કચ્છખબરડૉટકોમ, ભુજઃ અંજારના મેઘપર બોરીચીના રહેણાંકથી કૉલેજ જવાનું કહી નીકળેલાં અને બાદમાં ખાડામાં દાટી દેવાયેલો જેનો મૃતદેહ મળ્યો હતો તે ૧૯ વર્ષિય યશ સંજીવકુમાર તોમરના ચકચારી પ્રકરણે છેલ્લાં દસ દિવસથી અંજાર પોલીસની ઊંઘ ઉડાડી દીધી છે. પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે યશના હાલના માતા પિતા તેના અસલી બાયોલોજીકલ (જૈવિક) માવતર નથી બલ્કે તેઓ પાલક માવતર છે! સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ યશના કથિત અપહરણ અને સવા કરોડની ખંડણીના ફોન અંગે પોલીસને ફરિયાદ આપનાર તેની ૪૪ વર્ષિય માતા રેખાસિંગ અને તેનો પતિ સંજીવકુમાર તોમર હકીકતે તેના અસલી માતા પિતા નથી. યશ રેખાની બહેનના પુત્રનો પુત્ર છે અને માવતરનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ નીપજ્યાં બાદ રેખાએ યશને પોતાનો પુત્ર માનીને સાથે રાખ્યો હતો. એટલું જ નહીં, રેખા અને સંજીવ બેઉ લિવ ઈન રીલેશનશીપમાં રહે છે. જો કે, ગુનાની તપાસમાં આ બાબતને સાંકળતી કોઈ જ શંકાસ્પદ વિગતો જાણવા મળી નથી.યશના મૃત્યુથી પાલક માતા ખૂબ આઘાતમાં સરી પડી છે.
અંજાર પોલીસની મહેનતને સલામ
૬ નવેમ્બરની રાત્રિથી લઈ આજે ૧૬ નવેમ્બરના ૧૦ દિવસ દરમિયાન અંજારના પીઆઈ શૈલેન્દ્રસિંહ સિસોદીયા અને તેમની ટીમ આંખનું મટકું’ય માર્યાં વગર ગુનાની તપાસ કરી રહી છે. પોલીસ દોઢસો જેટલાં સીસીટીવી કેમેરાના કલાકોના કલાકો લાંબા ફૂટેજ માથાં પર પાણી છાંટીને આંખો ફાડીને બબ્બે ત્રણ ત્રણવાર ચેક કરી રહી છે. કારણ કે, અપહરણ અને હત્યા કેસમાં આરોપીઓ સુધી સાંકળતી કોઈ જ કડી હજુ મળી નથી. દિવાળી અને નવું વર્ષ વીત્યું પરંતુ પચાસ જેટલાં પોલીસ કર્મચારીઓએ તહેવારો મનાવવાના બદલે ગુનેગારોને પકડાય તે જ સાચી ઉજવણી તેવું માનીને દિવસ રાત ગુનાની તપાસ કરી રહ્યાં છે. એક વાતે સૌ એકમત છે કે આ ગુનો એકથી વધુ માણસોએ ઠંડા કલેજે કાવતરું રચીને કરેલી ઘાતકી હત્યાનો છે.
નો ક્રાઈમ ઈઝ પરફેક્ટ ક્રાઈમ
અંજાર પોલીસને ગુના અંગે કોઈ કડી મળતી નથી. પરંતુ, ક્રિમિનોલોજીનું ધૃવ વાક્ય છે કે કોઈ ક્રાઈમ (ગુનો) કદી પરફેક્ટ હોતો નથી. ગુનેગારો જાણે-અજાણ્યે એકાદ એવી કડી છોડી જતાં હોય છે કે જે ઘાસની ગંજીમાંથી સોય મળી જાય તેમ પોલીસ શોધી લેતી હોય છે અને આ કડી તેમને ફાંસીના ફંદા સુધી પહોંચાડી જતી હોય છે. પોલીસ આ સોય શોધી રહી છે. કારણ કે એકવાર લીડ મળી ગઈ તો બાકીના પૂરાવા આપોઆપ સામે આવી જશે.
ગળેટૂંપો આપી યશની હત્યા કરી દાટી દેવાયેલો
આ કેસમાં અડાબીડ ગીચ ઝાડીમાંથી યશનો દાટી દેવાયેલો મૃતદેહ મળ્યો તે જ પોલીસની સફળતાનું પહેલું પગથિયું છે. સોશિયલ મીડિયા પર શૅર કરેલી ક્લિપના આધારે ગીચ ઝાડીમાંથી પરફેક્ટ લોકેશન ટ્રેસ કરવું તે જહેમતભર્યું કામ હતું. ખુદ પત્રકારો પણ ગુનાની જગ્યા શોધવામાં ગોથે ચડ્યાં હતાં. કેસની તપાસ સાથે સંકળાયેલાં કેટલાંક પોલીસ કર્મચારીઓએ અંગત લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું કે અમને જાણે યશનો આત્મા તે સ્થળે બોલાવતો હોય તેવી લાગણી થાય છે. રોજ કેટલાંક પોલીસ કર્મચારીઓ યશને જ્યાં દાટી દેવાયો હતો તે સ્થળેથી કોઈક કડી મળી જાય તેવી આશામાં ગીચ ઝાડીમાં આંટો મારી આવવા આપોઆપ પ્રેરાય છે અને ત્યાં પહોંચી જાય છે.
એક બાબત સ્પષ્ટ છે કે આરોપીઓએ પોલીસને ગેરમાર્ગે દોરવા અપહરણ ખંડણીની માંગણી કરી હશે. હકીકતે તેમણે યશને યુક્તિપૂર્વક આ સ્થળે બોલાવી હત્યા કરી નાખી હશે. યશને ગળેટૂંપો આપી મારી નાખ્યો હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. સંભવતઃ યશને અહીં લાવતાં પૂર્વે પાંચ ફૂટનો ખાડો પણ ખોદી રખાયો હશે.
Share it on
|