કચ્છખબરડૉટકોમ, અંજારઃ રાહદારી મહિલાઓના ગળામાંથી સોનાની ચેઈનની ચીલઝડપ કરનાર ચીખલીગર ગેંગના બે શખ્સો પાસેથી સસ્તામાં સોનુ ખરીદીને ગુનામાં સહભાગી બનેલા ભુજના સોનીની અંજાર પોલીસે ધરપકડ કરી છે. અંજાર પોલીસ મથકમાં ચીલઝડપના નોંધાયેલા બે ગુનામાં સોનાની બેઉ ચેઈન ખરીદનારા બિપીનભાઈ શંકરભાઈ સોની (રહે. બેન્કર્સ કોલોની, જ્યુબિલી સર્કલ પાસે, ભુજ)ની અંજાર પોલીસે ધરપકડ કરી છે. ૬૪ વર્ષિય બિપીને આરોપીઓ પાસેથી ચોરીની ચેઈન ખરીદી તેને ગાળી નાખેલી. પોલીસે ગાળેલા સોનાની અંદાજે ૪૫ હજારની કિંમતની બે લગડી કબજે કરી છે. અંજાર પીઆઈ એ.આર. ગોહિલ અને પીએસઆઈ વાય.પી. ગોહિલ સહિતનો સ્ટાફ ડિટેક્શન અને ડિટેન્શનની કામગીરીમાં જોડાયો હતો. આ ગેંગે અંજાર, આદિપુર અને માધાપરમાં પાંચ ગુના આચરેલાં છે.
ચોર કરતાં ચોરીનો માલ ખરીદનારો શેઠ વધુ મોટો ગુનેગાર
ચોર ઉચક્કાઓ પાસેથી ચોરીનો માલ ખરીદતાં લોકો સામે ચોરીનો માલ રાખવા બદલ અલાયદો ગુનો દાખલ કરાય તે જરૂરી છે. સચોટ પુરાવાના અભાવે ચોર કૉર્ટમાંથી નિર્દોષ છૂટી જાય ત્યારે તેની સાથે ચોરીનો માલ રાખનારાં પણ નિર્દોષ છૂટી જતાં હોય છે.
જો ચોરીનો માલ રાખવાની કલમો તળે અલાયદો ગુનો દાખલ થયો હોય અને સજ્જડ પુરાવા હોય તો તેમાં આવા લોકોને સજા થવાની પૂરેપૂરી શક્યતા રહે છે.
કાયદાની નજરે ચોર કરતાં ચોરીનો માલ રાખનારાં શેઠનો ગુનો વધુ ગંભીર છે. આવા શેઠ લોકો સસ્તામાં ચોરીનો માલ ખરીદતાં હોઈ ચોરોને ચોરી કરવા માટે ઉત્તેજન મળે છે.
Share it on
|