીકે કામ કરતો શખ્સ આ ગેંગ અને ભોગ બનનાર વચ્ચે વચેટિયાની ભૂમિકામાં હતો. દુલ્હન ગેંગે ભોગ બનનારને વિશ્વાસ અપાવવા ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ પેપર પર લગ્ન કરાર કરાવ્યો હતો. જો કે, યુવતી બીજા દિવસે યુવકના ઘેરથી જતી રહી હતી. દુલ્હન ગેંગ સાથે લગ્ન અંગેની વાતચીત, નાણાંની લેવડદેવડ અને લગ્ન કરાર ભચાઉમાં થયેલાં હોઈ યુવકે તેના મોટાભાઈ અને સગાં સંબંધી સાથે ત્રીજા દિવસે ૦૭-૧૨-૨૦૨૩ના રોજ ભચાઉ પોલીસ મથકે જઈ જરૂરી આધાર પૂરાવા અને ઑડિયો વીડિયો ક્લિપના રેકોર્ડીંગ સાથે ફરિયાદ આપેલી.

પોલીસે FIR દાખલ કરવાના બદલે અરજી લીધી

કોગ્નિઝેબલ ઑફેન્સ બનતો હોવા છતાં પહેલાં તો પોલીસે ‘આમાં કોઈ ફરિયાદ દાખલ ના થાય, ખુદ ફરિયાદી પર જ કેસ નોંધાય’ કહી એફઆઈઆર દાખલ કરવામાં આનાકાની કરેલી. પાછળથી ફરિયાદીની લેખીત રજૂઆતની ફક્ત અરજી તરીકે એન્ટ્રી કરી હતી. ત્યારબાદ, ફરિયાદીને રૂપિયા પાછાં મળી જશે તેવા પ્રયાસો કરવાની ખાતરી આપેલી. વચેટિયાને સારી રીતે ઓળખતો ડી સ્ટાફનો રમેશ ચૌધરી નામનો હેડ કોન્સ્ટેબલ બે જ મિનિટમાં તેના બાઈક પર વચેટિયાને પોલીસ મથકે લઈ આવ્યો. વચેટિયાના મોંઢે બનતી ઝડપે રૂપિયા પાછાં આપી દેવાની ફરિયાદીને ખાતરી અપાવી.

૨૫ હજાર આપી વચેટિયાએ હાથ અધ્ધર કર્યાં

નાણાં પરત મળતાં હોય તો પોલીસ સ્ટેશન કે કૉર્ટના ધક્કાં કોણ ખાય તેમ માનીને ફરિયાદી પણ માની ગયો. પરંતુ,વચેટિયાએ ફક્ત પચ્ચીસ હજાર રૂપિયા પાછાં આપ્યાં અને બાકીના નાણાં ગેંગના લોકો અંદરોઅંદર ભાગબટાઈ કરીને ખાઈ ગયાં હોવાનું કહી હાથ અધ્ધર કરી દીધાં.  

ને આજે પોલીસે આવો ખેલ કર્યો  

અરજી આપ્યાના બે મહિને આજે પોલીસે અરજદારને ૨૫ હજાર રૂપિયા લઈ જવા રૂબરૂ બોલાવ્યો હતો. તે સમયે એએસઆઈ બી.જી. મિયોત્રાએ પોતાના રૂબરૂ અરજદારે નિવેદન આપ્યું હોવાનું એક નિવેદન આગોતરું ટાઈપ કરી, પ્રિન્ટ લઈને તૈયાર રાખ્યું હતું. આ નિવેદનમાં એવું લખવામાં આવ્યું હતું કે ‘આરોપીએ અમને અમારા રૂપિયા પરત આપી દેતા અમારે આ અરજી બાબતે કોઈ કાર્યવાહી કરવી નથી અને ભવિષ્યમાં પણ અમે આ બાબતે કોઈ કાર્યવાહી કરશું નહીં’

લગ્નના નામે ૧.૩૦ લાખની થયેલી ઠગાઈની બબ્બે મહિના સુધી  એફઆઈઆર નહીં નોંધનારી પોલીસ, વચેટિયા પાસેથી ૨૫ હજાર રૂપિયા પરત અપાવીને એવા લખાણ પર સહી કરવા દબાણ કરે કે ‘અમારા રૂપિયા પાછાં મળી ગયાં છે અને હવે આગળ કોઈ કાર્યવાહી કરવી નથી કરવી!’ આ તે કેવો ખેલ? અરજદારે સહી કરવા ઈન્કાર કરતાં મિયોત્રાએ તેને રીતસર હડધૂત કર્યો.

પીઆઈ-એસપીને રજૂઆત કરાઈ

આખરે જાણકાર લોકોએ પોલીસ ઈન્સ્પેક્ટર સમક્ષ વિરોધ દર્શાવી, એસપી સાગર બાગમારને રજૂઆત કરી. મામલો પામી ગયેલાં પીઆઈ એસ.જી. ખાંભલાએ વાત વાળી લેવાના હેતુથી અરજદારને કોઈ સ્ટેટમેન્ટમાં સહી કરાવ્યાં વગર ૨૫ હજાર રૂપિયા આપ્યાં અને ત્રણ ચાર દિવસમાં જો બાકીના રૂપિયા પાછાં ના મળે તો એફઆઈઆર દાખલ કરવાની વધુ એક ખાતરી આપી!

ભચાઉનો વચેટિયો બેફામ અને બિન્ધાસ્ત બનીને અનેક લોકો સાથે લગ્નના નામે ઠગાઈ કરી રહ્યો છે.

આ ઘટના બાદ પણ તેણે અન્ય લોકો સાથે લગ્નના નામે જાળ બીછાવી હતી તેના પણ સજ્જડ પૂરાવા છે. પરંતુ, જો પોલીસ જ મામલો રફેદફે કરી આવા ઠગબાજોને બચાવવાના પેંતરા રચતી હોય તો કોણ બેફામ ના બને?

Share it on
   

Recent News  
છરીથી હુમલો કરવાના ગુનાનો સૂત્રધાર આરોપી ગાંધીધામ કૉર્ટમાંથી ફરાર
 
રૂદ્રમાતા બ્રિજઃ તારીખ પે તારીખ.. તારીખ પે તારીખ.. આ શું માંડીને બેઠાં છો?
 
ગાંધીધામ ઉદયનગર પોસ્ટ ઑફિસના પોસ્ટ માસ્ટરે ૨૦.૧૨ લાખની ઉચાપત કરી