click here to go to advertiser's link
Visitors :  
22-Apr-2026, Wednesday
Home -> Bhachau -> Extra Marital Affairs Turned into Murder Case Read More About Vondh Murder Case
Tuesday, 21-Apr-2026 - Bhachau 2549 views
ભચાઉઃ ‘આડા સંબંધ’માં નડતાં પ્રેમિકાના સસરાંને પ્રેમીએ ગોળી ધરબીને પતાવી દીધો
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ભચાઉના વોંધ ગામે મોટા બાપાની પુત્રવધૂ જોડે ભત્રીજાના લગ્નેતર સંબંધોનો કરુણ અંજામ આવ્યો છે. મહિલા સાથે આડા સંબંધ રાખનાર ભત્રીજાએ આજે લોહીતરસ્યાં બનીને મોટા બાપાની છાતીમાં ગોળી ધરબીને હત્યા કરી નાખી છે.
નાનાં ભાઈના પુત્રએ મોટા બાપાને પતાવી દીધા

મરણ જનાર ૮૦ વર્ષિય હરિદાસ ત્રિભુવનદાસ સાધુ ભચાઉના વોંધ ગામે મફતપરા વિસ્તારમાં રહેતા હતા. પાંચ ભાઈ અને બે બહેનોમાં હરિદાસ સૌથી મોટાં હતા. હરિદાસને સંતાનમાં દીકરી કલાવતી અને દીકરો હસમુખ છે, બેઉ સંતાનો પરિણીત અને બચરવાળ છે.  મોટી દીકરી નજીકના પાંકડસર ગામે પતિ પરિવાર સાથે રહે છે જ્યારે તેનાથી નાનો દીકરો હસમુખ તેની પત્ની પુષ્પા, બે દીકરા, એક દીકરી અને માતા પિતા સાથે વોંધ ગામે રહે છે. હરિદાસનો નાનો ભાઈ ઘનશ્યામદાસ હતો જે ગુજરી ગયેલો છે. ઘનશ્યામદાસના બે પુત્રો મહેશ અને મુકેશ પણ વોંધમાં રહે છે.

મુકેશ પણ પરણિત અને વસ્તારી છે. તેને હસમુખની પત્ની પુષ્પા જોડે છેલ્લાં ત્રણ ચાર વર્ષથી લગ્નેતર સંબંધો છે. પુષ્પાને લઈને અગાઉ તે ચાર વખત ભાગી ગયેલો અને દર વખતે પુષ્પાને પતિ તથા સાસરિયાં પરત ઘરે લઈ આવેલાં. મુકેશ અને પુષ્પાના આડા સંબંધો જગજાહેર હતા.

આ બાબતને લઈને હરિદાસ અને હસમુખની મુકેશ જોડે અવારનવાર બોલાચાલી પણ થતી રહેતી. ગઈકાલે સાંજે હરિદાસ અને હસમુખની મુકેશ જોડે માથાકૂટ થયેલી. જેના લીધે મુકેશે બાપ બેટાને મારી નાખવાનો પ્લાન બનાવેલો.

વોંધના પુલિયા નીચે મુકેશ ટાંપીને બેઠેલો

આજે સવારે હત્યારો મુકેશ પુષ્પાના સસરાં હરિદાસ અને પતિ હસમુખ આવે તેની રાહ જોઈને વોંધના પુલિયા નીચે તલવાર અને તમંચા સાથે ટાંપીને બેઠો હતો. વોંધ ચોકડીએ હરિદાસની નિત્ય બેઠક હતી અને પુત્ર તેમને રોજ રીક્ષામાં અહીં ઉતારી જતો.

આજે સવારે દસેક વાગ્યે જેવા હરિદાસ રીક્ષામાંથી નીચે ઉતર્યાં કે મુકેશે મ્યાનમાંથી ધારદાર તલવાર કાઢીને તેમને કાપી નાખવા ઉગામી હતી. હરિદાસે બચવા માટે સામે લાકડી ઉગામતાં મુકેશે ભેઠમાંથી તમંચો કાઢીને હરિદાસની છાતીમાં ડાબી બાજુએ એક રાઉન્ડ ફાયર કર્યો હતો.

