સામખિયાળી PHCની જમીન પર રાતોરાત ચણી દેવાયેલી ચારે દુકાન પર બુલડોઝર ફરી વળ્યું
કચ્છખબરડૉટકોમ, સામખિયાળીઃ સામખિયાળી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની રોડટચ લગડી જેવી મિલકતમાં રાતોરાત તોડફોડ કરી ૧૫ મીટર પહોળી અને ૩૮ મીટર લાંબી જમીન પર ચણી દેવાયેલી ચાર દુકાનો પર આજે બુલડોઝર ફેરવી દેવાયું છે.
Video :
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે પંચાયત અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રએ સંયુક્ત કાર્યવાહી હાથ ધરી ચારે દુકાનો પર બુલડોઝર ફેરવી દીધું હતું. કાર્યવાહીને નિહાળવા મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયાં હતાં.
દરમિયાન, આ મામલે દબાણકારે હાઈકૉર્ટમાં ગુજરાત પંચાયત ધારા મુજબ દબાણ હટાવતાં પહેલાં ૭ દિવસની નોટીસ આપવાનો, દબાણકારની રજૂઆત ધ્યાને લઈ દબાણ હટાવવાનો ઠરાવ કરીને ૭ દિવસ બાદ જ દબાણ હટાવની કામગીરી થઈ શકે તે મુદ્દે રજૂઆત કરતાં હાઈકૉર્ટે બે દિવસ સુધી દબાણ હટાવ ઝુંબેશ પર બ્રેક મારી યથાવત્ પરિસ્થિતિ જાળવી રાખવા હુકમ કરતાં ઓપરેશન ડિમોલીશન મોકૂફ રખાયું હતું. તંત્રએ ચારે દુકાનો જમીનદોસ્ત કરી દીધી હતી, પરંતુ દુકાનો પાછળનું અન્ય પાકાં બાંધકામ માટેનું ફાઉન્ડેશન વગેરે દૂર થયું નથી. હાઈકૉર્ટ બુધવારે બંને પક્ષોની સુનાવણી હાથ ધરશે.
કચ્છખબરના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મિલકત પર ગત ફેબ્રુઆરીમાં રાતોરાત દબાણ થઈ ગયું હોવાનો ૨૩-૦૬-૨૦૨૩ના રોજ કચ્છખબરે સૌપ્રથમ અહેવાલ પ્રગટ કર્યો હતો. આ અહેવાલને ગંભીરતાથી લઈ જિલ્લા કલેક્ટર અમિત અરોરા અને જિલ્લા વિકાસ અધિકારી એસ.કે. પ્રજાપતિ તુરંત હરકતમાં આવ્યાં હતાં. કચ્છખબરના અહેવાલના બીજા જ દિવસે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઑફિસર સુનીલ જાનીએ દુકાનો ચણી લેનારા રાજેશ હરધોર મણકા નામના શખ્સ અને તેના સાગરીતો સામે સામખિયાળી પોલીસ મથકે જાહેર સંપત્તિમાં નુકસાન કરી, દવાખાનાની સરકારી જમીન પર પેશકદમી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફોજદારી ફરિયાદ નોંધાવી ગેરકાયદે દબાણને ૧ કલાકમાં હટાવી લેવાની નોટીસ ફટકારી હતી. સામખિયાળી ગ્રામ પંચાયતે પણ દબાણકારને ૧ દિવસની મહેતલ આપી દબાણ હટાવી લેવા નોટીસ ફટકારી હતી. દબાણકારે હાઈકૉર્ટમાં રજૂઆત કરતાં હાઈકૉર્ટે સ્ટે આપ્યો હતો. પરંતુ, સ્ટેની મુદ્દત પૂરી થઈ જતાં આજે પંચાયત અને PHCએ સંયુક્ત કામગીરી હાથ ધરી ચારે દુકાનો જમીનદોસ્ત કરી નાખી હતી. PHCના મેડિકલ ઑફિસરે જણાવ્યું કે દબાણકાર સામે અમે લેન્ડગ્રેબિંગ એક્ટ તળે કલેક્ટરને પણ અરજી કરેલી છે.