કચ્છખબરડૉટકોમ, અંજાર (ઉમેશ પરમાર) અંજારના એક કોર્પોરેટ ઉદ્યોગગૃહે દલિત પરિવારને ખેતીની જમીનના સંપાદન પેટે આપેલાં ૧૩ કરોડ ૮૧ લાખમાંથી ૧૧ કરોડ ૧૪ હજાર રૂપિયા ઈલેક્ટોરલ બોન્ડ પેટે જમા કરાવીને છેતર્યો હોવાનો ગંભીર બનાવ બહાર આવ્યો છે. કંપનીના અધિકારીએ ઈલેક્ટોરલ બોન્ડમાં નાણાં જમા કરાવવાથી દોઢી રકમ મળશે તેમ કહીને અભણ અને ગરીબ પરિવારને ભોળવી, ગુનાહિત કાવતરું ઘડીને ગરીબ પરિવારની મૂડી ભાજપના ‘ચૂંટણી ચંદા’માં જમા કરાવી દઈને કંપનીના ટાર્ગેટને પાર પાડ્યું હોવાનો આરોપ થયો છે. ઈલેક્શન કમિશનની વેબસાઈટ પર જારી થયેલાં ડેટા મુજબ તમામ રકમ ભાજપના ખાતામાં જમા થઈ છે. અંજારના વરસામેડી ગામના સર્વે નંબર ૭૧૫ પૈકી ૨ અને સર્વે નંબર ૭૧૭ની જમીન ૪૩ હજાર ૬૦૫ ચોરસ મીટર જમીનનું ઉદ્યોગગૃહને સંપાદન કરવા બદલ અંજારના નાયબ કલેક્ટર અને જમીન સંપાદન અધિકારી મેહુલ દેસાઈએ સરકારી નિયમ મુજબ જમીન વળતરનું મૂલ્ય ૧૬ કરોડ ૬૧ લાખ ૨૪ હજાર ૮૭૦ રૂપિયા આંકીને ૧૪-૦૮-૨૦૨૩ના રોજ જમીન ધારક પરિવારને તેટલી રકમનું વળતર ચૂકવવાનો એવોર્ડ જાહેર કર્યો હતો. ઉદ્યોગગૃહે અગાઉ ૨.૮૦ કરોડ રૂપિયાનું વળતર આગોતરું ચૂકવ્યું હોઈ તે બાદ કરીને પરિવારને ૧૩ કરોડ ૮૧ લાખ ૯ હજાર ૮૭૦ ચૂકવવા હુકમ કર્યો હતો. આ પેટે પરિવારના ૭ સભ્યોને ૧૩.૮૧ કરોડની રકમના અલગ અલગ ૭ ચેક ૬-૧૦-૨૦૨૩ની તારીખે જમીન સંપાદન અધિકારીના બેન્ક ખાતામાંથી ઈસ્યૂ થયાં હતાં.
બોન્ડમાં નાણાં રોકો, દોઢી રકમ મળશે કહી પ્રલોભન
જમીનના વળતરની રકમ મળવાના આઠ દિવસ અગાઉથી ઉદ્યોગ ગૃહના જમીન સંપાદન વિભાગના અધિકૃત અધિકારીએ કંપનીના ગેસ્ટ હાઉસમાં ફરિયાદી સવાભાઈ કારાભાઈ મણવર અને તેમના ભત્રીજા દેવાભાઈ ખમુભાઈ મણવરને ત્રણથી ચાર વખત બોલાવી સતત એવું પ્રલોભન આપેલું કે ‘તમે વળતરની રકમ ઈલેક્ટોરલ બોન્ડમાં રોકશો તો દોઢી રકમ પરત મળશે. તમારો ફાયદો તેમાં જ છે, જો રોકડા રૂપિયા રાખશો તો ક્યાંક ઈન્કમટેક્સ વિભાગ જપ્ત કરી લેશે’ કંપનીના અધિકારીની વાતોથી ભોળવાઈ જઈને ભોગ બનનાર લોકોએ ચૂંટણી બોન્ડમાં નાણાં રોકાણ કરવાની તત્પરતા દર્શાવતાં કંપનીના અધિકારીએ પોતાની બોન્ડ જારી કરવા અધિકૃત ગાંધીનગરની સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયામાં તેની સારી વગ હોવાનું જણાવીને તેમની સાથે ગાંધીનગરમાં રૂબરૂ જઈ બોન્ડમાં નાણાં રોકવાની તમામ કાર્યવાહી પૂરી કરી આપવાની ખાતરી આપી હતી.
