કચ્છખબરડૉટકોમ, લાકડીયાઃ ભચાઉ તાલુકાના ઘરાણા ગામના પિતા પુત્ર વિરુધ્ધ લેન્ડગ્રેબિંગ એક્ટ તળે ફરિયાદ દાખલ કરીને લાકડીયા પોલીસે આરોપી પિતા પુત્રની અટક કરી છે. બેઉ જણે પ્લોટનું વેચાણ કર્યાં બાદ કબજો સુપ્રત કર્યો નહોતો અને ધાક ધમકી કરતા હતા. ભચાઉના લલિયાણા ગામે રહેતા વિક્રમસિંહ જાડેજાએ ફરિયાદમાં જણાવ્યું છે કે ઘરાણા ગામે રેવન્યુ સર્વે નંબર ૧૧/૧ રહેણાક હેતુ માટે બિનખેતી થયેલો પ્લોટ જાન્યુઆરી ૨૦૨૧માં તેમણે ઘરાણા ગામના મહેન્દ્ર કાનાભાઈ ડાંગર પાસેથી ખરીદયો હતો. પંચાયતના રેકર્ડ પર પ્લોટ માલિક તરીકે ફરિયાદીનું નામ પણ ચઢી ગયું હતું. પ્લોટ ખરીદયા બાદ ફરિયાદીએ તેનો કોઈ ઉપયોગ કર્યો નહોતો.
દરમિયાન મહેન્દ્ર અને તેના પિતા કાનાભાઈ રૂપાભાઈ ડાંગરે થોડાંક સમય માટે તેમને પ્લોટમાં રહેવા દેવા વિનંતી કરતા માનવતાના નાતે તેમને છૂટ આપી હતી. પિતા પુત્રએ ગેરકાયદે રીતે પ્લોટ પર મકાન ચણી નાખ્યું હતું.
૨૨૩.૨૬ ચોરસ મીટરના પ્લોટની વર્તમાન બજાર કિંમત અંદાજે ૧૩ લાખ જેટલી છે. ફરિયાદીએ જાન્યુઆરી ૨૦૨૪માં આ પ્લોટ વેચવા માટે તજવીજ હાથ ધરીને પિતા પુત્રને પ્લોટ ખાલી કરી દઈ કબજો સુપ્રત કરવા જણાવેલું.
બેઉ જણે પ્લોટ ખાલી કરવાનો ઈન્કાર કરીને ‘આ પ્લોટ અમારો છે, કોઈ ખાલી કરાવી શકશે નહીં’ કહીને ધાક ધમકી આપવાનું શરૂ કરેલું.
ફરિયાદીએ સામાજિક રાહે પણ સમાધાન લાવવા પ્રયાસો કરેલા પરંતુ કોઈ ઉકેલ ના આવતા લેન્ડગ્રેબિંગ તળે કલેક્ટરની સમિતિ સમક્ષ અરજી કરી હતી. સમિતિએ અરજીની સુનાવણી કરીને બેઉ સામે લેન્ડગ્રેબિંગ એક્ટ તળે ફરિયાદ નોંધાવવા હુકમ કરતા આજે લાકડીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે. પીઆઈ જે.એમ. જાડેજાએ બંને આરોપીની અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Share it on
|