અડધા કરોડનો માલ ભરેલો દાટેલો ડબ્બો કાઢી ચોર્યો અને તેને છૂપાવવા ફરી દાટ્યો!
કચ્છખબરડૉટકોમ, દુધઈઃ સાધુ હોવાનો ઢોંગ રચી ભચાઉના સંગમનેર ગામના વૃધ્ધ ખેડૂતને વિશ્વાસમાં લઈ ‘ઘરમાં રાખેલું ધન વાડીમાં દાટો, ડબલ થઈ જશે’ કહીને બાવન લાખની મતાની ચોરી કરનારા આરોપી પાસેથી ૫૧.૭૮ લાખનો મુદ્દામાલ સફળતાપૂર્વક રિકવર કરી લેવાયો છે.
Video :
ભચાઉના વાદીનગરના રહેવાસી અને હાલ જૂની મોટી ચીરઈ પાસે ખુલ્લી જમીનમાં કાચાં ઝૂંપડામા રહેતા રમેશનાથ ધીરાનાથ વાદી વિરુધ્ધ બે દિવસ અગાઉ પોલીસે ફરિયાદ દાખલ કરીને તે જ દિવસે તેની અટક કરી લીધી હતી.
દાટેલો ડબ્બો ચોર્યો ને છૂપાવવા માટે ફરી દાટ્યો
પ્રારંભે પોલીસે પૂછપરછ કરતાં રમેશ ચોરીનો માલ ક્યાં છૂપાવી રાખ્યો છે તે અંગે કશી વિગત જણાવતો નહોતો.
પોલીસે નકલી બાવો બનેલા રમેશને ‘ચૌદમું રતન’ બતાડતાં જ તે ખાખીને વશ થઈ ગયો હતો.
તે પોલીસને ચીરઈ પાસે આવેલા ઝૂંપડામાં લઈ ગયો હતો. પોલીસને કહેલું કે ફરિયાદી પરસોત્તમભાઈ છાભૈયાએ જે ડબ્બામાં સોનાના ઘરેણાં અને રોકડાં રૂપિયા મૂકીને દાટ્યો હતો તે ડબ્બો ચોરીને ઝૂંપડા પર આવી પોલીસથી બચવા માટે ડબ્બો દાટી દીધો હતો.
પોલીસની હાજરીમાં તેણે જમીનમાં દાટીને છૂપાવી રાખેલો માલમતા ભરેલો ડબ્બો બહાર કાઢ્યો હતો.
દુધઈ પોલીસ ઈન્સ્પેક્ટર આર.આર. વસાવા અને તેમની ટીમે આરોપીને તાત્કાલિક દબોચીને મોટાભાગનો મુદ્દામાલ રીકવર કરવા જહેમત ઉઠાવી હતી. સૂત્રોએ જણાવ્યું કે રમેશે અગાઉ પણ આવા અનેક ગુના આચર્યાં હોવાની આશંકા છે. તેની ક્રાઈમ હિસ્ટ્રી પોલીસ તપાસી રહી છે.
રીઢા આરોપીઓ ઝડપથી મુદ્દામાલ બતાડતાં નથી
સામાન્યતઃ વિશ્વાસઘાત, ઠગાઈ, ચોરી વગેરે જેવા અનેક ગુનાઓમાં ગુનો પુરવાર થયે કેદની સજા મહત્તમ સાત વર્ષ સુધીની હોઈ, સુપ્રીમ કૉર્ટે આપેલા લેન્ડમાર્ક જજમેન્ટ ‘અર્નેશકુમાર વર્સિસ બિહાર સ્ટેટ’ની ગાઈડલાઈન મુજબ, અદાલતો આરોપીઓને જામીન પર છોડવામાં ઉદાર રહે છે.
રીઢા અપરાધીઓ ગુનો આચર્યાં બાદ મુદ્દામાલ બતાડતાં નથી અને થોડાંક દિવસો કે મહિના બાદ જેલમાંથી જામીન પર છૂટી જઈને ચોરીના માલથી જલસા કરતાં રહે છે.
કૉર્ટોમાં વર્ષો સુધી ટ્રાયલ ચાલ્યાં કરે છે. ત્યારે, આવા પ્રકારના ગુનાઓમાં પોલીસ કૉર્ટમાં ગુનો પુરવાર થાય ત્યારે ખરો પરંતુ મહત્તમ મુદ્દામાલ રીકવર થાય તેના પર વધુ ફોકસ રાખે છે.