એક્સિસ બેન્કમાં નવા ખાતાં ખોલાવ્યાં
નાણાં મેળવનાર તમામ પરિવારજનોને ગાંધીનગર જવાનો ધક્કો ખાવો ના પડે તે માટે કંપનીના અધિકારીએ અંજારના એક વકીલ કમ નોટરીને કંપની ખાતે બોલાવીને સવાભાઈના ભત્રીજા અને ધોરણ નવ પાસ દેવાભાઇ ખમુભાઇ મણવરના નામનું પાવરનામું તૈયાર કરાવી સહીઓ કરાવડાવી લીધી હતી. કંપનીના અધિકારીના કહેવાથી ભોગ બનનાર પરિવારે ગુજરાત ગ્રામીણ બેન્કમાં ખાતું હોવા છતાં જમીન સંપાદન અધિકારીએ લખી આપેલાં એક્સિસ બેન્કના ચેકવાળી બેન્કમાં જ નવેસરથી ખાતાં ખોલાવી નાણાં જમા કરાવડાવેલાં.
ગાંધીનગર SBI લઈ જઈ બોન્ડ ખરીદાવેલાં
પરિવારે ૯-૧૦-૨૦૨૩ના રોજ ખાતામાં ચેક જમા કરાવ્યાં તેના ત્રીજા દિવસે એટલે કે ૧૧ ઓક્ટોબરના રોજ કંપનીનો અધિકારી સવાભાઈ, તેમના પુત્ર હરેશ, ભત્રીજા દેવાભાઇ ખમુભાઇ મણવર, ગાંધીધામના એક આગેવાન નારાણભાઇ ગરવા તથા કંપનીના અન્ય બે ત્રણ કર્મચારી સાથે ગાંધીનગરના સેકટર-૧૧, ઘ-૪, ઉદ્યોગ ભવન રોડ પર આવેલી સ્ટેટ બેન્કની શાખામાં લઈ ગયો હતો.
બેન્કમાં લઈ ગયાં બાદ ભચીબેન ખમુબેન મણવર, દેવલ ખમુભાઈ મણવર, દેવાભાઈ મણવર, સવાભાઈ મણવર, લખીબેન રાઠોડ અને હીરીબાઈ હરીજનના નામે અલગ અલગ રકમ મળી કુલ ૧૧ કરોડ ૧૪ હજારના બોન્ડ ખરીદી જમા કરાવ્યાં હતાં.
ચૂંટણી પંચે જાહેર કરેલા બોન્ડ ખરીદકર્તાઓના લિસ્ટમાં પાના નંબર ૩૨૪થી તમામના નામની વિગતો દર્શાવાઈ છે. અંજારના એડવોકેટ ગોવિંદ દાફડાએ કચ્છખબરને જણાવ્યું કે તેમણે પ્રત્યેક બોન્ડના યુનિક નંબરના આધારે મેળવણી કરતાં આ નાણાં ભાજપના ખાતામાં જમા થયાં હોવાનું સ્પષ્ટ થયું છે. સૌથી વધુ પાંચ કરોડ ૫૦ લાખ ૬૦ હજાર રૂપિયા બોન્ડ પેટે સવાભાઈએ જમા કરાવ્યાં છે.
નફ્ફટાઈથી જવાબ આપ્યોઃ નાણાં પાછાં ના મળે
ત્રણેક મહિના બાદ સવાભાઈને શંકા જતાં તેમણે કંપનીના અધિકારીને બોન્ડમાં રોકેલાં નાણાં દોઢી રકમ સાથે પાછાં ક્યારે મળશે? તે અંગે પૂછપરછ કરતાં તેણે નફ્ફ્ટાઈથી જવાબ આપ્યો હતો કે ‘એ તો જમા થઇ ગયા, હવે પરત ન મળે’ અંજારમાં કંપનીના સંકુલમાં જે પાવરનામું થયું તેની ઓરિજીનલ કોપી તથા બોન્ડ સમયે બેન્ક અધિકારીએ જે અલગ અલગ દસ્તાવેજોમાં સહીઓ કરાવી હતી તે દસ્તાવેજો કંપનીએ પોતાની પાસે રાખી દીધાં હતાં. સવાભાઈએ આગ્રહ કરતાં બોન્ડની ઝેરોક્સ કોપી આપી હતી. આ મામલે સવાભાઈએ બેન્ક પાસે લેખીત રજૂઆત કરી વિગતો આપવા રજૂઆત કરી પરંતુ બેન્કે કશી વિગત આપી નથી.
જમીન સંપાદનની એવોર્ડ પ્રક્રિયા અંગે પણ શંકા
સવાભાઈના એડવોકેટ ગોવિંદ દાફડાએ જણાવ્યું કે સમગ્ર એવોર્ડ પ્રક્રિયા પણ શંકાના દાયરામાં છે. ૨૦૧૭માં કંપનીએ થોડી ઘણી રકમ આપીને દલિત પરિવાર પાસેથી જમીન ખરીદવા પ્રયાસ કરેલો પરંતુ મહેસુલી વિભાગની નિયત પ્રક્રિયા મુજબ જમીન મૂલ્યાંકન સમિતિએ જમીનનું મૂલ્ય ૭૬ કરોડ રૂપિયા નિર્ધારીત કર્યું હતું. કંપની તેટલી રકમ આપવા ઈચ્છતી નહોતી જેથી થોડોક સમય સુધી પ્રક્રિયા સ્થગિત રહેલી. ત્યારબાદ વી.કે. જોશી નામના પ્રાંત અધિકારીએ જાહેરનામું પ્રગટ કરી જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરેલી. તે સમયે વાંધા અરજી થતાં પ્રક્રિયા સ્થગિત થઈ ગયેલી. દરમિયાન, જોશીની અન્યત્ર બદલી થઈ ગયેલી.
