કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ રાજસ્થાનના નાગોરમાં રહેતા સ્ટીલ ફર્નિચરના વેપારીને એકના ચારગણાં રૂપિયા આપવાની લાલચે ભચાઉ બોલાવીને કારમાં બેસાડી છરીની અણીએ ૧.૭૦ લાખની લૂંટ કરવાના ગુનામાં પોલીસે વિધિવત્ રીતે બે આરોપીની ધરપકડ જાહેર કરી છે. સૂત્રોના દાવા મુજબ ગુરુવારે બનાવના દિવસે જ રાઉન્ડ અપ કરી દેવાયેલાં હસનશા કરીમશા શેખ અને રઝાક હસનશા શેખ (બંને રહે મદિનાનગર, ભચાઉ) ઝડપાયાં હોવાનું પોલીસે આજે સત્તાવાર જાહેર કર્યું છે. વક્રતા એ છે કે બેઉ જણને ગુપચૂપ ઉઠાવીને ગુનામાં સામેલ અંજારની જે ત્રિપુટીને પોલીસ શોધતી હતી તે ત્રિપુટી પોલીસથી વધુ ‘સ્માર્ટ’ નીકળી હોય તેમ ગાયબ થઈ ગઈ છે! પોલીસે આ ત્રિપુટીની ઓળખ જાહેર કરતાં જણાવ્યું છે કે ગુનામાં અંજારનો સમીર લાલશા શેખ, જાવેદ શેખ અને સિકંદર શેખ (રહે. ત્રણે શેખ ફળિયું, અંજાર) પણ સામેલ છે જે હજુ પકડાયાં નથી. પોલીસે ગુનામાં વપરાયેલી બલેનો કાર જપ્ત કરી છે. ઉલ્લેખનીય છે કે ચીટરોએ ભોગ બનનારને ઉપર નીચે અસલી નોટ રાખી વચ્ચે કોરાં કાગળિયાની થપ્પીઓ પધરાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ તે ચીટીંગ થતું હોવાનું પામી ગયેલો.
Share it on
|