|
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ રાપરમાં ૧૫.૫ વર્ષની માનસિક અસ્વસ્થ બાળાને ઘરથી થોડે દૂર બાવળની ઝાડીઓમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચરનારાં નરાધમને ભચાઉની પોક્સો કૉર્ટે ૨૦ વર્ષના સખ્ત કારાવાસ સાથે ૧૬ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ૧ જાન્યુઆરીના રોજ ઘટેલી આ ઘટનામાં રાપર પોલીસે કેવળ ૧૨ દિવસમાં તપાસ પૂરી કરી ૧૮ જાન્યુઆરીના આરોપી સામે ચાર્જશીટ દાખલ કરેલી. તો, ભચાઉ કૉર્ટે પણ ઝડપી ટ્રાયલ ચલાવીને ચાર્જશીટ દાખલ થયાનાં ૯૯ દિવસમાં ગુનેગારને દોષી ઠેરવી સજા ફટકારી છે. જાણો, કેવી રીતે બન્યો હતો ઘૃણાસ્પદ બનાવ
બનાવના દિવસે ગુનાનો ભોગ બનનાર દીકરીની માતા મજૂરીએ ગઈ હતી. ઘરે દીકરી અને તેનો નાનો ભાઈ બેઉ હાજર હતા. દરમિયાન, ૨૯ વર્ષનો શિવો મોહનભાઈ ખેતાભાઈ પારકરા (કોલી) (રહે. કાનપર, રાપર) બાળાને સાંજે પાંચ વાગ્યે નજીકમાં આવેલા પેટ્રોલ પંપ પાછળની ઝાડીઓમાં લઈ ગયો હતો. અહીં તેણે બાળા સાથે દુષ્કર્મ આચરેલું અને બાળાએ ગળામાં પહેરેલો હાર (ડોડી) ઝૂંટવીને નાસી ગયેલો.
બહેનને લઈ જતાં શિવાને નાનો ભાઈ જોઈ ગયો હતો.
સાંજે છ વાગ્યે દીકરીની માતા ઘરે આવેલી. દીકરીને ઘરે ના જોતાં શોધખોળ શરૂ કરેલી. દીકરી જમીન પર પડેલી હાલતમાં રડતી કણસતી મળી આવેલી. દીકરીએ રડતાં રડતાં માતાને જણાવેલું શિવાએ તેની સાથે કુકર્મ આચર્યું છે ને ડોડી ઝૂંટવીને જતો રહ્યો છે.
પોલીસે તત્કાળ FIR દાખલ ના કરતાં હોબાળો થયેલો
ભોગ બનનાર બાળાને સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયેલી. જો કે, ચાર ચાર દિવસ સુધી પોલીસે ગુનો દાખલ કર્યો નહોતો. સોશિયલ મીડિયા અને મીડિયામાં બનાવની વિગતો જાહેર થતાં તેમજ કેટલાંક સામાજિક કાર્યકરોએ પણ દોડી જઈને હોબાળો મચાવતાં રાપર પોલીસે ગુનો બન્યાનાં છઠ્ઠા દિવસે એટલે કે ૬ઠ્ઠી જાન્યુઆરીએ પોક્સો સહિતની કલમો તળે ફરિયાદ દાખલ કરેલી.
હોબાળા બાદ ૧૨ દિવસમાં જ તપાસ કરી ચાર્જશીટ કરેલી
અસંવેદનશીલ વ્યવહાર અંગે માછલાં ધોવાયાં બાદ રાપર પોલીસે અસાધારણ ઝડપ સાથે તપાસ હાથ ધરી, જરૂરી પુરાવા એકઠાં કરીને ફરિયાદ નોંધાયાના ૧૨ દિવસમાં જ તપાસ પૂરી કરી ૧૮ જાન્યુઆરીના રોજ કૉર્ટમાં જરૂરી દસ્તાવેજી પુરાવા અને સાક્ષીઓના નિવેદનો સાથેનું તહોમતનામું રજૂ કર્યું હતું.
બચાવ પક્ષે કહ્યું બાળાની જુબાની પર ભરોસો ના કરાય
પોક્સો એક્ટ હેઠળ આવા ગુનામાં ભોગ બનનારની જુબાની કેસને સમર્થનકારી હોય તે મજબૂત પુરાવો ગણાય છે. જો કે, બચાવ પક્ષના વકીલે રજૂઆત કરેલી કે ગુનાનો ભોગ બનનાર બાળકી માનસિક અસ્વસ્થ છે તેથી તેના નિવેદન પર ભરોસો કરી શકાય નહીં. પોલીસે તત્કાળ FIR દાખલ કરી નહોતી, ઘટનાસ્થળ આસપાસના CCTV ફૂટેજના પુરાવા લીધાં નહોતા, મુદ્દામાલની ચેઈન ઑફ કસ્ટડી યોગ્ય રીતે જળવાઈ નથી.
