કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ભચાઉની ગોલ્ડન હોટેલ ચોકડી નજીક ભેદી સંજોગોમાં સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં કારમાં સવાર પિતા પુત્રના મોત નીપજ્યાં છે, માતા દીકરી ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. આજે બપોરે એકાદ વાગ્યાના અરસામાં અણુશક્તિ કંપનીથી ગોલ્ડન હોટેલ વચ્ચે આવેલા સર્કલ પાસે દુર્ઘટના ઘટી હતી. ભચાઉના નંદગામના વિજયભાઈ ચંદુભાઈ ગોહિલ (ઉ.વ. ૪૦) પરિવાર સાથે લલિયાણા ગામ ગયેલાં.
લલિયાણાથી પરત ફરતી વખતે કોઈ અજાણ્યા વાહનની ટક્કરથી ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
જેમાં કાર હંકારી રહેલા વિજયભાઈ અને તેમના ૯ વર્ષના પુત્ર દીપના ગંભીર ઈજાથી મૃત્યુ નીપજ્યા હતા. દુર્ઘટનામાં વિજયભાઈના પત્ની ભાવનાબેન અને ૧૩ વર્ષની દીકરી કાવ્યાને ગંભીર ઈજાઓ પહોંચી છે.
ભાવનાબેનને બેહોશ હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયાં છે. દીકરી કાવ્યા ભચાઉની વાગડ વેલફેર હોસ્પિટલમાં સારવાર તળે છે.
દુર્ઘટનાની પ્રાથમિક તપાસ કરનાર ભચાઉના પો.સ.ઈ. જિજ્ઞાબેન ત્રિવેદીએ જણાવ્યું કે પૂરપાટ જતી કાર આગળ જતાં કોઈ ભારેખમ વાહનની પાછળ ઘૂસી જતાં દુર્ઘટના ઘટી હોય તેવું જણાય છે.
લાભ પાંચમના પર્વે ગોઝારી દુર્ઘટનાથી ઘેરો શોક છવાઈ ગયો છે.
Share it on
|