કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ભચાઉના મોટી ચીરઈના લિસ્ટેડ બૂટલેગર યુવરાજ રાજેન્દ્રસિંહ જાડેજા સામે ભચાઉ પોલીસે મે માસમાં દાખલ કરેલા ગુનામાં થયેલી ધરપકડના કેસમાં ભચાઉ સેશન્સ કૉર્ટે તેને નિયમિત જામીન પર છોડવા ઈન્કાર કર્યો છે. બીજી તરફ, આ જ સેશન્સ જજ તીવારીએ ચોથા દિવસે ભચાઉના અન્ય એક લિસ્ટેડ બૂટલેગર એવા અશોકસિંહ ઊર્ફે મામા બાલુભા જાડેજાની ૬.૮૭ લાખના દારૂના ગુનામાં આગોતરા જામીન અરજી મંજૂર કરી છે. સીઆઈડી ક્રાઈમની મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી સાથે દારૂની ખેપ મારતી વખતે ભચાઉમાં ઝડપાયેલાં બૂટલેગર યુવરાજસિંહ જાડેજાની પોલીસે બાદમાં વારાફરતી અન્ય ગુનાઓમાં ‘ચોપડા’ પર ધરપકડ શરૂ કરી છે.
ભચાઉ પોલીસે ૨૧-૦૫-૨૦૨૪ના રોજ ૧.૫૮ લાખના દારૂ ઝડપાવાના ગુનામાં તેની ધરપકડ દર્શાવી હતી.
ભચાઉ પોલીસે ૨૧-૦૫-૨૦૨૪ના રોજ બાતમીના આધારે જૂની મોટી ચીરઈમાં યોગરાજ કનુભાઈ સોઢા નામના બૂટલેગરના ઘર પાસે આવેલી પીક અપ ગાડીમાંથી ૧.૫૮ લાખનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપ્યો હતો. શરાબનો જથ્થો યુવરાજ, યોગરાજ અને રામદેવ ઊર્ફે ડકુ જાડેજાએ મગાવ્યો હોવાની બાતમી હતી. દરોડા સમયે પોલીસને જોઈ વાહન ચાલક અને યોગરાજ નાસી છૂટ્યાં હતા જ્યારે યુવરાજ અને રામદેવ સ્થળ પર હાજર નહોતાં.
આ કેસમાં સરકારી વકીલ ડી.એસ. જાડેજાએ દલીલો કરી હતી કે યુવરાજ પર અગાઉ ૨૪ ગુના દાખલ થયેલાં છે. તેને જામીન પર છોડાય તો સમાજમાં ખોટો સંદેશ જશે.
સેશન્સ જજ તીવારીએ પણ આ દલીલોને ગ્રાહ્ય રાખી જામીન અરજી ફગાવતાં જણાવ્યું કે આરોપી જામીન પર છૂટે તો ફરી આવા ગુના આચરી શકે છે.
૬.૮૭ લાખના દારૂના કેસમાં રીઢા બૂટલેગર ‘મામા’ને આગોતરા
યુવરાજની જામીન અરજી નકારાયાનાં ચોથા દિવસે આ જ કૉર્ટેમાં ભચાઉના અન્ય એક લિસ્ટેડ બૂટલેગર અશોકસિંહ ઊર્ફે મામા બાલુભા જાડેજાએ દારૂબંધીના ગુનામાં પોલીસ ધરપકડ ના કરે તે માટે આગોતરા જામીન અરજી કરી હતી. જેને કૉર્ટે મંજૂર રાખી હતી.
૧૧ જૂલાઈ ૨૦૨૪ના રોજ ભચાઉ પોલીસે ગુણાતીતપુરથી શિકરા જતા રોડ પર અશોકના કબજાની વાડીમાં દરોડો પાડીને પીક અપ જીપ અને કારમાંથી ૬.૮૭ લાખનો દારૂ ઝડપેલો.
પોલીસે ફરિયાદમાં આરોપ લગાડ્યો હતો કે આ માલ અશોક અને રાપરના દિપુ જયેન્દ્રસિંહ જાડેજાએ સાથે મળીને મગાવેલો. માલનું કટિંગ અશોકના ભત્રીજા ભગીરથ અને ધર્મેન્દ્ર કરતાં હતા પરંતુ પોલીસને જોઈ નાસી છૂટેલાં. સ્થળ પરથી પોલીસને એકમાત્ર તેમનો માણસ હાથ લાગ્યો હતો. વાડીમાં તપાસ કરતાં અંડરગ્રાઉન્ડ ટાંકામાં છૂપાવેલો માલ પણ મળી આવ્યો હતો. આ ગુનામાં નાસતાં ફરતાં અશોક વતી તેના વકીલે દલીલ કરેલી તે ગંભીર બીમારીથી પીડાય છે અને સારવાર ચાલે છે. તેથી તેને આગોતરા આપવા જોઈએ.
સરકારી વકીલે દલીલ કરેલી કે અશોક પર દારૂબંધીના ૧૨ ગંભીર ગુના નોંધાયેલાં છે. તેની સામે નીચલી કૉર્ટે કલમ ૭૦ મુજબ પકડ વૉરન્ટ પણ જારી કરેલું છે. પરંતુ, કૉર્ટે અશોકના આગોતરા મંજૂર કર્યાં હતા.
ઉલ્લેખનીય છે કે, અશોક પૂર્વ કચ્છનો મોટા ગજાનો જથ્થાબંધ દારૂનો બૂટલેગર ગણાય છે. અત્યારસુધીમાં તેનો લાખો રૂપિયાનો દારૂ પકડાયો છે. તેના આ ધંધાના લીધે ભૂતકાળમાં ભચાઉ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ, પીએસઆઈ સહિતના અનેક પોલીસ અધિકારી અને કર્મચારીઓ અનેકવાર સસ્પેન્ડ થઈ ચૂકેલાં છે.
Share it on
|