કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ભચાઉ તાલુકાના વાંઢિયા ગામે છેલ્લાં ચાર માસથી ચાલી રહેલા ખેડૂત આંદોલને આજે અણધાર્યો વળાંક લીધો છે. ભારતીય કિસાન સંઘે ખેડૂતોના પ્રશ્ને બોલાવેલી મહાસભામાં ઉમટેલાં હજારો કિસાનોએ ગાંધીધામ તરફ જતો નેશનલ હાઈવે બ્લોક કરી દેતાં બંને બાજુ સેંકડો વાહનોના થપ્પાં લાગી ગયાં છે.
અદાણી કંપની દ્વારા યોગ્ય વળતર આપ્યા વગર પોલીસ પ્રોટેક્શનના નામે ખાખીના જોરે ખેડૂતોની જમીનમાં હાઈ ટેન્શન વીજ લાઈનો અને ટાવરનું નિર્માણ કરી રહી હોવાના આરોપ સાથે છેલ્લાં ચાર માસથી વાંઢિયા કિસાન વિરોધનું કેન્દ્રબિંદુ બની રહ્યું છે. ખેડૂતોના વિરોધને ભાજપની જ ભગિની સંસ્થા ભારતીય કિસાન સંઘે સજ્જડ સમર્થન આપીને નેતૃત્વ લીધું છે. દરરોજ કિસાનોની અટકાયત, વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. જિલ્લા મથક ભુજમાં પણ કોંગ્રેસના કિસાન મોરચાએ મહાસંમેલન યોજ્યું હતું.
રામધૂન સાથે ખેડૂતોએ એકાએક કર્યો ચક્કાજામ
કિસાનોને કનડતાં વિવિધ દસ મુદ્દે આજે કિસાન સંઘે વોંધ રામદેવ પીર મંદિર પાસે મહાસભાનું આયોજન કર્યું હતું. ખેડૂતોના ખેતરોમાં કંપની દ્વારા બળજબરીપૂર્વક થાંભલા ખોડવા માટે અપાતું પોલીસ પ્રોટેક્શન તત્કાળ અસરથી બંધ કરવાની માંગણી સાથે એકાએક કિસાનોએ હાઈવે પર બેસીને ચક્કાજામ કરી દીધો છે. હાલ હજારો કિસાનો રામધૂન બોલાવીને રોડ પર બેસી ગયાં છે.
કંપનીને અપાતું પોલીસ પ્રોટેક્શન તત્કાળ બંધ કરો
કિસાન સંઘના કચ્છ જિલ્લા પ્રમુખ શિવજીભાઈ બરાડીયાએ કચ્છખબરને જણાવ્યું કે હાલતુરંત અમારી એક જ માગ છે કે કંપનીને કામ માટે અપાતું પોલીસ પ્રોટેક્શન બંધ કરવામાં આવે.
ચક્કાજામના પગલે જિલ્લા કલેક્ટર આનંદ પટેલે ખેડૂતોના એક પ્રતિનિધિ મંડળને વાટાઘાટો કરવા માટે તત્કાળ ભુજ બોલાવ્યું છે. આ પ્રતિનિધિ મંડળ અહીંથી રવાના થયું છે.
જો સકારાત્મક ઉકેલ નહીં આવે તો ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પ્રદેશ કિસાન સંઘ દ્વારા ચક્કાજામનો કોલ અપાશે. આગામી વીસમીએ કિસાન સંઘના તમામ જિલ્લા એકમોના હોદ્દેદારોની એક બેઠક બોલાવાઈ છે જેમાં આ લડતને ગાંધીનગર સુધી લઈ જવા માટે વિચારણા કરાશે.
Share it on
|