કચ્છખબરડૉટકોમ, ભુજઃ નજીવી બાબતે દલિત યુવકને જાતિ અપમાનિત કરીને છરીથી હુમલો કરવાના ૨૦૧૭ના ગુનામાં ભચાઉની વિશેષ એટ્રોસીટી કૉર્ટે આરોપીને દોષી ઠેરવી ૩ વર્ષની સખ્ત સજા સાથે ચાર હજારનો દંડ ફટકાર્યો છે. હુમલાનો બનાવ ૧૬મી ફેબ્રુઆરી ૨૦૧૭ના રોજ બન્યો હતો. ફરિયાદી દિનેશ જગદીશભાઈ દાફડા તેના બે મિત્રો સાથે ભચાઉ કૉર્ટ સામે આવેલા મેદાનમાં ક્રિકેટ રમતો હતો ત્યારે ત્યાં રામચંદ્ર ઊર્ફ ભચુ ખેતા કોલી (ઉ.વ. ૨૨) આવ્યો હતો. ભચુએ પોતાને ક્રિકેટ રમવું હોવાનું જણાવીને ફરિયાદી જોડે માથાકૂટ કરેલી. ઉશ્કેરાઈને દિનેશને તેણે જાતિ અપમાનિત કરી ડાબા સાથળમાં છરી મારી દીધી હતી.
આ ગુનામાં ભચાઉ એટ્રોસીટી કૉર્ટના સ્પે. જજ અંદલિપ તિવારીએ ભચુને ઈપીકો કલમ ૩૨૪ હેઠળ દોષી ઠેરવી ૩ વર્ષની સખ્ત કેદ અને બે હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કૉર્ટે એટ્રોસીટી એક્ટ તળે પણ ભચુને ૩ વર્ષની સખ્ત કેદ અને બે હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે.
કૉર્ટ સમક્ષ ૧૧ સાક્ષી અને ૧૧ દસ્તાવેજી પૂરાવા રજૂ કરાયાં હતાં. ભચાઉના અધિક જિલ્લા સરકારી વકીલ ધર્મેન્દ્રસિંહ એસ. જાડેજાએ ફરિયાદ પક્ષે પેરવી કરી તહોમત પૂરવાર કરીને મહત્તમ સજા અપાવવા માટે દલીલો કરી હતી.
Share it on
|