click here to go to advertiser's link
Visitors :  
12-May-2026, Tuesday
Home -> Bhachau -> Bhachau Court orders 10 year RI to two sibling in POCSO case
Monday, 11-May-2026 - Bhachau 1512 views
ફિલ્મી ઢબે બાળાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર સુવઈના બે સગાં ભાઈને ૧૦ વર્ષની કેદ
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ૧૬ વર્ષની બાળાનું અપહરણ કરી પોતાની વાડીએ લઈ જઈને દુષ્કર્મ આચરવાના ગુનામાં ભચાઉની ખાસ પોક્સો કૉર્ટે બે સગાં ભાઈને ૧૦-૧૦ વર્ષના સખ્ત કારાવાસની સજા ફટકરી છે. કૉર્ટે પીડિત બાળાને પાંચ લાખ રૂપિયા વળતર ચૂકવવા હુકમ કર્યો છે. ૨૭ ઑગસ્ટ ૨૦૧૯ની સાંજે પાંચ વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. ગુનાનો ભોગ બનનાર બાળા શાક બકાલું લેવા આધોઈની માર્કેટમાં જવા નીકળી હતી ત્યારે ઘર નજીક બાઈક લઈને આવેલા રાજેશ મનજી ધેડા (રહે. સુવઈ, રાપર)એ તેને આંતરી હતી.
આ રીતે અપહરણ કરી ગુનો આચરેલો

રાજેશે ‘ક્યાં જાય છે?’ પૂછીને આધોઈ માર્કેટમાં ઉતારી દેવાનું કહી બાઈક પર બેસી જવા જણાવેલું. પીડિતા આનાકાની કરતી હતી ત્યાં અન્ય બાઈક પર રાજેશનો ભાઈ મહેશ આવ્યો હતો. મહેશની બાઈક પર મનજી દેવા કોલી અને વીરુ કોલી નામના સુવઈના અન્ય બે યુવકો પણ સવાર હતા.

મહેશે પીડિતાને તેના ભાઈ રાજેશની બાઈક પર બેસી જવા અને ના બેસે તો છરી મારવાની ધમકી આપીને પીડિતાને પકડીને પરાણે વચ્ચે બેસાડી પોતે તેની પાછળ બેસી ગયો હતો. રાજેશ બાઈક હંકારીને પીડિતાને લઈને સીધો સુવઈ ડેમ નજીક આવેલી પોતાની વાડીએ પહોંચ્યો હતો.

પાછળ મનજી અને વીરુ બાઈક લઈને આવેલાં. રાત્રિના સમયે રાજેશે પીડિતાની મરજી વિરુધ્ધ દુષ્કર્મ આચરેલું. જો કે, પીડિતાની બૂમાબૂમના પગલે આજુબાજુની વાડીમાં કામ કરતાં લોકો એકઠાં થઈ ગયેલાં અને તેમણે રાજેશના મામાને ફોન કરી જાણ કરેલી. રાજેશના મામા વાડી પર આવેલા અને પીડિતાને લઈને પરત તેના પરિવારજનોને સુપ્રત કરી દીધી હતી.

પીડિતાએ બીજા દિવસે પોતાના મામા અને અન્ય પરિવારજનો સાથે સામખિયાળી પોલીસ મથકે રૂબરૂ જઈને ફરિયાદ નોંધાવેલી. પોલીસે પીડિતાનું CrPC ૧૬૪ હેઠળ જ્યુ. મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોંધેલું. આ ગુનામાં પોલીસે રાજેશ અને મહેશની ધરપકડ કરેલી.

જેલમાં રહેલા મહેશનો ૨૦૧ દિવસ બાદ અને રાજેશનો ૬૩૫ દિવસ બાદ જામીન પર છૂટકારો થયો હતો. આ કેસમાં પીડિત બાળાએ કેસને સમર્થન આપતી આપેલી જુબાનીના આધારે આજે ખાસ પોક્સો કૉર્ટના જજ અંદલીપ તિવારીએ પોક્સો એક્ટની કલમ ચાર હેઠળ બેઉ ભાઈને દસ દસ વર્ષની સખ્ત કેદ સાથે પાંચ પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

ઈપીકો કલમ ૩૪૨ હેઠળ ૧ વર્ષની સખ્ત કેદ સાથે ૫૦૦ રૂપિયા દંડ, ઈપીકો કલમ ૩૬૩ અને ૩૬૬ હેઠળ પાંચ પાંચ વર્ષની કેદ અને એક એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

કૉર્ટે વિક્ટીમ કોમ્પેન્સેસન સ્કિમ હેઠળ પીડિતાને પાંચ લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે.

ગુનામાં મદદ કરનાર સહઆરોપી મનજી દેવા કોલી અને વીરુ કોલી આજ દિન સુધી નાસતાં રહ્યાં છે. તેમની વિરુધ્ધ પકડ વૉરન્ટ ઈસ્યૂ કરાયેલું છે.

કેસની તપાસ તત્કાલિન પીઆઈ બી.એસ. સુથાર અને નાયબ પોલીસ અધીક્ષક કે.જી. ઝાલાએ કરેલી. નાયબ પોલીસ અધીક્ષક એસ.એમ. સૈયદે ચાર્જશીટ કરેલી. સરકાર તરફે એડવોકેટ ધર્મેન્દ્રસિંહ એસ. જાડેજાએ કેસની પેરવી કરી હતી.

Share it on
   

Recent News  
નારાણપર નજીક ટ્રેલરની ટક્કરે ભુજની ૧૯ વર્ષિય આશાસ્પદ યુવતીનું સ્થળ પર મૃત્યુ
 
૨૨૦ના બદલે ૧૦૦નું પેટ્રોલ પૂર્યું તો બાઈકચાલકે પંપ કર્મચારીનો હાથ ભાંગી નાખ્યો!
 
બન્નીમાં ઑગસ્ટ સુધીમાં કેન્યાના ૪ ચિત્તા રીલોકેટ થવાની શક્યતાઃ NTCAની મંજૂરી