જાણો, જજ અને સરકારી વકીલની દલીલો
કૉર્ટે જણાવ્યું કે ભોગ બનનાર બાળા હળવી માનસિક અસ્થિરતા ધરાવે છે તે વાત સાચી પરંતુ બનાવ સ્થળ અને હાજર લોકોથી પરિચિત છે. તેની જોડે જે કાંઈ થયું તે જણાવવા સમર્થ છે. કૉર્ટમાં અમે તેનું નિરીક્ષણ કર્યું છે. તે થોડુંક ત્રૂટક ત્રૂટક બોલે છે. વળી, માનસિક અસ્વસ્થ બાળકની જુબાનીનો પુરાવો પડતો મૂકવો તેવું ક્યાંય પોક્સો એક્ટમાં દર્શાવેલું નથી. બાળકીનું મેડિકલ ચેકઅપ કરનાર તબીબે પણ અભિપ્રાય આપેલો કે બાળકી સાથે શારીરિક સંબંધ બંધાયેલો છે. બાળા હોસ્પિટલમાં સારવાર હેઠળ હોઈ FIRમાં વિલંબ થયો હોવાનો સરકારી વકીલે ખુલાસો આપેલો. .
ત્રણ કલમો હેઠળ ૨૦-૨૦ વર્ષની સખ્ત કેદ
૧૮માંથી મોટાભાગના સાક્ષીઓએ આપેલી સપોર્ટીવ જુબાની, જન્મ પ્રમાણપત્ર, મેડિકલ પ્રમાણપત્ર, ગુનાસ્થળના નકશા સહિતના જરૂરી દસ્તાવેજી પુરાવાના આધારે વિશેષ પોક્સો કૉર્ટના સ્પેશિયલ જજ અંદલીપ તિવારીએ ૭ એપ્રિલના રોજ ટ્રાયલ પૂરી કરીને ચુકાદો અનામત રાખ્યો હતો, જે આજે જાહેર કર્યો છે. શિવાને પોક્સો એક્ટની કલમ ૬, ૪ અને ભારતીય ન્યાય સંહિતાની કલમ ૬૪ (૨) (i) (k) હેઠળ દોષી ઠેરવી પ્રત્યેક કલમ હેઠળ વીસ વીસ વર્ષની સખ્ત કેદ સાથે પાંચ પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ડોડી ઝૂંટવવા સબબ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૩૭ (૨) હેઠળ બે વર્ષની સખ્ત કેદ અને એક હજાર રૂપિયા દંડ ફટકાર્યો છે.
કૉર્ટે દંડની રકમ વસૂલ થયે વળતર તરીકે પીડિતના પરિવારને ચૂકવી આપવા સાથે ગુજરાત વિક્ટીમ કોન્પેન્સેસન સ્કિમ અંતર્ગત બાળકીના પરિવારને પાંચ લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે.
ગુનો નોંધાયા બાદ પોલીસે તુરંત શિવાની ધરપકડ કરીને જેલહવાલે કરેલો. સમગ્ર કેસ અંડરટ્રાયલ પ્રિઝનર તરીકે ચાલ્યો છે. કૉર્ટે દોષી ઠેરવ્યાં બાદ બચાવ પક્ષના વકીલે જજને અરજ કરેલી કે શિવો પરિણીત છે, ત્રણ સંતાનોનો પિતા છે, બાળકો નાનાં છે અને વિધવા માતાની સંભાળ સહિત સમગ્ર ઘર ચલાવવાની જવાબદારી તેના શિરે છે, હજુ તેના સુધરવાની શક્યતા છે તેથી તેને કઠોર સજા ના કરો. જો કે, જે કલમો તળે ગુનો પૂરવાર થયો છે તે કલમો હેઠળ ઓછામાં ઓછી વીસ વર્ષની સજાની જોગવાઈ હોવાનું કૉર્ટે જણાવ્યું છે.
ગુનાની તપાસ રાપરના પીઆઈ જેન્તીભાઈ બાબુભાઈ બુબડીયાએ કરી હતી અને કૉર્ટમાં સરકાર પક્ષે અધિક જિલ્લા સરકારી વકીલ ધર્મેન્દ્રસિંહ એસ. જાડેજાએ દલીલો કરી હતી. આ કેસ કચ્છના ન્યાયીક ઈતિહાસમાં એક સીમાચિહ્નરૂપ બની રહેશે.
Share it on
|