click here to go to advertiser's link
Visitors :  
14-May-2026, Thursday
Home -> Bhachau -> Bhachau Court orders 1 to 3 year jail to four sibling in POCSO case
Wednesday, 06-May-2026 - Bhachau 12290 views
આડા સંબંધોના ડખામાં મા-દીકરી જોડે ગેરવર્તાવ કરનાર ૪ સગાં ભાઈને ૩થી ૧ વર્ષની કેદ
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ આડા સંબંધોના ડખામાં ગાળો ભાંડી, માતાને મુઢ માર મારીને ૧૬ વર્ષની દીકરીની છાતીને સ્પર્શ કરી ધક્કો મારી નીચે પાડીને ધમકી આપવાના ગુનામાં ભચાઉ કૉર્ટે ચાર સગાં ભાઈને સજા ફટકારી છે. ૨૬-૧૧-૨૦૨૨ના રોજ રાપર તાલુકાના ફતેહગઢ ગામે ઘટેલી ઘટના અંગે ચારે સહોદર સામે ૧૩મા દિવસે રાપર પોલીસ મથકે પોક્સો એક્ટની કલમ ૮ તથા ઈપીકોની વિવિધ કલમો તળે ગુનો નોંધાયો હતો.

સગીર દીકરીની માતાએ ફરિયાદમાં આરોપ કરેલો કે બનાવની રાત્રે આઠ વાગ્યે બેઉ મા દીકરી ઘરે હતા અને બે પુત્રો ખેતરે પાણી વાળવા ગયેલાં તે સમયે હરેશ સામા કોલી અને તેનો ભાઈ દલો આવેલાં. હરેશને ફરિયાદીના દીકરાની વહુ જોડે આડા સંબંધો હતા, વહુ પિયરે હતી અને ફરિયાદીનો દીકરો પત્ની જોડે ફોન પર વાતો કરતો હોઈ તેનું મનદુઃખ રાખીને બેઉ જણે ઘરમાં આવીને ‘ક્યાં છે તારા બેઉ દીકરા? આજે તો તેમને પતાવી દેવા છે’ કહી ભૂંડી ગાળો ભાંડેલી.

તારા મોટા દીકરાની પત્ની જોડે મારે આડા સંબંધો છે અને તારા દીકરાને કહી દેજે કે તેની પત્ની જોડે વાતો ના કરે તેમ કહીને હરેશે ધાક-ધમકી કરેલી.

તે સમયે અન્ય બે ભાઈ અરવિંદ અને ભરત પણ ત્યાં ધસી આવેલાં. હરેશે ફરિયાદીની સગીર દીકરીની છાતીને સ્પર્શ કરી ધક્કો મારી નીચે પાડી દીધેલી. ચારે ભાઈઓએ બનાવ અંગે ફરિયાદ નોંધાવી તો ગામમાં રહેવા નહીં દઈએ, બધાને પતાવી દઈશું તેમ કહી ધમકી આપેલી. બનાવ બાદ સામાજિક આગેવાનોએ બેઉ પક્ષ વચ્ચે સમાધાનના પ્રયાસો કરેલાં પરંતુ સમાધાન ના થતાં બનાવના ૧૩મા દિવસે ફરિયાદ નોંધાવાયેલી.

પોલીસે ગુનો નોંધી ચારેની અટક કરેલી. છ દિવસમાં તેઓ જામીન પર છૂટી ગયેલાં. આ ગુનામાં મા દીકરી તેમની જુબાની પર અડગ રહેલાં, પરંતુ બેઉ પુત્રો જુબાનીમાંથી ફરી ગયેલાં.

આજે ભચાઉની વિશેષ પોક્સો કૉર્ટના ખાસ જજ અંદલીપ તિવારીએ ચારે જણને દોષી ઠેરવી એકથી ત્રણ વર્ષની કેદની સજા ફટકારી છે.

પીડિત બાળાની જુબાનીને મજબૂત પુરાવો ગણીને કૉર્ટે હરેશ સામા કોલીને પોક્સો એક્ટની કલમ ૮ હેઠળ ૩ વર્ષની સખ્ત કેદ સાથે પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

એ જ રીતે, હરેશને ઈપીકો કલમ ૨૯૪ (બી) હેઠળ એક વર્ષની સાદી કેદ, ૫૦૬ (૨) હેઠળ ૩ માસની સાદી કેદ તથા એક-એક હજારનો દંડ ફટકાર્યો છે. અન્ય ત્રણ ભાઈ દલો, અરવિંદ અને ભરતને ઈપીકો કલમ ૨૯૪ (બી) હેઠળ એક-એક વર્ષની સાદી કેદ સાથે બે-બે હજાર દંડ તથા ૫૦૬ (૨) હેઠળ એક-એક વર્ષની સાદી કેદ તથા બે-બે હજારનો દંડ ફટકાર્યો છે.

આ કેસની તપાસ રાપરના તત્કાલિન પીઆઈ વી.કે. ગઢવીએ કરી હતી. ફરિયાદ પક્ષ તરફે સરકારી વકીલ ધર્મેન્દ્રસિંહ એસ. જાડેજા અને મહેન્દ્રસિંહ આર. જાડેજાએ દલીલો કરી હતી.
Share it on
   

Recent News  
રાપરમાં છરીની અણીએ પંગુ વેપારીને લૂંટનાર ત્રણ ઝડપાયાં: અંગત અદાવતમાં બન્યો બનાવ
 
કંડલામાં ટીમ્બર ભરેલાં જહાજમાં ફ્યુમિગેશન સમયે ઝેરી ગેસથી ત્રણ મજૂરનાં મોત
 
બેન્કમાંથી બારોબાર ૬.૫૨ લાખ ઉપડી ગયાં! અંજારના વેપારી અને તેના ભાભી જોડે ઠગાઈ