નિયમ મુજબ જાહેરનામું પ્રસિધ્ધ થયાનાં ૧૨ માસની અંદર જો જમીન સંપાદન કામગીરી હાથ ના ધરાય તો સમગ્ર જાહેરનામું રદ્દ થઈ જાય અને નવેસરથી સમગ્ર પ્રક્રિયા હાથ ધરવી પડે.
જોશીના સ્થાને આવેલા પ્રાંત અધિકારી મેહુલ દેસાઈએ ૧૭ ઑગસ્ટ ૨૦૨૩ના રોજ જાહેરનામું પ્રસિધ્ધ થયાને એક વર્ષ પૂરું થતું હતું તેના ત્રણ દિવસ અગાઉ ૧૪ ઑગસ્ટે એવોર્ડ જાહેર કરીને સંપાદન પ્રક્રિયા સંપન્ન કરી દીધી હતી. એડવોકેટ દાફડાએ એ મુદ્દે પણ શંકા દર્શાવી કે એવોર્ડ આપતી વખતે સંપાદન અધિકારીએ ‘જિલ્લા કલેક્ટરની પૂર્વ મંજૂરીની અપેક્ષાએ’ એવોર્ડની રકમ ઠરાવી હતી. જમીન સંપાદન અધિકારીએ આપેલા ચેકનું ખાતું અંજાર મુંદરા સ્ટેટ રોડના સંપાદનના ખાતું છે. હકીકતે આ સંપાદન કંપનીના સેઝ નિર્માણ હેતુ થયું છે અને નિયમ મુજબ જમીન સંપાદન અધિકારીએ નવેસરથી ખાતું ખોલાવવું પડે.
અંજારના એક નેતાની સંડોવણીની આશંકા
કંપનીએ ઈલેક્ટોરલ બોન્ડ પેટે આપવાની રકમનો ટાર્ગેટ પાર પાડવા કંપનીના અધિકારીએ ગરીબ પરિવારને અંધારામાં રાખી સંપાદનની રકમના ૧૧ કરોડ બોન્ડમાં જમા કરાવી દીધાં હોવાની શંકા દર્શાવાઈ છે. આ કાંડમાં અંજારના એક અગ્રણી રાજકીય હોદ્દેદારની અંદરખાને સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. આ મામલે વરસામેડીની આંબેડકરનગર સ્કુલ પાછળ રહેતા ૬૪ વર્ષિય સવાભાઇ કારાભાઇ મણવરે અંજાર પોલીસને ચીટીંગ, ફોર્જરી, એટ્રોસીટી સહિતની કલમો તળે ગુનો નોંધવા દસ દવિસ અગાઉ અરજી કરી હતી પરંતુ પોલીસે તપાસ ચાલું છે કહી આ મામલે હજુ વિધિવત્ ગુનો દાખલ કર્યો નથી.
ભાજપ ગરીબ દલિત પરિવારને નાણાં પરત આપશે?
કંપનીઓના CSR ફંડમાંથી પોલીસ પેટ્રોલીંગ માટે મોટર સાયકલોનો મેળ કરતું પોલીસ ખાતું સરકારમાં સીધી વગ ધરાવતાં ઔદ્યોગિક એકમના અધિકારી વિરુધ્ધ આ મામલે ફરિયાદ નોંધશે કે કેમ તે મોટો સવાલ છે. પોલીસ ખાતું ફોજદારી ફરિયાદ નોંધે કે ના નોંધે પણ પોતાને ગરીબો માટે કલ્યાણકારી ગણાવતી ભારતીય જનતા પાર્ટી જ્યારે એક ગરીબ અને દલિત પરિવાર પોતાના નાણાં છેતરપિંડીપૂર્વક ઈલેક્શન બોન્ડમાં જમા કરાવી દેવાયાં હોવાની ફરિયાદ કરે છે ત્યારે શું તે નાણાં સન્માનપૂર્વક પરત આપવાની વિચારણા કરશે ખરી? કચ્છની લોકસભા બેઠક અનુસૂચિત જાતિ માટે આરક્ષિત છે ત્યારે સમગ્ર કચ્છના દલિત મતદારો બોન્ડમાં જમા થયેલાં નાણાં ભાજપ પાછાં આપે છે કે કેમ તે મુદ્દે મીટ માંડીને બેઠાં છે.
Share it on
|