click here to go to advertiser's link
Visitors :  
16-Jun-2025, Monday
Home -> Bhachau -> Four booked for attempt to dupe insurance firm by false claims in Lakadiya
Thursday, 05-Jun-2025 - Lakadiya 18170 views
વાહન અકસ્માતના બનાવમાં સારવાર નુકસાનીનો ખર્ચ મેળવવા ખોટા પુરાવા સાથે દાવા કરાયા
કચ્છખબરડૉટકોમ, લાકડીયાઃ વાહન અકસ્માતના એક કિસ્સામાં સારવાર અને વાહનની નુકસાનીનો ખર્ચ મેળવવા માટે કૉર્ટ અને વીમા કંપનીમાં ખોટી હકીકતો સાથે ખોટા પુરાવા રજૂ કરાતા જૂના કટારીયાના યુગલ સહિત ચાર સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. ઈન્સ્યોરન્સ ક્લેમ કરનારાઓએ આપેલી વિરોધાભાસી વિગતોના આધારે વીમા કંપનીએ તપાસ કરતા ભાંડો ફૂટ્યો છે. ૨૮-૦૨-૨૦૨૩ની રાત્રે લાકડીયા પોલીસ મથકમાં શેહનાઝ ઘાંચી નામની મહિલાએ તેના પતિ ગફુર સુમારભાઈ ઘાંચીને થયેલા અકસ્માત અંગે ટેલિફોન વર્ધી લખાવી હતી.

આ વર્ધીના આધારે ગાંધીધામ મોટર એક્સિડેન્ટ ક્લેમ ટ્રિબ્યૂનલમાં ICICI લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સ કંપની વિરુધ્ધ ગફુરને થયેલી ગંભીર ઈજાના પગલે થયેલા સારવાર ખર્ચ અને નુકસાનીનું ભારે વળતર મેળવવા માટે દાવો દાખલ કરાયો હતો.

દાવામાં જણાવાયું હતું કે ૨૮-૦૨-૨૦૨૩ના રોજ ગફુર ઘાંચી ગુલમામદ જાનમામદ રાઉમા જોડે મોટર સાયકલમાં પાછળ બેસીને અજન્તા હોટેલથી કટારિયા ગામ આવતો હતો ત્યારે રસ્તામાં પથ્થર આવી જતાં બાઈક સ્લીપ થઈ ગયેલી,

જેમાં ગફુરને ગંભીર ઈજાઓ થઈ હતી. બનાવ સમયે બાઈક ગુલમામદ રાઉમા હંકારતો હતો. કૉર્ટમાં ગુલમામદનું ડ્રાઈવીંગ લાયસન્સ પણ રજૂ કરાયું હતું.

કૉર્ટના સમન્સના પગલે વીમા કંપનીએ કેસ કાગળિયા મેળવી તપાસ શરૂ કરી હતી. અકસ્માતના બનાવ અંગે કોઈ એફઆઈઆર દાખલ કરાઈ નહોતી.

કંપનીની તપાસમાં બહાર આવ્યું હતું કે ૦૬-૦૩-૨૦૨૩ના રોજ અકસ્માતગ્રસ્ત મોટર સાયકલને થયેલા નુકસાનનું વળતર મેળવવા માટે વાહન માલિક ફકીરમામદ ઓસમાણ રાઉમાએ પણ કંપનીમાં ક્લેમ કરેલો. જેમાં ફકીરમામદે પોતાનું ડ્રાઈવીંગ લાયસન્સ રજૂ કરીને જણાવ્યું હતું કે અકસ્માત સમયે બાઈક તે હંકારતો હતો!

એક જ વાહન અકસ્માતની ઘટનામાં વાહન ખરેખર કોણ હંકારતું હતું તે મુદ્દે વિરોધાભાસી વિગતો આવતાં કંપનીએ ગહન તપાસ હાથ ધરી હતી.

કંપનીએ ફકીરમામદનું નિવેદન લેતા તેણે કબૂલ્યું હતું કે ખરેખર તો ગફુર કટારિયાથી સામખિયાળી જવા બાઈક લઈને એકલો નીકળ્યો હતો અને વાહન સ્લીપ થઈ ગયેલું!

લાકડીયા પોલીસ મથકે ફોજદારી ફરિયાદ નોંધાવાઈ

ચારે જણે એકમેકની સામેલગીરીમાં ગેરકાયદે રીતે વળતર મેળવવા માટે કૉર્ટ અને વીમા કંપનીમાં ખોટા પુરાવા રજૂ કરી ખોટી વિગતો જાહેર કરીને ગુનો કર્યો હોવાનું જણાવી વીમા કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ રાજીવકુમાર મિશ્રાએ શેહનાઝ ઘાંચી અને તેના પતિ ગફુર, ગુલમામદ રાઉમા તથા ફકીરમામદ રાઉમા સામે ઈ.પી.કો. કલમ ૪૨૦, ૧૭૭, ૧૯૩, ૧૯૯, ૨૦૩, ૨૦૯, ૧૧૪ હેઠળ લાકડીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પીઆઈ જે.એમ. જાડેજાએ તપાસ હાથ ધરી છે.

Share it on
   

Recent News  
ગાંધીધામમાં વિવિધ ૩ દરોડામાં જાહેરમાં જુગાર રમતી ૧૩ મહિલા સહિત ૨૧ ખેલી ઝડપાયાં
 
લાકડીયા નજીક અજાણી કમભાગી માતાએ નવજાત દીકરાને ઉકરડામાં જીવતો ત્યજી દીધો
 
અફીણ વાવનાર ગેડીના શખ્સે ચાર્જશીટ બાદ કરેલી જામીન અરજી ભુજ NDPS કૉર્ટે ફગાવી