click here to go to advertiser's link
Visitors :  
04-Nov-2025, Tuesday
Home -> Bhachau -> Bhachau Police detects murder case Arrests accused
Wednesday, 17-Sep-2025 - Bhachau 51472 views
હાથના પંજા લડાવવાની મસ્તીમાં થયેલી માથાકૂટ મોત બની ગઈઃ ભચાઉનો મર્ડર કેસ ડિટેક્ટ
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ભચાઉના નંદગામ નજીક ૩૪ વર્ષિય યુવકની માથામાં પથ્થર ઝીંકી હત્યા કરવાના ગુનાનો ભેદ ઉકેલીને ભચાઉ પોલીસે આજે સત્તરમા દિવસે આરોપીની વિધિવત્ ધરપકડ કરી લીધી છે. મસ્તી ખાતર એકબીજાના હાથનો પંજો લડાવવામાં બે મિત્રો લડી પડેલાં અને તેમાં હત્યા જેવી ઘટના બનવા પામી હોવાનું તપાસમાં ખૂલ્યું છે.

ગત ૧ સપ્ટેમ્બરની બપોરે નંદગામ પાસે એચ.પી. પેટ્રોલ પંપ નજીક પડતર જમીન પરથી હર્ષ રાજુભાઈ શર્મા (ઉ.વ. ૩૪)નો માથામાં લોહી નીંગળતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મરણ જનાર હર્ષ નજીકની ચામુંડા હોટેલમાં મજૂરી કરતો હતો અને હોટેલમાં જ રહેતો જમતો હતો.

હાથના પંજા લડાવવામાં મિત્રો બાખડી પડેલાં

નજીક આવેલી ફેક્ટરીમાં કામ કરતો શ્યામકુમારસિંહ હરિહરસિંહ (ઉ.વ. ૪૩ રહે. ગોરખપુર, યુપી) અવારનવાર હોટેલ પર આવતો જતો હતો. હર્ષ અને શ્યામ બેઉ મિત્રો બની ગયેલાં. બનાવની સવારે શ્યામ હર્ષને મળવા આવેલો. વાત-વાતમાં બેઉ જણે બળાબળના પારખાં કરવા માટે એકમેકના હાથનો પંજો લડાવેલો. તે સમયે કોનો પંજો નમી ગયો તે મુદ્દે બેઉ વચ્ચે ઝઘડો થઈ ગયેલો.

નશાની હાલતમાં રહેલા હર્ષના હાથમાં કાતર આવી જતાં તેણે ઉશ્કેરાટમાં આવીને શ્યામના માથામાં સ્હેજ કાતર ઝીંકી દીધેલી. બાદમાં શ્યામ ગમ ખાઈને પાછો જતો રહેલો.

બપોરે ફરી તે હર્ષને મળવા આવેલો અને સવારની બોલાચાલી મામલે નમતું જોખવાનો ડોળ કરીને હર્ષને નિર્જન ખેતર પાસે લઈ આવેલો. જ્યાં મોકો મળ્યે હર્ષની નજર ચૂકવીને તેના માથામાં પથ્થર વડે જોરદાર પ્રહાર કર્યો હતો. ગંભીર ઈજાથી હર્ષ સ્થળ પર ઢળી પડતાં શ્યામ નાસી છૂટ્યો હતો.

પોલીસથી બચવા નાસી ગયેલો, ફરી આવ્યો ને ઝડપાયો

પોલીસથી બચવા તે ગાંધીધામ આવી ટ્રેનમાં બેસીને સુરત અને અંકલેશ્વર બાજુ નાસી ગયો હતો. વતનમાં પોલીસ પોતાની શોધખોળ કરતી હોઈ વતન જવાના બદલે આમતેમ રખડતો રહી નોકરીની શોધમાં ગાંધીધામ આવ્યો હતો. બાતમી મળતાં પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. ભચાઉ પીઆઈ એ.એ. જાડેજા અને પીએસઆઈ ડી.જે. ઝાલા સહિતની ટીમે ગુનાના ડિટેક્શન માટે દોડધામ કરી હતી.

Share it on
   

Recent News  
દીકરીના પ્રેમલગ્નની અદાવતમાં બિદડામાં સરાજાહેર હત્યાઃ વૃધ્ધ મહિલાને જામીનની ના
 
પતિની મદદથી પડાણાના યુવકના ૫.૫૮ કરોડ પડાવવાના ગુનામાં મુંબઈની સીમરનની ધરપકડ
 
ગાંધીધામના આંગડિયા સંચાલકનું અપહરણ કરવાના ગુનામાં વધુ એક ખૂંખાર આરોપી ઝડપાયો