કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ‘તું સારી દેખાતી નથી’ પતિના વારંવારના આવા મહેણાં ટોણાં અને માનસિક ત્રાસના કારણે પત્નીએ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. પતિ સામે પત્નીને મરવા મજબૂર કરવાનો ગુનો નોંધાતાં ૭ વર્ષની દીકરી, ૪ અને ૨ વર્ષના બે માસૂમ પુત્ર નોંધારા બન્યાં છે. શુક્રવારે રાત્રે ભચાઉમાં ભાડાના મકાનમાં પતિ અને સંતાનો સાથે રહેતી ૨૬ વર્ષની સપનાએ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. મરતાં પૂર્વે સપનાએ સ્યુસાઈડ નોટ લખેલી, જેમાં તેણે લખ્યું હતું કે ‘પતિની જીદ્દ અને ત્રાસના લીધે હું આપઘાત કરું છું’ સપના મધ્યપ્રદેશના મુરૈનાની વતની હતી અને ૮ વર્ષ અગાઉ ૨૦૧૬માં તેના લગ્ન સામાજિક રીતરિવાજ મુજબ મધ્યપ્રદેશના ભીંડમાં રહેતા જીતેન્દ્રસિંગ રામકિશોર જાટવ સાથે થયાં હતાં.
પુત્રીના આપઘાતના પગલે ભચાઉ દોડી આવેલા પિતા મુન્નાલાલ જાટવે પોલીસને જણાવ્યું કે ૪ મહિના અગાઉ સપના પિયરમાં આઠ દિવસ રોકાવા આવેલી. તે સમયે તેણે કહ્યું હતું કે હું સારી નથી દેખાતી કહીને જીતેન્દ્ર મને અવારનવાર ટોણાં મારીને માનસિક ત્રાસ આપ્યાં કરે છે.
ભચાઉ પોલીસે મુન્નાલાલે આપેલી ફરિયાદના આધારે જીતેન્દ્ર સામે પત્નીને મરવા મજબૂર કરવાની કલમો તળે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Share it on
|