|
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ પોણા સાત વર્ષ અગાઉ ૨૧ વર્ષના યુવક પર છરી વડે ઘાતક હુમલો કરી હત્યા નીપજાવી મોબાઈલ ફોન લૂંટી લેનારા ૧૮ ગુનાના આરોપી એવા ભચાઉના ખૂંખાર શબ્બિર ઊર્ફે સબલો ઊર્ફે બબીડો ઉમર ભટ્ટીને કૉર્ટે સખ્ત જનમટીપની સજા ફટકારી છે. ગત ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ સાંજે ૭.૩૦ના અરસામાં ભચાઉના માનસરોવર ત્રણ રસ્તા પાસે શબ્બિર સહિતના ત્રણ જણે ઘાતકી હત્યાને અંજામ આપ્યો હતો. છરીથી ઘાતકી હુમલો કરી મોબાઈલ લૂંટી લીધેલો
ભચાઉના મણિનગરમાં રહેતો અને સિમેન્ટની બોરીઓ ઊંચકવાનું કામ કરતો મહેશ ઊર્ફે હડો કાનાભાઈ મહાલિયા સાંજે રોડ પર અનવર ભટ્ટીના ગેરેજ પાસે ફોન પર વાતો કરતો હતો. ત્યારે શબ્બિર, કિશોર વયનો તેનો ભાઈ અને અન્ય એક કિશોર વયના આરોપીએ ટ્રીપલ સવારી બાઈક ચલાવી તેની પાસે આવીને તેનો મોબાઈલ ફોન ઝૂંટવવા પ્રયાસ કરેલો.
મહેશે પ્રતિકાર કરતાં ત્રણે જણ તેને ખેંચીને દુકાનના ખાંચામાં લઈ ગયેલાં. બે જણે મહેશને પકડી રાખેલો અને શબ્બિરે ઝનૂનપૂર્વક છાતી, ફેફસાં, મોઢાં સહિતના અંગો પર ધારદાર છરીથી સાત ઘા ઝીંકી દીધા હતા.
મહેશ લોહીલુહાણ થઈને ઢળી પડેલો અને ત્રિપુટી તેનો મોબાઈલ ફોન લૂંટીને બાઈક પર નાસી ગયેલી.
સારવાર મળે તે અગાઉ મહેશનું મોત થયેલું
મહેશની હત્યાને તેના બે સંબંધી યુવકો મનોજ રમેશ કોલી અને કરસન મંગા કોલીએ નજરોનજર નિહાળેલી. બેઉ જણે બનાવ અંગે મહેશના પિતાને જાણ કરતાં પિતા સહિતના સંબંધીઓ સ્થળ પર દોડી આવેલાં. મહેશને ઑટો રીક્ષામાં નાખી સરકારી હોસ્પિટલે લઈ જવાયેલો પરંતુ તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
કૉર્ટે હત્યા અને લૂંટ બદલ દોષી ઠેરવી સજા ફટકારી
હત્યાના આ બનાવમાં ૬૪ દસ્તાવેજી આધાર પુરાવા અને ૨૭ સાક્ષીઓ સાથે ભચાઉના તત્કાલિન પોલીસ ઈન્સ્પેક્ટર ભાવિન બી. સુથારે શબ્બિર સામે તહોમતનામું દાખલ કરેલું. આજે ભચાઉના ત્રીજા અધિક સેશન્સ જજ અંદલિપ તિવારીએ શબ્બિરને હત્યા અને લૂંટ માટે દોષી ઠેરવી ઈપીકો કલમ ૩૦૨ હેઠળ આજીવન સખ્ત કારાવાસ સાથે ૫ હજાર રૂપિયાનો દંડ તથા ઈપીકો કલમ ૩૯૭ હેઠળ ૭ વર્ષના સખ્ત કારાવાસ અને ૧ હજારના દંડની સજા ફટકારી છે. અન્ય બે સહઆરોપી કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો હોઈ તેમની સામેનો કેસ જૂવેનાઈલ કૉર્ટમાં ટ્રાન્સફર થયો હતો.
તડીપાર શબ્બિર પર ૨૦૧૫માં પણ હત્યાનો ગુનો નોંધાયેલો
મહેશની હત્યાના બનાવ અગાઉ શબ્બિર પર હત્યા, વાહનચોરી, ઘરફોડ, મારામારી, લૂંટ, હથિયાર બંધીના જાહેરનામાના ભંગ સહિતના ૧૮ ગુના દાખલ થયાં હતા. ૨૪-૦૯-૨૦૧૫ના રોજ શબ્બિરે લૂંટના હેતુથી હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાયેલી. મહેશની હત્યાના આગલા જ મહિને તેને તડીપાર કરાયો હતો.
સરકારી વકીલ જાડેજાએ કહ્યુંઃ મહત્તમ સજા ફટકારો
શબ્બિરે મોબાઈલ ફોન ખાતર એક નિર્દોષ અને નિઃશસ્ત્ર યુવક પર ઘાતકી હુમલો કરી હત્યા કરીને જઘન્ય ગુનો આચર્યો હોવાનું તથા આ ગુનો સમાજને અસર કરતો હોવાનું જણાવી ભચાઉના સરકારી વકીલ ધર્મેન્દ્રસિંહ એસ. જાડેજાએ તેને મહત્તમ સજા કરવા કૉર્ટમાં રજૂઆત કરી હતી. સમગ્ર કેસ અંડર ટ્રાયલ પ્રિઝનર તરીકે ચાલ્યો છે. આ કેસમાં સરકારી વકીલ એમ.આર. જાડેજા પણ સહયોગી રહ્યાં હતા.
Share it on
|