ગોળી વાગતાંની સાથે જ હરિદાસ લોહીલુહાણ બનીને જમીન પર ઢળી પડ્યાં હતા. હરિદાસને ઢાળી દીધા બાદ તેમના પુત્ર અને પોતાની પ્રેમિકાના પતિ હસમુખને પણ પતાવી દેવાનો મુકેશનો મનસૂબો હતો.

લોહીતરસ્યો મુકેશ હવે પોતાને પણ મારી નાખશે તેવા ભયથી હસમુખ ઘર બાજુ નાઠેલો. હરિદાસને પતાવી દીધા બાદ મુકેશ હસમુખની હત્યા કરવા તેના ઘરે પહોંચેલો.

જો કે, ઘરે હસમુખની માતા તથા સંતાનોની રાડારાડ અને લોકોની ભીડ એકઠી થઈ જતાં મુકેશ તેને મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી ભાગી ગયેલો.

દીકરીએ હત્યારાના મોંઢે પિતાની હત્યાની વાત ફોન પર જાણી 

હસમુખ હાંફળો ફાંફળો થઈને ઘરે પહોંચ્યો ત્યારે માતા ભાવનાબેન પાંકડસર રહેતી દીકરી કલાવતી જોડે ફોનમાં વાતો કરતા હતા. મુકેશને જોઈને માએ કાંપતા સ્વરે દીકરીને કહેલું કે ‘મુકેશ અમને મારવા આવ્યો છે, તેના હાથમાં બંદૂક છે’ નાસભાગ અને રાડારાડી વચ્ચે માતાના હાથમાં રહેલો ફોન નીચે પડી ગયેલો પરંતુ કૉલ કટ થયો નહોતો. કલાવતીએ મુકેશને એવું બોલતાં સાંભળેલો કે ‘હરિદાસને આજે ગોળી મારીને પતાવી દીધો છે’ અજુગતું થઈ ગયું હોવાનું પામી જઈને કલાવતી તરત પતિ જોડે વોંધ દોડી આવેલી.

સંબંધોની વક્રતા તો જૂઓ કે મુકેશની દીકરીની સગાઈ કલાવતીના દીકરા જોડે થયેલી છે. આ જ કલાવતીએ આજે પિતાની હત્યા બદલ વેવાઈ મુકેશ સામે ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

હત્યા કર્યા બાદ મુકેશ ગામના સીમાડાઓમાં લપાઈ ગયેલો. ચૂંટણી ટાણે જાહેરમાં ગોળી મારીને હત્યાનો બનાવ બનતાં ચોંકી ઉઠેલાં રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને એસપી સાગર બાગમારના સૂચના અને નિર્દેશ મુજબ નાયબ પોલીસ અધીક્ષક સાગર સુંબડાએ ભચાઉના પીઆઈ ડી.ડી. ઝાલા સાથે લોકલ ક્રાઈમ બ્રાન્ચની જુદી જુદી ટીમ બનાવીને આરોપીને ઝડપી પાડવા કામે લગાડી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં મુકેશની ધરપકડ કરી લીધી છે. મુકેશે તમંચો અને તલવાર છૂપાવી દીધા છે. તેને શોધવા આવતીકાલે પોલીસ સઘન પ્રયાસ હાથ ધરશે.

Share it on
   

Recent News  
ભુજમાં AIMIMના કાર્યકરના ભાઈને ધાક ધમકીઃ નાસ્તાની હાથલારીનો વકરો ઝૂંટવી લેવાયો
 
ભુજના ‘રસિકલાલ આઈસ્ક્રીમ’માંથી એક્સપાયર્ડ એસેન્સ, ફ્લેવર, કલરનો જથ્થો મળ્યો
 
બેસતાં વર્ષના દિવસે માનકૂવામાં યુવકની સરાજાહેર હત્યા કરનાર હત્યારાને આજીવન કેદ