કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ દારૂની ખેપ મારતી વખતે ભચાઉમાં પોલીસે અટકાવવા પ્રયાસ કરતાં પોલીસ પર જીપ ચઢાવી હત્યાનો પ્રયાસ કરવાના ગુનામાં ઝડપાયેલા મોટી ચીરઈના રીઢા બૂટલેગર યુવરાજ અને સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરીની જામીન અરજી કૉર્ટે ફગાવી દીધી છે. ગત ૩૦-૦૬-૨૦૨૪ની સાંજે ગુનો બન્યો હતો. જેમાં પોલીસે બેઉ સામે તપાસ પૂર્ણ કરીને ચાર્જશીટ દાખલ કર્યાં બાદ બેઉ આરોપીએ નિયમિત જામીન અરજી કરી હતી. પાછળથી નીતાના વકીલે કૉર્ટમાં નિયમિત જામીનના બદલે ૪૦ દિવસના વચગાળાના જામીન આપવા રજૂઆત કરી હતી. બંને પક્ષની દલીલો સાંભળ્યાં બાદ ભચાઉ સેશન્સ કૉર્ટે નીતાની જામીન અરજી ફગાવી દેતાં જણાવ્યું કે અગાઉ ગુનાની ગંભીરતાને જોઈ આ કૉર્ટે મેજિસ્ટ્રેટે આપેલા જામીન રદ્દ કરેલાં. ત્યારબાદ આરોપી નાસી ગયેલી અને ભારે પ્રયાસો બાદ પોલીસે તેને ઝડપી હતી. એ જ રીતે, રીઢા બૂટલેગર યુવરાજનો ગુનાહિત ભૂતકાળ, પોલીસથી તે નાસતો રહ્યો હોવાના તથા પોલીસ પર જીપ ચઢાવી દેવાના ગુનાની ગંભીરતાને અનુલક્ષીને કૉર્ટે તેની જામીન અરજી પણ નામંજૂર કરી છે. ત્રીજા અધિક સેશન્સ જજ અંદલિપ તીવારીએ આજે બેઉની જામીન અરજી નામંજૂર કરી છે. બંને કેસમાં સરકાર તરફે એડવોકેટ ડી.એસ. જાડેજાએ હાજર રહી દલીલો કરી હતી.
Share it on
|