click here to go to advertiser's link
Visitors :  
16-Aug-2026, Sunday
Home -> Bhachau -> East Kutch SOG nabs two paddlers with Ganja worth Rs 18.55 Lakh
Tuesday, 16-Jun-2026 - Bhachau 29598 views
ડબ્બામાં ઉપર અથાણું ને નીચેથી નીકળ્યો ૧૮.૫૫ લાખનો ૩૭ કિલો ગાંજો!
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ પૂર્વ કચ્છ પોલીસ દળના સ્પેશિયલ ઓપરેશન ગૃપે ગત મોડી રાત્રે ભચાઉના નંદગામ પાસે સર્વિસ રોડ પર ઓપરેશન હાથ ધરીને ૧૮.૫૫ લાખ રૂપિયાની કિંમતના ૩૭ કિલો ૧૦૦ ગ્રામ ગાંજા સાથે ઓડિશાના બે ખેપિયાની ધરપકડ કરી છે. બેઉ યુવકો ટ્રેન મારફતે ઓડિશાથી ગાંજો લઈને અહીં સ્થાનિક માણસોને સપ્લાય કરવા આવેલાં. તેમની અંગ ઝડતીમાંથી SOGએ બે મોબાઈલ ફોન, રેલવે ટિકિટ, રોકડાં રૂપિયા વગેરે કબજે કર્યાં છે.
મોડી રાત્રે સર્વિસ રોડ પર ડબ્બા સાથે ઊભેલાં

બાતમીના આધારે પોલીસે નંદગામ પાસે સર્વિસ રોડ પર આવેલી ન્યૂ બાબા રામદેવ હોટેલ નજીક પ્લાસ્ટિકના કોથળાઓ સાથે ઊભેલાં રુદ્રપ્રધાન બાબુલાલ પ્રધાન (કુર્મી) (ઉ.વ. ૨૫ રહે. ગંજમ, ઓડિશા) અને પિન્ટુ બંસીધર દાસ (ઉ.વ. ૨૬, ગંજમ, ઓડિશા)ને દબોચી લીધા હતા. પ્લાસ્ટિકના કોથળાઓની અંદર એલ્યુમિનિયમના બે મોટાં ડબ્બા રાખેલાં હતા.

ઉપર કેરીનું અથાણું ને નીચેથી નીકળ્યો ગાંજો

પોલીસે ડબ્બાઓ ખોલી ચેક કરતાં તેમાં કેરીનું અથાણું ભરેલું હતું. જો કે, બાતમી પાક્કી હોઈ પોલીસે અથાણું ખાલી કરાવતાં પોલીસની આંખમાં ધૂળ નાખાવાનો કારસો બહાર આવ્યો હતો. અથાણું ડબ્બાની ઉપરની સપાટી પર હતું અને વચ્ચે પ્લાસ્ટિકની ટેપથી ગોળ આડશ યા પડ બનાવેલું હતું જેની નીચે ગાંજો ભરેલો હતો.

ખેપ પેટે પ્રતિ કિલો ગાંજાએ ૩ હજારનું મહેનતાણું

પોલીસે ટ્રેનની ટિકિટ ચેક કરતાં બેઉ જણ ઓડિશાના જારસુગુડાથી ભુજ શાલિમાર ટ્રેનમાં બેસીને ગાંધીધામ આવ્યા હતા. બેઉ જણને ગાંજાની ખેપ મારવા પેટે પ્રતિ કિલોગ્રામ ૩ હજાર રૂપિયા મહેનતાણું મળવાનું હતું. જો કે, ઓડિશાના સપ્લાયર અને સ્થાનિક રીસીવર અંગે તેમણે અજાણતા વ્યક્ત કરી છે. બેઉ યુવકોની ઝીણવટભરી પૂછપરછ હાથ ધરાઈ છે.

ઓડિશાથી કચ્છ વચ્ચે ગાંજાનું નેટવર્ક ખૂલવાની શક્યતા

ઓડિશાથી ટ્રેનો મારફતે ગુજરાતમાં વર્ષોથી મોટાપાયે જથ્થાબંધ ગાંજો સપ્લાય થતો રહ્યો છે. સામાન્ય રીતે ગાંજાનું છૂટક વેચાણ કરનારાં લોકો બે-પાંચ કિલો ગાંજા સાથે ઝડપાય છે પરંતુ મુખ્ય સૂત્રધારો કદી હાથ લાગતાં નથી. ત્યારે, બંનેની પૂછપરછમાં કચ્છથી ઓડિશા વચ્ચે ગાંજાના નેટવર્કનો પર્દાફાશ થાય તેવી શક્યતા છે.

પોલીસ દરોડા પાડીને મોટી માત્રામાં દારૂ, ગાંજો કે ડ્રગ્ઝ પકડીને વાહ વાહી મેળવી લે છે ત્યારબાદ તપાસની પ્રગતિ અને તપાસમાં અન્ય આરોપીઓની સંડોવણી અંગેની વિગતો ‘વહીવટી કારણોસર’ કદી જાહેર જ થતી નથી તે પણ વરવી વાસ્તવિક્તા છે.

એટલું જ નહીં, તપાસની ખામીઓ અને મજબૂત પુરાવાના અભાવે પાછળથી મોટાભાગના કેસોમાં આરોપીઓ જામીન મુક્તિ મેળવી ટ્રાયલમાં નિર્દોષ ઠરતાં રહે છે. હાલ આ કેસની તપાસ ગાગોદર પીઆઈ એમ.જે. હોણને સુપરત કરાઈ છે.

Share it on
   

Recent News  
ટંકારાના મામલતદારના ભુજમાં આવેલા બંધ ઘરમાં મોટી ચોરીથી પોલીસમાં દોડધામ
 
સામખિયાળીઃ ૧૧ વર્ષની દીકરીની લાંબા સમયથી જાતીય સતામણી કરતો યુવક ઝડપાયો
 
આદિપુરઃ વિમાનમાં ઉડી રોયલ લાઈફ માણવા ૧ કરોડનો માલ ચોરનાર બે નેપાળી કામવાળી પકડાઈ