click here to go to advertiser's link
Visitors :  
09-May-2025, Friday
Home -> Bhachau -> Assault and Atrocity case accused municipality councillor bail out within 2 days
Thursday, 19-Dec-2024 - Bhuj 47445 views
પોલીસે જેને છાવરેલો તે ભુજ ભાજપનો નગરસેવક ધરપકડના બે દિવસમાં જ જામીન પર મુક્ત
કચ્છખબરડૉટકોમ, ભુજઃ અદાલતોમાં ચાલતાં કેસોના ભારણ અને વર્ષોના વર્ષોના થતાં વિલંબ અંગે લોકો સન્ની દેઓલની ફિલ્મ ‘દામિની’નો જાણીતો ડાયલોગ ફટકારે છે ‘તારીખ પે તારીખ’  ‘તારીખ પે તારીખ’. જો કે, મોદી સરકારના દસ વર્ષના શાસનમાં હવે કૉર્ટોમાં ફટાફટ કામગીરી થવા માંડી છે. માનવામાં ના આવતું હોય તો આ કિસ્સો વાંચી લ્યો.

ગાડીને સાઈડમાં હટાવવા જેવા નજીવા મુદ્દે ભુજના દલિત યુવકને જાતિ અપમાનિત કરી પાઈપ વડે હુમલો કરનારા ભુજના ભાજપના નગરસેવક ધર્મેશ ગોર બે દિવસમાં જ જામીન પર છૂટી ગયો છે. ભુજની સ્પે. એટ્રોસીટી કૉર્ટે તેને જામીન આપ્યાં છે.

ધર્મેશ ગોર સામે હુમલો અને એટ્રોસીટીની કલમો તળે ફરિયાદ નોંધાયાના સાડા ત્રણ મહિના સુધી SC/ST CELLએ તેની ધરપકડ કરી નહોતી. ધરપકડથી બચવા ધર્મેશે ભુજ સેશન્સ કૉર્ટ અને હાઈકૉર્ટના દ્વાર ખટખટાવેલાં પરંતુ તેની અરજીઓ ફગાવી દેવાયેલી.

ગામમાં ખૂલ્લેઆમ ફરતો ધર્મેશ ફરિયાદ પાછી લેવા માટે ખોટી અરજીઓથી લઈ ધાક-ધમકી કરતો હોવાની ફરિયાદી રમેશ વણકરે SC/ST CELLના DySP અને SPને રજૂઆતો કરેલી. પરંતુ, પોલીસ તેને પકડવાનું જાણે ભૂલી જ ગયેલી! રમેશભાઈએ મંગળવારે સવારે રેન્જ આઈજી કચેરીમાં આ મામલે વધુ એકવાર રજૂઆત કરતાં SC/ST CELL દ્વારા ધર્મેશની તે જ દિવસે ધરપકડ કરીને જેલહવાલે કરી દીધો હતો.

જે દિવસે ધર્મેશ જેલમાં ધકેલાયો તે જ દિવસે તેની જામીન અરજી સેશન્સ કૉર્ટમાં ફાઈલ થઈ ગયેલી. સરકારી વકીલ અને પોલીસને અરજીની સુનાવણી બાબતે ફટાફટ નોટીસ ઈસ્યૂ થઈ ગયેલી. તપાસકર્તા અધિકારીએ તાબડતોબ સોગંદનામું તૈયાર કરી રજૂ કરી દીધેલું.

આજે કૉર્ટમાં બંને પક્ષે દલીલો થઈ ગઈ અને કૉર્ટે ચુકાદો પણ સંભળાવી દીધો. ગુનાની મહત્તમ સજા સાત વર્ષની હોવાનું, મહત્વની તપાસ પૂરી થઈ ગઈ હોવાનું, તપાસમાં તેની જરૂર નથી, આરોપી સ્થાનિક છે અને ક્યાંય નાસી જાય તેવી શક્યતા નથી તેવું જણાવીને કૉર્ટે તેને જામીન પર છોડવા હુકમ કર્યો છે. સ્પે. એટ્રોસીટી કૉર્ટના વિદ્વાન જજ વિશાલ વી. શાહે આજે આ ચુકાદો આપ્યો છે. ઉલ્લેખનીય છે કે ધર્મેશ ગોર પર અગાઉ છ ગુના નોંધાયેલાં છે. 

Share it on
   

Recent News  
ભુજના ગામડાઓમાં કેબલ સહિત ચાર ચોરીઓ કરનારી કુકમાની ગેંગને પધ્ધર પોલીસે ઝડપી
 
ભચાઉના તોરણિયામાં ઘેરબેઠાં ગાંજાની ખેતી! ૪.૨૧ લાખનો ૪૨ કિલો ગાંજો જપ્ત
 
કચ્છ સહિત ૧૫ સૈન્ય થાણાં પર ડ્રોન/ મિસાઈલ્સથી પાક.નો હુમલાનો પ્રયાસ નિષ્ફળ